13 November, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
છઠ પૂજાના તહેવાર પહેલાં મુંબઈનાં કેટલાંક રેલવે-સ્ટેશનો પર ભોજપુરી ગીતો વગાડવાને લઈને ગુરુવારે વિવાદ સર્જાયો છે. આ પગલાની ટીકા થઈ રહી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રેલવેની અનાઉન્સમેન્ટ સિસ્ટમના ઉપયોગ વિશે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર રેલવે-સ્ટેશનો પર ભોજપુરી ગીતો વગાડવામાં આવતાં હોવાના વિડિયો સામે આવ્યા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે મરાઠીભાષી લોકોના અમુક વર્ગો અને કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા રાજુ પાટીલે સવાલ કર્યો કે ‘મહારાષ્ટ્રના તહેવારો અને સંસ્કૃતિને પ્રાધાન્ય આપવાને બદલે અન્ય રાજ્યોના તહેવારોમાં છઠ પૂજાનાં ગીતો વગાડીને ઊજવવાની શું જરૂર છે?’
રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારનો ખુલાસો
આ સંદર્ભે રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે ‘દરેક રાજભવનમાં મહારાષ્ટ્ર દિનની ઉજવણી કરવામાં આવે છે અને આ બાબતનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કર્યો છે. મેં જાતે બિહારના પટનામાં મહારાષ્ટ્ર દિનનો કાર્યક્રમ અટેન્ડ કર્યો છે. અરુણાચલ પ્રદેશમાં પણ મહારાષ્ટ્ર દિનની ઉજવણી કરાઈ છે અને ચેન્નઈમાં પણ ઉજવણી કરાઈ છે. આ લોકોને (વિરોધીઓને) એની માહિતી નથી. MNSનું જે આંદોલન છે એ અડધીપડધી માહિતીના આધારે કરવામાં આવ્યું છે.’
વિશેષ ટ્રેનોને ધ્યાનમાં રાખીને ગીતો વગાડવામાં આવ્યાં હતાં: રેલવેનો ખુલાસો
આ વિવાદ વિશે પ્રતિક્રિયા આપતાં સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિવિધ પ્રસંગોએ સ્ટેશનો પર ચોક્કસ વિષયોને લગતાં જિંગલ્સ અને જાગૃતિ સંદેશાઓ વગાડવામાં આવતાં હોય છે. તેમણે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લોકમાન્ય ટિળક ટર્મિનસ સહિતનાં કેટલાંક સ્ટેશનો પર, જ્યાંથી તહેવારની ભીડને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ત્યાં છઠ પૂજા પહેલાં ગીતો વગાડવામાં આવી રહ્યાં હતાં. મુસાફરો માટેની આવશ્યક માહિતીના પ્રસારણ માટે જરૂરી સમય ઉપરાંત જે વધારાનો સમય ઉપલબ્ધ હોય છે એ દરમ્યાન આનું પ્રસારણ કરવામાં આવે છે.’
બાણગંગામાં છઠ પૂજા કરવા દેવા સામે MNSનો વિરોધ: બાણગંગામાં ગણપતિ કે માતાજીની મૂર્તિનું વિસર્જન નથી થતું તો પછી છઠ પૂજાની ઉજવણી કેમ એવો સવાલ કર્યો
બાણગંગામાં છઠ પૂજા સંદર્ભે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના D વૉર્ડમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા બાણગંગામાં, કુંડની હરતેફરતે પૂજા કરવા દેવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એટલે મીટિંગ ન થાય એ માટે એણે આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોલીસ તેમને રોકવા ગઈ એમાં ઝપાઝપી થઈ હતી.
MNSએ બાણગંગા પર છઠ પૂજા નહીં કરવા દેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. શ્રાદ્ધ પક્ષમાં બાણગંગામાં મોટા પાયે પ્રદૂષણ થયું હતું અને સેંકડો માછલીઓ મરી ગઈ હતી જેના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી. એથી આ વખતે MNSએ કહ્યું છે કે અમે છઠ પૂજા થવા દઈશું નહીં, એ માટે જો અમારે રસ્તા પર ઊતરવું પડશે તો પણ અમે ઊતરીશું.
એમનો ઉત્સવ છે તો એ લોકો એની ઉજવણી ચોક્કસ કરી શકે, અમારો કોઈ વિરોધ નથી; પણ એ ઉજવણી તેમણે તેમનાં રાજ્યોમાં જઈને કરવી અને તેમણે શક્તિપ્રદર્શન કરવું નહીં એમ કહીને MNSએ સવાલ કર્યા હતા કે ‘છઠ પૂજા કરવા દેવા પ્રશાસન કેમ આટલું ઉત્સાહી છે? કેમ તેમને સ્ટેજ તૈયાર કરીને આપવામાં આવે છે? વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા એના માટે મીટિંગો કરે છે. તમે હિન્દુઓના તહેવાર માટે શું કર્યું? બાણગંગાના તળાવમાં તમે ગણપતિ કે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા દેતા નથી તો પછી છઠ પૂજાની ઉજવણી કરવા કેમ તૈયાર થઈ જાઓ છો?’