પશુ-પક્ષીઓને સાર્વજનિક જગ્યાએ ખવડાવવા પરનો પ્રતિબંધ દૂર થયો

22 June, 2021 12:49 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગર પાલિકાએ અગાઉ બહાર પાડેલો આદેશ પાછો ખેંચ્યો

કેડીએમસી દ્વારા ૧૮ જૂનનો આદેશ રદ કરતો બહાર પડાયેલો પત્ર

ગયા વર્ષે મુંબઈ સહિત વસઈ-વિરારમાં કબૂતરોને દાણા આપવાથી દૂર રહેવાનાં બૅનરો ઠેકઠેકાણે લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના પત્ર બાદ આ બૅનરોને દૂર કરાયાં હતાં. આમ છતાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (કેડીએમસી)એ એક આદેશ બહાર પાડીને સાર્વજનિક જગ્યાઓ પર પશુ-પક્ષીઓને ખાવાનું કે દાણા આપવા પર પ્રતિબંધ લગાવ્યો હચો અને જણાવ્યું હતું કે આદેશનું ઉલ્લંઘન કરનારા પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. કેડીએમસીના આ પ્રકારના આદેશનો ઍનિમલ લવર્સ અને ફીડર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુધરાઈના આ આદેશને કારણે દાણાપાણી બંધ થતાં પશુ-પક્ષીઓની હાલત ખરાબ થઈ હતી એટલે ઍનિમલ લવર્સમાં આક્રોશ જોવા મળ્યો હતો.

આ આદેશ બાદ અમને સતત ઍનિમલ લવર્સના મેસેજિસ આવવા લાગ્યા હતા એમ જણાવીને ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના ઑનરરી ડિસ્ટ્રિક્ટ ઍનિમલ વેલ્ફેર ઑફિસર મિતેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેડીએમસીના આદેશ બાદ મૂંગાં જનાવરોના બૂરા હાલ થવા લાગ્યા હતા. સોસાયટીના લોકો આ આદેશને લઈને ઍનિમલ લવર્સ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને આ આદેશ સોશ્યલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો હતો. ઍનિમલ લવર્સના તેમને થઈ રહેલી અડચણોની ફરિયાદ કરતા અનેક ફોન મને પણ આવ્યા હતા. આ આદેશને કારણે મૂંગાં જનાવરો ભૂખ્યાં મરશે એમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને જણાવીને તાત્કાલિક વિશેષ ધ્યાન આપવા વિનંતી કરતો પત્ર લખ્યો હતો. એથી બોર્ડના સ​ચિવ ડૉ. એસ. કે. દત્તા દ્વારા કેડીએમસી, કમિશનર ઑફ પોલીસ (નવી મુંબઈ), ઍડિશનલ કમિશનર ઍનિમલ હસબન્ડરીને આ આદેશને તાત્કાલિક ધોરણે રદ કરવાનો આગ્રહ કર્યો હતો.’

કેડીએમસીએ આદેશ પાછો ખેંચી લેતાં ઍનિમલ લવર્સે રાહત અનુભવી હતી એમ જણાવીને મિતેશ જૈને કહ્યું હતું કે ‘કેડીએમસીએ ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના પત્ર પર તરત જ ધ્યાન આપીને પશુ-પક્ષીઓેને દાણાપાણી આપવા પર મૂકેલો પ્રતિબંધ અને ૧૦૦૦ રૂપિયાના દંડનો આદેશ ૧૮ જૂને રદ કર્યો હતો. આ આદેશ રદ થતાં ઍનિમલ લવર્સે રાહત અનુભવી હતી અને હવે તેઓ મૂંગાં જનાવરોના દાણાપાણીની વ્યવસ્થા કોઈ પરેશાની અને કાનૂની અડચણ વગર કરી શકશે.’

બોર્ડે લખેલા પત્રમાં શું હતું?

ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાએ કેડીએમસીને પત્રમાં લખ્યું હતું કે ‘ભારતના સંવિધાનના અનુચ્છેદ ૫૧-એ(જી) અનુસાર વન, જિલ્લો, નદીઓ અને વન્યજીવ સહિત પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા અને સુધાર કરવો અને જીવિત પ્રાણીઓ માટે દયા કરવી એ પ્રત્યેક નાગરિકનું મૌલિક કર્તવ્ય છે. પશુ-ક્રૂરતા અને જનાવરોના ઇલાજમાં સામેલ વ્યક્તિઓ દ્વારા ઉત્પીડનની ફરિયાદ એક ગંભીર ગુનો છે.’

mumbai mumbai news kalyan dombivli preeti khuman-thakur