દાદર સ્ટેશન બહાર અડિંગો જમાવી બેઠેલા ફેરિયાઓ દૂર થતાં બેસ્ટની સર્વિસ ફરી શરૂ થઈ

15 September, 2021 08:55 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અભિનેતા ખુરશીદ જે. લૉયર અને સિનિયર સિટિઝન શેખરચંદ્ર પવાર જેવા સ્થાનિક નાગરિકોએ બેસ્ટ, સુધરાઈ અને પોલીસની સક્રિયતાથી રાહત થઈ હોવાનું જણાવ્યું હતું.

સુધરાઈ દ્વારા દાદર રેલવે સ્ટેશન પાસેના રસ્તા પરથી ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા મંગળવારે સવારે દાદર રેલવે સ્ટેશન પાસેના ફેરિયાઓ હટાવીને બેસ્ટનો બસવ્યવહાર ફરી શરૂ કરાયો હતો.

બેસ્ટ અન્ડરટેકિંગના અધિકારીઓએ ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસની મદદથી દાદર (પશ્ચિમ)માં રેલવે સ્ટેશન પાસેથી ફેરિયાઓ હટાવ્યા હતા. અડ્ડો જમાવીને બેઠેલા ગેરકાયદે ફેરિયાઓ બસવ્યવહારમાં નડતરરૂપ બનતા હોવાથી તેમને હટાવવામાં આવ્યા હતા. બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાએ ઘણા દિવસોથી જે રૂટ્સની બસોની અવરજવરમાં મુશ્કેલી હતી એ રૂટ્સમાં ગઈ કાલે સવારે ૭.૧૫ વાગ્યાથી રાબેતા મુજબ અને સરળતાથી બસો દોડતી હોવાનું જણાવ્યું હતું. અભિનેતા ખુરશીદ જે. લૉયર અને સિનિયર સિટિઝન શેખરચંદ્ર પવાર જેવા સ્થાનિક નાગરિકોએ બેસ્ટ, સુધરાઈ અને પોલીસની સક્રિયતાથી રાહત થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે લાંબા વખતના અનુભવોના આધારે ફેરિયાઓ ફરી એ જગ્યા પર પાછા આવવાની શક્યતા પણ દર્શાવી હતી.
બેસ્ટના પ્રવક્તા મનોજ વરદેએ જણાવ્યું હતું કે ‘દાદર (પશ્ચિમ)માં રેલવે સ્ટેશન પાસેના એમ. સી. જાવળે રોડ પર બેઠેલા ફેરિયાઓ બેસ્ટની બસોની અવરજવરમાં અવરોધરૂપ બનતા હતા. ખાસ કરીને દાદર સ્ટેશનથી વરલી સુધીના રૂટ નંબર એ-૧૧૮ની હેરફેર મુશ્કેલ બની હતી. ગણેશોત્સવની ભીડમાં પરિસ્થિતિ વધારે વણસી હતી, તેથી એ-૧૧૮ના પ્રારંભના ઠેકાણેથી ફેરિયાઓ હટાવવાની કાર્યવાહી મુંબઈ મહાનગરપાલિકાના ડિમોલિશન સ્ક્વૉડ અને પોલીસની મદદથી પાર પાડવામાં આવી હતી. હવે એ વિસ્તારમાં બેસ્ટનો બસવ્યવહાર સરળ બન્યો છે. જોકે આ કાર્યવાહી પહેલાં બેસ્ટે દાદર સ્ટેશનથી સર્વિસ બંધ કરી દીધી હતી.’  

rajendra aklekar Mumbai mumbai news dadar