કોરોનામાં સૌથી વધારે દરદીઓ પીઠના દુખાવા અને આર્થ્રાઇટિસના?

09 May, 2022 09:57 AM IST  |  Mumbai | Suraj Pandey

મીરા રોડની હૉસ્પિટલે કરેલા વિશ્લેષણનું તારણ. વર્ક ફ્રૉમ હોમ એનું મુખ્ય કારણ હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાકાળ દરમ્યાન ઑર્થોપેડિક વિભાગના ઓપીડીમાં પીઠના તીવ્ર દુખાવા (૨૭.૨૯ ટકા) અને આર્થ્રાઇટિસ (૨૬ ટકા)ની સૌથી વધુ સમસ્યા નોંધાઈ હતી. શહેરના ડૉક્ટરો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં નોંધાયેલી સામાન્ય તકલીફોમાં સાંધા જકડાઈ જવા અને ગરદનના દુખાવાનો પણ સમાવેશ છે.

સરકારી હૉસ્પિટલનો ઑર્થોપેડિક વિભાગ વિશાળ સંખ્યામાં દરદીઓની સારવાર કરતો હોવાથી હેલ્થકૅર સિસ્ટમમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અતિ વ્યસ્ત રહેતી સરકારી હૉસ્પિટલના ઑર્થોપેડિક ઓપીડીમાં આવતા દરદીઓની બીમારીની પૅટર્નના કારણની જાણકારી ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં પ્રવર્તતી બીમારીઓ વિશે સમજૂતી મેળવવામાં ઉપયોગી બની રહે છે.

મીરા રોડની ભક્તિ વેદાંત હૉસ્પિટલના એક ડૉક્ટર દ્વારા ઑર્થોપેડિક ઓપીડી પરના ભારણ તથા પ્રવર્તમાન બીમારીઓની આકારણી કરવા માટે જુલાઈ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ દરમ્યાન ઓપીડીની મુલાકાત લેનાર ૧૬૦૫ દરદીઓનું વિશ્લેષણ કર્યું હતું.

વિશ્લેષણના આધારે ઓપીડીમાં આવનારા ૪૩૮ દરદીઓ પીઠના તીવ્ર દુખાવાથી, ૪૨૧ દરદીઓ આર્થ્રાઇટિસથી, ૧૬૧ સાંધા જકડાવાની સમસ્યાથી, ૧૫૮ લિગામેન્ટ્સ સંબંધિત અને ૧૧૧ ગરદન સંબંધી તકલીફોથી, ૧૦૬ દરદીઓ ટેન્ડોનાઇટિસથી પીડાતા હોવાનું માલૂમ પડ્યું હતું; જ્યારે ૮૨ દરદીને શરીર દુખવાની ફરિયાદ હતી. ૬૫ ઑપરેશન બાદના ફૉલો-અપ્સ હતા, ૩૮ દરદીને હાડકાંના ફ્રૅક્ચરની સમસ્યા હતી, ૧૫ને સૉફ્ટ ટિશ્યુની ઈજા થઈ હતી અને ન્યુરોપથીના ૧૦ કેસ નોંધાયા હતા.

અભ્યાસના લેખક અને ભક્તિ વેદાંત હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઑફ ઑર્થોપેડિક્સના ડૉક્ટર પુષ્કર બોરોલેએ જણાવ્યું હતું કે ‘ફક્ત કોવિડને કારણે જ લોકોને ઑર્થોપેડિક સમસ્યા થઈ હોવાનું કહેવું મુશ્કેલ છે. અમે આ સાથે કોરોનાકાળ દરમ્યાન હાથ ધરાયેલો અભ્યાસ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ‘વર્ક ફ્રૉમ હોમ’ની સ્થિતિ હાડકાં સંબંધિત સમસ્યાઓ પાછળનું એક કારણ હોઈ શકે છે.’

ડૉક્ટરે ઉમેર્યું હતું કે ‘બેઠાડુ જીવનશૈલી તથા ખોટી મુદ્રામાં બેસવું એ પીઠનો દુખાવો થવાનું મુખ્ય કારણ હોય છે. મોબાઇલ અને કમ્પ્યુટર તરફ સતત જોયા કરવાને કારણે ગરદનનો દુખાવો થાય છે. આ સમસ્યાઓ વ્યક્તિની કાર્યક્ષમતાને અસર પહોંચાડતી હોવાથી એનું નિવારણ લાવવું જરૂરી છે.’

mumbai mumbai news coronavirus covid19