પાર્ટી કરવા મહારાષ્ટ્ર, દમણ, સેલવાસ ગયેલા શોખીનોની ખરાબ શરૂઆત

02 January, 2021 10:57 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પાર્ટી કરવા મહારાષ્ટ્ર, દમણ, સેલવાસ ગયેલા શોખીનોની ખરાબ શરૂઆત

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બૉર્ડરો પર તેમ જ જરૂરી સ્થળોએ પોલીસે નાકા પૉઇન્ટ ગોઠવીને ચેકિંગ હાથ ધર્યું હતું.

થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસ જઈ દારૂનો નશો કરી આવેલા તેમ જ વલસાડ જિલ્લામાંથી દારૂનો નશો કરેલા ૧૬૪૨ જેટલા લોકો વલસાડ જિલ્લા પોલીસના હાથે ઝડપાયા હતા. પાલઘર તેમ જ સેલવાસ–દમણમાં હાઇવે પર તેમ જ ફાર્મહાઉસમાં થર્ટીફર્સ્ટની ઉજવણીની પાર્ટીઓ કરીને પરત ફરેલાઓ પૈકી દારૂ પીધેલા તેમ જ દારૂની હેરાફેરી કરનારા પોલીસના હાથે ચેકિંગ દરમ્યાન ઝડપાઈ ગયા હતા. આટલાબધા લોકો જે-તે પોલીસ-સ્ટેશનના લૉકઅપમાં સમાય એમ ન હોવાથી તેમ જ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું હોવાથી પોલીસે ૮ હૉલ ભાડે રાખ્યા હતા અને આ બધાને લઈ જવા માટે ૧૪ બસ ભાડે કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્ર તેમ જ દમણ, સેલવાસમાં જઈ દારૂનો નશો કરી તેમ જ ચોરીછૂપીથી દારૂ ગુજરાતમાં લાવી દારૂનો નશો કરી ઘણા લોકો વાહનો ચલાવતા હોય છે. વલસાડ જિલ્લા પોલીસે ૩૧ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરીની સવાર સુધી સ્પેશ્યલ ડ્રાઇવ યોજીને જિલ્લાના તમામ પોલીસ-સ્ટેશન વિસ્તારોમાં સતત પૅટ્રોલિંગ રાખીને તેમ જ વલસાડ જિલ્લાને અડીને આવેલાં મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બૉર્ડરો પર તેમ જ જરૂરી સ્થળોએ પોલીસ નાકા પૉઇન્ટ ગોઠવીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન પીધેલા, હેરાફેરી કરતા તેમ જ નશો કરી વાહન ચલાવતા ૧૬૪૨ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કેસ કરવામાં આવ્યા છે.

પોલીસ અધીક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘થર્ટીફર્સ્ટની ઉજવણી થતી હોય છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પ્લાનિંગ કર્યું હતું અને અલગ-અલગ સ્થળોએ ૧૯ ચેકપોસ્ટ ઊભાં કર્યાં હતાં અને ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન ૧૬૪૨ જેટલી વ્યક્તિઓ પકડાઈ હતી. કોરોનાના કારણે એની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું. આટલાબધા લોકો લૉકઅપમાં સમાય નહીં એટલે તેમને રાખવા માટે ૮થી ૯ હૉલ ભાડે રાખ્યા હતા તેમ જ ૧૪ બસ હાયર કરી હતી. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’

દારૂ પીધેલા, દારૂની હેરાફેરી કરનારાઓ તેમ જ દારૂ પીને વાહન ચલાવતા માણસોને વલસાડ જિલ્લા પોલીસે ઝડપી લઈ તેમને ભાડે રાખેલા હૉલમાં બેસાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

new year gujarat shailesh nayak ahmedabad