ભાંડુપમાં નિર્ભયા પથકની ટીમનું ઑપરેશન ડિલિવરી રહ્યું સફળ

22 September, 2022 10:38 AM IST  |  Mumbai | Rohit Parikh

આ ટીમના સભ્યોએ એક મહિલાની ઇમર્જન્સીમાં તેના ઘરમાં જ ડિલિવરી કરાવીને માતા અને બાળકીને કટોકટીમાંથી ઉગારી લીધાં

ભાંડુપ પોલીસ-સ્ટેશનની નિર્ભયા પથકની ટીમના અધિકારીઓ જેમણે બુધવારે સવારે ભાંડુપ-વેસ્ટની મ્હાડા કૉલોનીમાં એક મહિલાની ઇમર્જન્સીમાં ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

મુંબઈમાં એક વર્ષ પહેલાં સાકીનાકા વિસ્તારમાં એક મહિલા પર બળાત્કાર કર્યા પછી તેની નિર્દય રીતે હત્યા કરવાની ઘટના પછી મુંબઈ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પથકની શરૂઆત કરી હતી. આ પથકની સ્થાપના થઈ ત્યારથી અનેક રીતે મહિલાઓની સુરક્ષા કરવામાં પોલીસ સફળ રહી છે. નિર્ભયા પથકની કામગીરીની વધુ એક નોંધનીય ઘટના ગઈ કાલે સવારે ભાંડુપની મ્હાડા કૉલોનીમાં બની હતી. એમાં નિર્ભયા પથકની મહિલા પોલીસ અધિકારી ૩૬ વર્ષની શ્રદ્ધા કોરેએ એક મહિલાની ઇમર્જન્સીમાં તેના ઘરમાં જ ડિલિવરી કરાવવામાં સફળતા મેળવી હતી. અત્યારે ભાંડુપની કુકરેજા હૉસ્પિટલમાં મહિલા અને તેની પુત્રી બંને ક્ષેમકુશળ છે. મહત્ત્વની વાત એ છે કે શ્રદ્ધા કોરેની પોતાની ડિલિવરી ઑપરેશનથી થઈ હોવાથી તેના માટે પણ આ પહેલો અનુભવ હતો. જોકે તેના સિનિયર અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગિતા લોખંડેની ઘરમાં જ ડિલિવરી કરાવીને યોગિતા અને તેની બાળકીની જિંદગી બચાવી લીધી હતી.  

આ માહિતી આપતાં ભાંડુપ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઉન્હવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પાંચ વાગ્યાની આસપાસ ભાંડુપની મ્હાડા કૉલોનીમાંથી એક પુરુષે પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને તેની ૩૭ વર્ષની પત્ની યોગિતા લોખંડેની ઘરમાં જ ડિલિવરી થઈ જવાના સંજોગો નિર્માણ થયા હોવાથી પોલીસની મદદ માગી હતી. આ લોખંડે દંપતીના ઘરમાં તેમને મદદ કરે એવું કોઈ જ નહોતું. તેનો ફોન આવતાં જ ભાંડુપની નિર્ભયા પથકની ટીમનાં શશિકાંત ચવાણ, પ્રકાશ ગાયકવાડ, શ્રદ્ધા કોરે અને દીપક મોરે તરત જ આ પુરુષનો સંપર્ક કરીને પંદર જ મિનિટમાં તેના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મહિલાની હાલત ખૂબ જ ગંભીર હતી. આ ટીમે જોયું કે મહિલાની ડિલિવરી થઈ રહી છે. આથી આ ટીમની આરોગ્ય અને મેડિકલ ક્ષેત્રે કામ કરતી મહિલા અધિકારી શ્રદ્ધા કોરેએ એક પણ પળ બગાડ્યા વગર તેના અનુભવને કામે લગાડી દીધો હતો. તેણે પરિસ્થિતિની ગંભીરતા જોઈને મહિલાની નાળ કાપીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી દીધી હતી.’

નીતિન ઉન્હવણેએ વધુમાં કહ્યું હતું કે ‘નિર્ભયા પથકની ટીમ તે મહિલાની ઘરમાં ડિલિવરી કરાવી દીધા પછી તરત બાળકી અને મહિલાને નજીકની કુકરેજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ બંનેની તબિયત સારી હોવાની માહિતી આપી હતી. અમે આવાં કાર્યો થકી જ લોકોના આશીર્વાદ મેળવીએ છીએ.’

મારા માટે આ એક રોમાંચક ઘડી હતી, કારણ કે મારી પોતાની ડિલિવરી ઑપરેશનથી થયેલી છે એટલે મને ડિલિવરીનો કોઈ જ અનુભવ નહોતો એમ જણાવીને યોગિતા અને તેની બાળકીનો જાન બચાવીને તેની સફળતાપૂર્વક ડિલિવરી કરાવનાર શ્રદ્ધા મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કૉલ મળતાં જ અમારી ટીમ યોગિતા લોખંડેના ઘરે પહોંચી હતી. ત્યારે યોગિતાની નાળ એકદમ નીચે આવી ગઈ હતી અને તેની નવજાત દીકરી પલંગમાં હતી. યોગિતા અવાક્ થઈને ઊભી હતી. મારા માટે પણ આ એક નવો અનુભવ હતો. આથી હું થોડી મૂંઝાયેલી હતી. જોકે મારા ઑફિસર પ્રકાશ ગાયકવાડ મને માર્ગદર્શન આપતા ગયા અને હું એમ કરતી ગઈ. પ્રકાશ ગાયકવાડે મામલાની ગંભીરતા જોઈને મને છરી લઈને એને બરાબર સાફ કરીને નાળ કાપવાનું કહ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ મેં નાળ કાપીને બાળકીને તેની માથી અલગ કરી હતી. ત્યાર પછી મેં નાળને ગાંઠ મારી દીધી હતી. અમારી આખી પ્રક્રિયા દરમિયાન બાળકી રડતી નહોતી. તે પહેલાં પણ પલંગ પર પડી હતી, પણ રડતી નહોતી. આથી અમે થોડા ગભરાયેલા હતા. જોકે નાળ કાપીને છૂટી કર્યા પછી તે રડતાં અમારી ટીમના ચહેરા પર ચમક આવી ગઈ હતી. મારા માટે પોલીસ તરીકે જ નહીં, એક માતા તરીકે આ એક રોમાંચક અનુભવ હતો જેને હું જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં. હવે ક્યારેક આવી જરૂર પડી તો મારામાં હિંમત આવી ગઈ છે. મને જ્યારે હૉસ્પિટલના ડૉક્ટરોએ બાળકી અને તેની મમ્મીને મળાવી ત્યારે દિલને સંતોષ થયો કે મેં એક મા અને બાળકીને કટોકટીમાંથી ઉગારી લીધાં હતાં.’

ભાંડુપ પોલીસ-સ્ટેશનની નિર્ભયા પથકની ટીમના અધિકારીઓએ જે મહિલાની તેના ઘરમાં જ ડિલિવરી કરાવી તે મહિલા યોગિતા લોખંડે અને તેની બાળકી

અમે તેમને અમારી પોલીસ-વૅનમાં હૉસ્પિટલમાં લઈ શકીએ એવી પરિસ્થિતિ નહોતી એમ જણાવીને પ્રકાશ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આથી શ્રદ્ધા અને હું યોગિતાને રિક્ષામાં હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અમારી પોલીસ-વૅન અમારી સાથે હૉસ્પિટલ સુધી પહોંચી હતી. કુકરેજા હૉસ્પિટલમાં પહોંચતાં જ ત્યાંના ડૉક્ટર યોગેશ ત્રિવેદી અને ડૉક્ટર શ્વેતા મૅડમ અમારી મદદે આવી પહોંચ્યાં હતાં. તેમણે ડિલિવરી પછીની જે કોઈ મહિલા અને બાળકી સાથે પ્રક્રિયા કરવાની હોય એ પૂરી કરીને અમને કહ્યું હતું કે મા અને બાળકી બંને સુરિક્ષત છે અને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. ત્યારે અમારા મનને શાંતિ મળી હતી. યોગિતા લોખંડેને આ પહેલાં બે પુત્રો છે.’

mumbai mumbai news bhandup rohit parikh