પોલીસે રંગેચંગે ગુંડા અયાન ખાનનો જન્મ દિવસ ઊજવ્યો

28 July, 2019 11:36 AM IST  |  મુંબઈ | અનુરાગ કાંબળે

પોલીસે રંગેચંગે ગુંડા અયાન ખાનનો જન્મ દિવસ ઊજવ્યો

પોલીસે રંગેચંગે ગુંડા અયાન ખાનનો જન્મ દિવસ ઊજવ્યો

એક સમયે ઊંચા ક્રાઇમ-રેટ માટે કુખ્યાત ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ૨૩ જુલાઈએ ગુંડા અયાન ખાન ઉર્ફે ઉલ્લાના જન્મ દિવસની ઊજવણી કરવાનો વિવાદ જાગ્યો છે. ભાંડુપ પોલીસ સ્ટેશન અયાન ખાનની સામે અપહરણ અને મારામારીનો ગુનો નોંધી ચૂક્યું છે, પરંતુ હાલમાં તેની સામે કોઈ તપાસ ચાલતી નથી. એથી ૨૩મીએ અયાન કેક લઈને પોલીસ અધિકારીની ઑફિસમાં
પહોંચી ગયો ત્યારે પોલીસ જવાનો કેક કટિંગ-ઊજવણીમાં જોડાયા હતા.

અયાન ખાનની સામે ૨૦૧૦માં અપહરણ અને મારઝૂડનો કેસ નોંધાયો હતો. એ કેસમાંથી અયાનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અયાન પોલીસનો બાતમીદાર બની ગયો છે. ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘હાલમાં તેનો કોઈ ક્રાઇમ રેકૉર્ડ નથી. ૧૦ વર્ષ પહેલાં કરેલા ગુના માટે તેને અપરાધી કહેવો અને દૂર રાખવો વાજબી નથી.’

આ પણ જુઓઃ Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

એ ઊજવણીના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ ઑનલાઇન મીડિયા પર વહેતાં થતાં વરિષ્ઠ પોલીસ અમલદારો રોષે ભરાયા હતા. ઝોન-૭ના નાયબ પોલીસ કમિશનર અખિલેશ સિંહે એ ઘટના માટે દોષિત પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી. ગુનેગારોની સાથે પાર્ટીઓમાં હાજરી અને ભેટસોગાદોના સ્વીકાર સહિત કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાની સૂચના પોલીસ કમિશનર સંજય બર્વેએ આપી હોવા છતાં ભાંડુપ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ઘટના બની હતી.
વાઇરલ વિડિયોમાં પોલીસ સ્ટેશનની અંદર અયાને કેક કાપ્યા પછી બધા પોલીસ જવાનોને કેકના કકડા વહેંચ્યા હતા. તમામ પોલીસ અધિકારીઓ અને કૉન્સ્ટેબલ્સ અયાનનો ભૂતકાળનો રેકૉર્ડ જાણતા હોવા છતાં કોઈએ તેના જન્મ દિવસની ઊજવણીની સામે વાંધો ઉઠાવ્યો નહોતો અને મોજથી વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો હતો.

bhandup mumbai news