અઝાન સ્પર્ધાની ચર્ચા શિવસેનાએ હિન્દુત્વથી છેડો ફાડ્યો હોવાનું સૂચવે છે

02 December, 2020 09:35 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

અઝાન સ્પર્ધાની ચર્ચા શિવસેનાએ હિન્દુત્વથી છેડો ફાડ્યો હોવાનું સૂચવે છે

ફાઈલ તસવીર

શિવસેનાના એક નેતાએ મુસ્લિમ બાળકો માટે અઝાન સ્પર્ધા યોજવાના કરેલા સૂચનને પગલે વિવાદ જાગ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિરોધ પક્ષ (બીજેપી)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે સંવાદ દરમ્યાન જણાવ્યું હતું કે ‘શિવસેનામાં અઝાન સ્પર્ધા યોજવાની વાતો વોટ બૅન્કના રાજકારણ માટે એ પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વની વિચારસરણીનો ત્યાગ દર્શાવે છે. શિવસેના હવે હિન્દુત્વ એજન્ડાની ફક્ત આભાસી છબિ દર્શાવે છે. શિવસેના હવે બદલાઈ ગઈ છે. એક નેતાએ અઝાન સ્પર્ધા યોજવાના કરેલા અનુરોધ બાબતે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉતે સ્પષ્ટતા કરવી જોઈએ.’

શિવસેનાના દક્ષિણ મુંબઈના વિભાગ પ્રમુખ પાંડુરંગ સકપાળે એક ઉર્દૂ પોર્ટલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘મને મુસ્લિમોની અઝાન અને હિન્દુઓની આરતીમાં ઘણું સામ્ય જણાય છે. અઝાન સાંભળીને મનને ઘણી શાંતિ થાય છે. મુસ્લિમ બાળકો માટે અઝાનના પઠનની હરીફાઈ યોજવી જોઈએ.’

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘આ હિન્દુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની શિવસેના નથી. બાળાસાહેબ હંમેશાં જે મુદ્દે લડત આપતા હતા તેની વિરુદ્ધ શિવસેના જઈ રહી છે. બાળાસાહેબે તેમના બયાનો, નિવેદનો અને પક્ષના મુખપત્ર સામનાના લેખો-મુલાકાતોમાં જે કહ્યું હતું તેનાથી વિપરીત બાબતો શિવસેનામાં બની રહી છે.’

maharashtra shiv sena bharatiya janata party devendra fadnavis