રાજ્યના બીડ જિલ્લામાં કોવિડ-૧૯ના ૮ મૃતદેહોને એક જ ચિતા પર અગ્નિદાહ

08 April, 2021 10:05 AM IST  |  Aurangabad | Gujarati Mid-day Correspondent

જગ્યા ઓછી હોવાથી તેમણે એક જ ચિતા પર આઠેય મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના બીડ જિલ્લામાં ઊભા કરાયેલા કામચલાઉ સ્મશાનમાં એકસાથે આઠ મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોવાનું સુધરાઈના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.

અંબાજોગાઈ ગામના લોકોએ તેમના સ્મશાનગૃહમાં કોવિડ-૧૯ પેશન્ટ્સના અગ્નિસંસ્કાર સામે વિરોધ ઉઠાવતાં સ્થાનિક અધિકારીઓને દૂરના સ્થળે કામચલાઉ સ્મશાનગૃહ ઊભું કરી આ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હોવાનું અંબાજોગાઈ મહાપાલિકાના મુખ્ય અધિકારી અશોક સબલે જણાવ્યું હતું.

જગ્યા ઓછી હોવાથી તેમણે એક જ ચિતા પર આઠેય મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો. જોકે મૃતદેહ વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવ્યું હતું. કોરોનાવાઇરસની મહામારી  વકરી રહી છે ત્યારે તેઓ વધુ આવાં કામચલાઉ સ્મશાનગૃહો ઊભાં કરવા તથા ચોમાસા પહેલાં એને વૉટરપ્રૂફ કરવા માગે છે એમ આ અધિકારીએ કહ્યું હતું. કોરોનાના ચેપને ફેલાતો રોકવા લોકોએ પ્રારંભિક તબક્કામાં જ સારવાર માટે આગળ આવવું જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

coronavirus covid19 maharashtra aurangabad