આજથી BESTના કર્મચારીઓની હડતાળ

19 June, 2026 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાકી પગાર અને વેટ-લીઝ બસો બંધ કરવા જેવી ૮ માગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી બેમુદત આંદોલન : તંત્ર દ્વારા મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસિસ ઍક્ટ લાગુ

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના કર્મચારીઓની માગણી ન સંતોષાતાં તેઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે. હડતાળને પગલે સંભવિત અડચણોને ધ્યાનમાં રાખીને BESTએ મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ ૨૦૨૩ (MESMA)ની જોગવાઈઓ લાગુ કરી દીધી છે અને જ્યાં સુધી હડતાળની નોટિસ પાછી ખેંચવામાં ન આવે ત્યાં સુધી તમામ વિભાગોને કોઈ પણ કર્મચારીની રજા મંજૂર ન કરવાનો આદેશ આપ્યો છે.

આ હડતાળનું એલાન BEST જૉઇન્ટ વર્કર્સ ઍક્શન કમિટી દ્વારા આપવામાં આવ્યું છે. કમિટીની મુખ્ય ૮ માગણીઓમાં BESTના બજેટને BMCના બજેટ સાથે મર્જ કરવું, નિવૃત્ત કર્મચારીઓનાં બાકી લેણાંની તાત્કાલિક ચુકવણી કરવી, સાતમા પગારપંચ મુજબ વેતનકરાર લાગુ કરવો, નવી ભરતી કરવી, સિનિયર કર્મચારીઓને પ્રમોશન આપવું અને વેટ-લીઝ બસ બંધ કરવી જેવી માગણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનિયનોએ BESTની માલિકીની ૫૦૦૦ બસ ખરીદવાની અને BESTની પ્રૉપર્ટીને ન વેચવાની કે લાંબા ગાળાની લીઝ પર ન આપવાની પણ માગણી કરી છે.

બુધવારે BEST દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટ અને ઇલેક્ટ્રિસિટી બન્ને વિભાગો આવશ્યક સર્વિસ ગણાય છે એટલે આંદોલન દરમ્યાન યોગ્ય ચકાસણી કર્યા વિના કોઈની પણ રજા મંજૂર કરવી નહીં કે ડ્યુટીના સમયમાં ફેરફાર મંજૂર કરવા નહીં. માત્ર ગંભીર બીમારી અથવા અપવાદરૂપ સંજોગોમાં જ આ નિયમમાં છૂટછાટ આપી શકાશે.’

mumbai news mumbai mumbai transport brihanmumbai electricity supply and transport maharashtra news maharashtra government maharashtra