IPLની મૅચ પર સટ્ટો લેવાના આરોપસર બૅન્ગલોર પોલીસે કાંદિવલીથી બે ગુજરાતી સહિત ત્રણની કરી ધરપકડ

13 May, 2021 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશે વધુ માહિતી આપતાં બચાવ પક્ષના વકીલ ભાવિક ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી મેએ રમાયેલી આઇપીએલની મૅચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની જાણ થતાં બૅન્ગલોરની ગોવિંદપુરા પોલીસે ત્યાંની આઇયો-ઇન હોટેલ પર રેઇડ પાડીને એક આરોપીની ધરપકડ કરી હતી.

ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બીજી મેએ રમાયેલી મૅચ પર બેટિંગના કેસમાં બૅન્ગલોરના ગોવિંદપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસ અંતર્ગત બૅન્ગલોર પોલીસે સોમવારે રાતે સ્થાનિક કાંદિવલી પોલીસની મદદથી મલાડના ઈરાનીવાડી વિસ્તારમાંથી ત્રણ બુકી નથ્થુ રાયચુરા, સુરેશ સાલિયન અને નટવર શાહની ધરપકડ કરી હતી. 

આ વિશે વધુ માહિતી આપતાં બચાવ પક્ષના વકીલ ભાવિક ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીજી મેએ રમાયેલી આઇપીએલની મૅચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની જાણ થતાં બૅન્ગલોરની ગોવિંદપુરા પોલીસે ત્યાંની આઇયો-ઇન હોટેલ પર રેઇડ પાડીને એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન તેણે આ ત્રણ જણનાં નામ આપ્યાં હોવાનું પોલીસનું કહેવું છે. એથી ગોંવિદપુરા પોલીસ સ્ટેશનના એ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર એન. લોકેશ અને ત્યાંના એસીપી કે. એસ. જગદીશ મુંબઈ આવ્યા હતા. તેમણે સ્થાનિક કાંદિવલી પોલીસની મદદ માગી હતી. એથી કાંદિવલી પોલીસ સાથે તેમણે ઉપરોક્ત ત્રણે જણને સોમવારે રાતે પકડ્યા હતા અને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અંધેરી કોર્ટમાં હાજર કર્યા હતા. ત્યાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બૅન્ગલોર પોલીસની અરજી માન્ય રાખી હતી અને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા.’ 

આ કેસમાં જે આરોપી બૅન્ગલોરની હોટેલમાંથી પકડાયો હતો તે જામીન પર બહાર આવી ગયો છે. પકડાયેલા નથ્થુ રાયચુરા, સુરેશ સાલિયન અને નટવર શાહ સામે ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૬૫ (બનાવટ) આઇટી ઍક્ટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંધેરી કોર્ટે બૅન્ગલોર પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ આપી આરોપીઓને ૪૮ કલાકમાં બૅન્ગલોરની કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news bengaluru ipl 2021