‘બાળાસાહેબને ડર હતો જ કે એક દિવસ શિવસેના કૉન્ગ્રેસ બની જશે’: કંગના

12 September, 2020 02:54 PM IST  |  Mumbai | Agency

‘બાળાસાહેબને ડર હતો જ કે એક દિવસ શિવસેના કૉન્ગ્રેસ બની જશે’: કંગના

કંગના રનોટ

કંગના રનોટ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી મગજમારી અટકવાનું નામ નથી લઈ રહી.‌ હાલમાં શિવસેનાના જન્મદાતા બાળ ઠાકરેને સંબોધીને શિવસેના પર પ્રહાર કરતાં કંગના રનોટે સવાલ ઊભા કર્યા હતા. વાસ્તવમાં કંગનાએ બાળ ઠાકરેના ઇન્ટરવ્યુનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેમાં બાળ ઠાકરે ઇલેક્શન અને ગ્રુપિઝમને પસંદ ન કરતા હોવાની વાત કરતા સાંભળવા મળે છે. આ વિડિયો અપલોડ કરી કંગનાએ કહ્યું કે આ સ્વર્ગસ્થ નેતાને ડર હતો કે શિવસેના ક્યારેક કૉન્ગ્રેસ‌ ન બની જાય. ગ્રેટ બાળાસાહેબ ઠાકરે મારા મનપસંદ પ્રેરણાસ્રોત હતા. તેમને સૌથી મોટો ડર એ હતો કે એક દિવસ શિવસેના ગઠબંધન કરશે અને કૉન્ગ્રેસ બની જશે. મારે જાણવું છે કે પોતાના પક્ષની આજની પરિસ્થિતિ જોઈને તેમને કેવું લાગતું હશે?’

ઉલ્લેખનીય છે કે કંગનાએ મુંબઈને પાકિસ્તાન હેઠળનું કાશ્મીર કહ્યા બાદ બન્ને પક્ષો વચ્ચે વિવાદ વકર્યો છે.

કંગના સામે ડ્રગ્સના કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરશે

અભિનેત્રી કંગના રનોતે પ્રતિબંધિત પદાર્થો અને નાર્કોટિક ડ્રગ્સનો વપરાશ કર્યો હોવાના આરોપોના અનુસંધાનમાં તપાસ કરવા મુંબઈ પોલીસને મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે આદેશ આપ્યો હતો. કંગના રનોટ કેફી દ્રવ્યો-ડ્રગ્સનું સેવન કરતી હોવાના અભિનેતા અધ્યયન સુમનના આરોપોની મુંબઈ પોલીસ તપાસ કરનાર હોવાનું મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગયા મંગળવારે જણાવ્યું હતું.

અધ્યયન સુમન ભૂતકાળમાં કંગના રનોત સાથે મૈત્રી ધરાવતો હતો. અધ્યયને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંગના કેફી દ્રવ્યો-ડ્રગ્સનું સેવન કરે છે. અધ્યયનના ઇન્ટરવ્યુ બાબતે શિવસેનાના વિધાન સભ્ય પ્રતાપ સરનાઈકે રાજ્યના ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. એ પત્રને આધારે ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને તપાસ હાથ ધરવાનો અનુરોધ કર્યો છે.

કંગના રનોતે મુંબઈને પાક ઑક્યુપાઇડ કાશ્મીર (POK) ગણાવીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. ત્યાર પછી શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સાથે સોશ્યલ મીડિયા પર શાબ્દિક તડાફડીમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તથા શિવસેના પર પ્રહારો કર્યા હતા. ત્રણેક દિવસ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ કંગના રનોતની બાંદરાસ્થિત ઑફિસમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું કહી તોડફોડ કરી હતી.

mumbai mumbai news kangana ranaut uddhav thackeray shiv sena bal thackeray