લાંબા સમયથી પડતર વિશેષ ભથ્થું ચૂકવવાની બેસ્ટના વર્કર્સની માગણી

08 April, 2021 10:07 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ગયા વર્ષના લૉકડાઉન દરમિયાન બીએમસી અને બેસ્ટ વર્કર્સનો જુસ્સો વધારવા માટે તેમને પ્રથમ કેટલાક મહિનામાં વધારાના ૩૦૦ રૂપિયા પ્રતિદિન ચૂકવવામાં આવ્યા હતા

ફાઈલ તસવીર

બેસ્ટના કર્મચારીઓએ મૅનેજમેન્ટને ફરિયાદ કરી હતી કે અન્ડરટેકિંગે જૂન ૨૦૨૦થી તેમને વિશેષ દૈનિક કોવિડ ભથ્થું ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી આ ભથ્થું ચૂકવ્યું નથી. ગયા વર્ષના લૉકડાઉન દરમિયાન બીએમસી અને બેસ્ટ વર્કર્સનો જુસ્સો વધારવા માટે તેમને પ્રથમ કેટલાક મહિનામાં વધારાના ૩૦૦ રૂપિયા પ્રતિદિન ચૂકવવામાં આવ્યા હતા.

બેસ્ટ વર્કર્સ જૉઇન્ટ ઍક્શન કમિટીના કન્વીનર શશાંક શરદ રાવે જણાવ્યું હતું કે ‘અમે આ પ્રશ્નનો શક્ય એટલો જલદી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. સાથે જ અમે ત્રણ મુદ્દાની માગણી પણ રજૂ કરી છે જેમાં ૨૩ જૂનથી પડતર રહેલી તમામ રકમ ચૂકવવાનો, મહામારી પ્રવર્તમાન હોય ત્યાં સુધી વિશેષ ભથ્થું ચાલુ રાખવાનો અને રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે.’

મહાનગરપાલિકાના કાર્યકરોને ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી ભથ્થું ચૂકવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીએમસીએ જણાવ્યું હતું કે હવે જાન્યુઆરી ૨૦૨૧થી ભથ્થું ચૂકવવામાં નહીં આવે.

બેસ્ટના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આટલા લાંબા સમય સુધી રકમ ન ચૂકવવી એ વાજબી નથી. તાજેતરના આંકડા અનુસાર ટ્રાન્સપોર્ટર ૩૩,૭૭૦ વ્યક્તિનો સ્ટાફ ધરાવે છે.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport rajendra aklekar