વિશ્વાસઘાતના રાજકારણને ખતમ કરવા મુખ્ય પ્રધાન બન્યો : ઉદ્ધવ ઠાકરે

20 June, 2020 12:48 PM IST  |  Mumbai | Mumbai Correspondent

વિશ્વાસઘાતના રાજકારણને ખતમ કરવા મુખ્ય પ્રધાન બન્યો : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના કાર્યકરો સાથે માતોશ્રીમાં બેસીને પક્ષના સ્થાપના દિવસે સંવાદ કરતા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે.

અન્યાય વિરુદ્ધ લડત માટે શિવસેનાનો જન્મ થયો હોવાનું જણાવતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકો અને મહારાષ્ટ્રની જનતાને પક્ષના ૫૪મા વર્ધાપન દિનનાં વધામણાં, શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યાં હતાં. વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સમગ્ર રાજ્યના શિવસેનાના હોદ્દેદારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘વિશ્વાસ મૂકવો એ અમારી નબળાઈ નહીં, અમારા સંસ્કાર-સંસ્કૃતિ છે. પરંતુ અમારી સાથે જે પ્રકારનું રાજકારણ ખેલવાના પ્રયત્નો કરવામાં આવ્યા એને તોડી પાડવાના ઉદ્દેશથી હું મુખ્ય પ્રધાનની ખુરશી પર બેઠો છું. શિવસેનાની વિચારધારા બદલાઈ નથી, પરંતુ શિવસેના કોઈની સામે લાચાર પણ થવાની નથી.’ 

ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન દરમ્યાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના રોગચાળા અને નિસર્ગ વાવાઝોડાની આફતોનો મુકાબલો કરવા રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાંની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. એ ઉપરાંત બીજેપી સાથેના સંબંધો અને બીજેપીના રાજકારણની વિશે પણ ટીકા-ટિપ્પણ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘દરેક સંકટમાં શિવસૈનિક દોડીને જાય છે. કોરોના રોગચાળાનું સંકટ હોય કે નિસર્ગ વાવાઝોડાનું સંકટ હોય, શિવસૈનિક દરેક ઠેકાણે જીવની પરવા કર્યા વગર સધિયારા અને સહાય માટે અડીખમ ઊભા હોય છે. શિવસૈનિક સંકટોથી ગભરાતો નથી. શિવસૈનિક સાથે હોય તો કોઈથી ગભરાવાની જરૂર નથી. શિવસેના પોતે જ વાવાઝોડું હોય તો શિવસૈનિકોને વાવાઝોડાનો ભય શાનો હોય?’

mumbai mumbai news uddhav thackeray shiv sena