દાદર સ્ટેશનનું નામ બદલવાની માગણી

27 December, 2018 12:12 PM IST  | 

દાદર સ્ટેશનનું નામ બદલવાની માગણી

દાદર રેલવે-સ્ટેશન

‘મુંબઈના દાદર રેલવે-સ્ટેશનનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર ટર્મિનસ કરો’ એવી નારાબાજી કરીને ભીમ આર્મી સંગઠને ગઈ કાલે મહાપરિનિર્વાણ દિને ફરી એક વખત આ મુદ્દાને સરકાર સમક્ષ લાવીને આંદોલન કર્યું હતું. અનેક જૂનાં શહેરોનાં નામ બદલીને નવાં કરવામાં આવી રહ્યાં છે એમ જણાવીને ભીમ આર્મીના કાર્યકર્તાઓએ દલીલ કરીને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે શહેરોનાં નામ ઝડપથી બદલ્યાં હોવાનો દાખલો આપ્યો હતો.

ભીમ આર્મીના કાર્યકર્તાઓ દાદર સ્ટેશનની અંદર ઘૂસ્યા હતા અને દાદર લખેલા બોર્ડ પર ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ટર્મિનસ’ લખેલાં સ્ટિકર લગાવ્યાં હતાં. વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશનોનાં નામ રામમંદિર, પ્રભાદેવી જેવાં કરવામાં આવ્યાં છે તો દાદરનું નામ શા માટે બદલવામાં નથી આવતું એવો પ્રશ્ન ભીમ આર્મીએ કર્યો હતો. છેલ્લાં કેટલાંય વષોર્થી દાદર સ્ટેશનનું નામ બદલવાની માગણી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી નામ બદલવામાં આવ્યું નથી. ઇન્દુ મિલમાં ડૉ. બાબાસાહેબનું સ્મારક બાંધવાનું કામ રાજ્ય સરકાર ન કરી શકતી હોય તો એ કામ અમને સોંપવું, આંબેડકરની જનતા એ પૂરું કરીને દેખાડશે એવી ચીમકી રિપબ્લિકન સેનાના આનંદરાજ આંબેડકરે આપી હતી.

સંવિધાનને કારણે ભારત વિશ્વનો સર્વોત્તમ દેશ : દેવેન્દ્ર ફડણવીસ

ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને તેમણે આપેલા સંવિધાનને કારણે જ ભારત વિશ્વનો સર્વોત્તમ દેશ બની શક્યો છે અને તેમના વિચારો પર જ રાજ્યનો કાર્યભાર ચાલી રહ્યો છે એવી પ્રતિક્રિયા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચૈત્યભૂમિમાં ભારત રત્નને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આપી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ એમ જણાવીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છેલ્લી વ્યક્તિ સુધી વિકાસ પહોંચવો જોઈએ એ માટે અમે કટિબદ્ધ છીએ અને એ દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. બાબાસાહેબનું જીવન બધા લોકો માટે પ્રેરણાદાયી છે.’

dadar babasaheb ambedkar