બેસ્ટે ફરી લંબાવ્યો બીએમસી સામે હાથ

22 January, 2022 12:38 PM IST  |  Mumbai | Prajakta Kasale

જોકે આ વખતે એણે અધધધ કહી શકાય એટલા ૬,૬૫૦ કરોડ રૂપિયાની સહાય માગી છે જે સુધરાઈ આખા વર્ષ દરમ્યાન તમામ પ્રોજેક્ટ્સ પાછળ વાપરતી હોય છે

બોરીવલી ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બેસ્ટની ખીચોખીચ ભરેલી બસ. (તસવીર : સતેજ શિન્દે)

બેસ્ટ અન્ડરટેકિંગે એની પરિવહન સેવા ચાલુ રાખવા કૉર્પોરેશન પાસેથી ૬૬૫૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. આ રકમ લગભગ સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન કૉર્પોરેશન દ્વારા તમામ પ્રોજેક્ટ્સ પાછળ વાપરવામાં આવતા કુલ મૂડીભંડોળ જેટલી છે.
કૉર્પોરેશને હજી સુધી એને મંજૂરી નથી આપી. આમ છતાં બેસ્ટ તાજેતરનાં વર્ષોમાં સુધરાઈ માટે ભારણરૂપ બની શકે છે. કૉર્પોરેશન  દ્વારા એના પરિવહન એકમને કરાતી નાણાકીય સહાય છેલ્લાં કેટલાંક વર્ષથી વધી છે. તેણે બેસ્ટને ૨૦૧૫થી ૨૦૧૯ના ચાર નાણાકીય વર્ષમાં બેસ્ટને ૧૫૧.૩૫ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડી છે. એ પછી તેણે ૪૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાંથી અડધા ૨૦૧૯-૨૦૨૦, ૭૫૦ કરોડ રૂપિયાની રકમ ચાલુ નાણાકીય વર્ષમાં તથા ૪૦૬ કરોડ રૂપિયાની લોન ૩૬૪૯ કર્મચારીઓની પેન્ડિંગ ગ્રૅચ્યુઇટીની ચુકવણી માટે આપી હતી.
કૉર્પોરેશન ગૃહમાં ડિસેમ્બરમાં બજેટ અને મંજૂરી સાથે બિડાયેલી નોંધ અનુસાર બેસ્ટને ૨૦૨૦-’૨૧માં ૧૮૮૭ કરોડ રૂપિયાની નાણાકીય ખાધ થવાની શક્યતા છે અને એણે મૂડીભંડોળ માટે ૨૮૦૫ કરોડ સહિત ૬૬૫૦ કરોડ રૂપિયાની મદદ માગી છે. સુધરાઈએ હવે જાણકારી માટે સ્ટૅન્ડિંગ કમિટીને નોટિસ ઑફ રેઝોલ્યુશન મોકલી છે. અમલીકરણ પહેલાં ઠરાવ માટે વહીવટી તંત્રની મંજૂરી મળવી જરૂરી છે.
કૉર્પોરેશનમાં વિપક્ષના નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે ‘બેસ્ટ ટકી રહે એ જરૂરી છે, પણ કૉર્પોરેશનના ભોગે નહીં. કૉર્પોરેશનનું બજેટ આવા નાણાકીય બોજના ભાર તળે દબાઈ જશે. આ રકમ એક વર્ષમાં શહેરભરના તમામ પ્રોજેક્ટના ફન્ડિંગ જેટલું છે. પરિવહન પાંખ એની નાણાકીય કટોકટીમાંથી બહાર નીકળવા શું કરી રહી છે? જો કૉર્પોરેશન આ રીતે ભારણ પોતાના ખભે ઉઠાવતું રહેશે તો બેસ્ટ કદી આપબળે ઊભા રહેવાની કોશિશ  નહીં કરે.’
કૉર્પોરેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘બેસ્ટ ઇલેક્ટ્રિક કાફલા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી સહાય મેળવી શકે છે. એને સુધરાઈ પાસેથી સંપૂર્ણ ભંડોળ લેવાની જરૂર નહીં પડે.’
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે બેસ્ટની વિનંતીની તથા સુચારુ કામગીરી માટેની એની જરૂરિયાતોની ખરાઈ કરીશું અને યોગ્ય નિર્ણય લઈશું.’
 
mumbai mumbai news brihanmumbai electricity supply and transport prajakta kasale