તમારી દુકાને કોઈ બીએમસી કે એફડીએના ઑફિસર બનીને આવે તો સાવધાન થઈ જજો

20 October, 2021 09:36 AM IST  |  Mumbai | Mehul Jethva

કારણ કે આ પૈસા પડાવવા આવેલા બનાવટી ઑફિસર હોઈ શકે છે. મુલુંડમાં આવા બે જણે ડઝનેક દુકાનદારો સાથે છેપરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મુલુંડમાં છેલ્લા કેટલાક વખતથી બે માણસો પોતાની ઓળખ ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી અથવા સુધરાઈના અધિકારીઓ તરીકે આપીને નાના દુકાનદારો અને રૅશનિંગના દુકાનદારો પાસેથી ૫૦૦થી ૭૦૦ રૂપિયા પડાવતા હતા જેની વેપારીઓમાં ચર્ચા થવા લાગી હતી. ગઈ કાલે આ ગઠિયાઓએ ગૌશાળા વિસ્તારમાં આવેલી એક જનરલ સ્ટોરની દુકાનમાં ફૂડ ઍન્ડ ડ્રગના અધિકારીઓ તરીકે મુલાકાત લીધી હતી અને વેપારીને સવાલ કરવાના ચાલુ કર્યા હતા. જોકે વેપારીએ ગઠિયાઓને ઓળખી લેતાં તેણે તરત જે દુકાનમાંથી પૈસા લઈ ગયા હતા એ વેપારીને ફોન કરીને બોલાવી લીધો હતો. ત્યાર પછી ગઠિયાઓને પકડીને પોલીસને સોંપ્યા હતા. જોકે પોલીસે માત્ર તેમની એનસી નોંધીને ગઠિયાઓને છોડી મૂક્યા હતા.
રૅશનિંગના દુકાનદારો અને કરિયાણાંની દુકાન ધરાવતા આશરે ૧૨ વેપારીઓ પાસેથી આ બે જણે પોતાની ઓળખ ફૂડ ઍન્ડ ડ્રગ અધિકારી અથવા સુધરાઈના અધિકારીઓ તરીકે આપીને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. એક વેપારીએ કહ્યું હતું કે ‘એક અઠવાડિયા પહેલાં આરોપી સંતોષ શિંદે અને સંતોષ બગોરે નામના આ બે ગઠિયાઓ મારી દુકાન પર આવ્યા હતા. મારી જનરલ સ્ટોરની દુકાન હોવાથી તેમણે આખી દુકાનમાં નજર કરી હતી. ત્યાર પછી તેમણે અલગ-અલગ કારણો આપી મારી પાસેથી પૈસાની માગણી કરી હતી. મેં તેમનું આઇડી કાર્ડ માગતાં તેઓ ગભરાયા હતા અને મને કહ્યું હતું કે આ સમયે તને વૉર્નિંગ આપીને છોડીએ છીએ, પરંતુ બીજી વખત તારા પર કેસ બનાવીશું. આમ કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. આ બાબતની માહિતી મેં મારા વેપારી વર્ગના લોકોને આપી હતી.’
આ બાબતમાં વધુ માહિતી આપતાં ગૌશાળા રોડ પર મયૂર ટ્રેડર્સના માલિક અશ્વિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે એક ઍક્ટિવા પર બે માણસો મારી દુકાનમાં આવ્યા હતા. તેમણે દુકાનમાં મસાલાનાં પૅકેટ જોયાં હતાં. એ પછી એમાં લાગેલી એક્સપાયરીના ડેટ મુદ્દે મારી સાથે જીભાજોડી કરી હતી. તેમણે મને પોતાની ઓળખ બીએમસીના અધિકારી તરીકે આપી હતી. જોકે વાત કરવાના ઢંગથી મને સમજાયું હતું કે તેઓ ચીટર છે એટલે મેં અન્ય એક વેપારી જેને ત્યાં તેઓ ગયા હતા તેને બોલાવી લીધો હતો. તેને જોઈને આ બન્નેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમે તેમને પકડીને પોલીસને સોંપ્યા હતા. પોલીસને અમે અમારી દુકાનોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ આપ્યાં હતાં. જોકે પોલીસે માત્ર એનસી નોંધી હતી.’
વધુ એક વેપારી રવિ તન્નાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક તરફ હાલમાં કોવિડની મહામારી વેપારીઓને પરેશાન કરી રહી છે અને બીજી તરફ આવા ગઠિયાઓ વેપારીઓને પરેશાન કરવાનું નથી છોડતા. આ બન્ને માણસો છેલ્લા કેટલાક વખતથી મુલુંડના અલગ-અલગ વિસ્તારોમાં જઈને વેપારીઓને પરેશાન કરીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી રહી હતી. ગઈ કાલે અમે પોતે આ બન્ને ગઠિયાઓને પકડી પોલીસને સોંપ્યા હતા. હવે આગળની તપાસ પોલીસ કરી રહી છે.’ 

mehul jethva Mumbai mumbai news