લખીમપુર હિંસા: શરદ પવારનો ભાજપ પર પ્રહાર, કહ્યું -`સમગ્ર ઘટના માટે ભાજપ જવાબદાર`

05 October, 2021 07:13 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરપ્રદેશમાં લખીમપુર હિંસા મામલે બહબહાટી ચાલી રહી છે. ખેડૂતો અને નેતાઓ વચ્ચે ધમાસાણ શરૂ છે.

શરદ પવાર (ફાઈલ ફોટો)

ઉત્તરપ્રદેશમાં લખીમપુર હિંસા મામલે બહબહાટી ચાલી રહી છે. ખેડૂતો અને નેતાઓ વચ્ચે ધમાસાણ શરૂ છે. આ દરમિયાન અન્ય પાર્ટીના નેતાઓ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એનસીપી નેતા શરદ પવારે આ ઘટનાને લઈ પ્રતિક્રયિા આપતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે શિવસેના સંજય રાઉતે પણ ભાજપ પર અનેક આક્ષેપો લગાવી ઝાટકણી કાઢી હતી.

એક પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCP ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે લખીમપુર હિંસા કેસમાં મોદી સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. પવારે કહ્યું કે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ શરૂ થયો છે. ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કેન્દ્રને આમાં સફળતા નહીં મળે. 

બે રાજ્યોના મુખ્યમંત્રીઓને રોકવામાં આવ્યા, ખેડૂત નેતાઓને રોકવામાં આવ્યા. એક રીતે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દેશનો વિરોધ ખેડૂતો અને તેમના આંદોલન સાથે છે. દેશનો ખેડૂત ચોક્કસપણે ભાજપને પાઠ ભણાવશે. કેન્દ્ર હોય કે રાજ્ય, લખીમપુર ખેરી ઘટના માટે જવાબદાર ભાજપ છે. ખેડૂતોને તેમના અધિકારો માટે આંદોલન કરવાના દરેક અધિકાર છે.

શરદ પવારે શું કહ્યું?
પવારે કહ્યું કે, `દેશના ખેડૂતો કેટલાક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તેને એક વર્ષ પૂર્ણ થયું છે. ખેડૂતોનું એક જૂથ દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં ખેડૂતોએ દિલ્હી આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો.`

આ ઘટના માટે ભાજપ સંપૂર્ણ જવાબદાર
શરદ પવારે લખીમપુર ખેરી ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે આખા દેશે ભાજપના લોકોનું ખેડૂતો પર વાહનો ચઢાવવા અને આંદોલનને દબાવવાનું કામ જોયું છે. સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ થવી જોઈએ. 

પવારે ભાજપ સરકારો પર સંવેદનહીન હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ ખેડૂતોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરવા પણ તૈયાર નથી. તેમણે સાંસદો અને મુખ્યમંત્રીઓ સહિતના વિપક્ષી નેતાઓને લખીમપુર ખેરીની મુલાકાત લેવાથી રોકવા માટે યુપી સરકારની ઝાટકણી કાઢી હતી.વધુમાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં તેમના મૂળભૂત અધિકારોની હત્યા કરવા જેવું છે.

એનસીપી નેતાએ કહ્યું કે, `આ એક કે બે દિવસ માટે કરી શકાય છે, પરંતુ લાંબા ગાળે તેઓ સફળ થશે નહીં. લોકો તેમને તેમનું સ્થાન બતાવશે. આ મુદ્દે વિપક્ષ એકજૂટ છે.` શિવસેના નેતા સંજય રાઉતે પણ મંગળવારે રાજકીય પક્ષો દ્વારા આ અત્યાચાર સામે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.

 

mumbai mumbai news sharad pawar uttar pradesh