૧૬ વર્ષનો ગુજરાતી ટીનેજર સુસાઇડ-નોટ લખીને જતો રહ્યો

30 January, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસમા ધોરણમાં ભણતા ભાંડુપના સાઈરાજ રાઠોડને ગણિતની પ્રિલિમ એક્ઝામમાં ઓછા માર્ક્‍સ આવ્યા એટલે તે માનસિક તાણમાં હતો

ગુમ થયેલો સાઈરાજ રાઠોડ.

ભાંડુપ-ઈસ્ટના કોકણનગર વિસ્તારમાં આવેલી પ્રથમેશ સોસાયટીમાં રહેતો ૧૬ વર્ષનો સાઈરાજ રાઠોડ ૨૬ જાન્યુઆરીએ બપોરે અંગ્રેજીમાં લખેલી સુસાઇડ-નોટ મૂકીને અચાનક ઘર છોડીને જતો રહ્યો હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. આ મામલે ભાંડુપ પોલીસે સાઈરાજના પિતા શૈલેષ રાઠોડની ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સાઈરાજ દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં સ્કૂલમાં યોજાયેલી ગણિતની પ્રિલિમ પરીક્ષામાં ઓછા માર્ક આવતાં તે માનસિક તનાવમાં હોવાનું સામે આવ્યું છે. ૨૬ જાન્યુઆરીએ સવારે સ્કૂલમાં જવા બાબતે પિતાએ ઠપકો આપ્યા બાદ સાઈરાજ સ્કૂલથી ઘરે પાછો આવ્યો હતો અને ત્યાર બાદ સુસાઇડ-નોટ લખીને ઘર છોડીને ગાયબ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ગુજરાતી પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે; જ્યારે પોલીસ દ્વારા સાઈરાજના મિત્રો, શિક્ષકો તથા આસપાસના લોકોની પૂછપરછ કરીને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

શું હતી ઘટના?
સાઈરાજના પિતા શૈલેષ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારી પત્ની બન્ને નોકરી કરીને પરિવારની જવાબદારી સંભાળીએ છીએ. સાઈરાજ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથે ખાનગી ટ્યુશન-ક્લાસમાં પણ જાય છે. ૨૬ જાન્યુઆરીએ સવારે તેની સ્કૂલ હોવા છતાં તે મોડો ઊઠ્યો હતો એટલે તેને સ્કૂલમાં જવા માટે કડક શબ્દોમાં કહ્યું હતું. ત્યાર બાદ સાઈરાજ સ્કૂલમાં ધ્વજવંદન માટે ગયો હતો અને પછી અમે બન્ને નોકરીએ નીકળી ગયાં હતાં. બપોરે મારી પત્ની ઘરે પાછી ફરી ત્યારે ઘરના દરવાજા પાસે એક કાગળ લટકતો જોવા મળ્યો હતો. એ વાંચતાં તે સાઈરાજના હસ્તાક્ષરમાં લખાયેલી સુસાઇડ-નોટ હોવાનું જાણવા મળ્યું હતું. નોટમાં સાઈરાજે પોતાની માનસિક હતાશા વ્યક્ત કરી હતી તેમ જ પ્રિલિમ પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તરત જ અમે સાઈરાજનો તેના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન ‘આઉટ ઑફ કવરેજ’ બતાવતો હતો.’

પોલીસ-ફરિયાદ 
ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઈરાજ ગુમ થયા બાદ તેના પરિવારે તેની ભાંડુપ અને એની આસપાસના વિવિધ વિસ્તારોમાં શોધ કરી હતી. જોકે તે મળી આવ્યો નહોતો. અંતે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. સાઈરાજની અમે સેન્ટ્રલ રેલવેનાં વિવિધ સ્ટેશનોની આસપાસ શોધી રહ્યા છીએ તેમ જ બસ-સ્ટૉપ, રિક્ષા-સ્ટૅન્ડ, હૉસ્પિટલ, ગાર્ડન જેવા વિસ્તારોમાં પણ તેને શોધી રહ્યા છીએ.’

અપીલ : શૈલેષ રાઠોડે સાઈરાજને શોધવા ‘મિડ-ડે’ના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને સાઈરાજ દેખાય તો 88798 88636 નંબર પર ફોન કરીને જાણકારી આપે.

mumbai news mumbai bhandup gujarati community news gujaratis of mumbai mumbai police