ઘરે આવીને તપાસો આવો ફોન કરીને ઘરે બોલાવવામાં આવેલા આયુર્વેદિક ડૉક્ટરને એક પરિવારે લૂંટી લીધો

02 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુર્વેદ ડૉક્ટર દીપક વાનખેડેને સાંડુ લહાને નામના વ્યક્તિએ કૉલ કરીને કહ્યું હતું કે દરદીની તબિયત ખરાબ છે અને તે ચાલી શકે એવી સ્થિતિમાં નથી એટલે તમે ઘરે આવીને તપાસી જાઓ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર‌ જિલ્લાના ખુલતાબાદ તાલુકામાં આવેલા લોણી બોડખા ગામના પચાસ વર્ષના આયુર્વેદિક ડૉક્ટરને એક પરિવારે દરદીની સારવાર માટે ઘરે બોલાવીને લૂંટી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

પોલીસના જણાવ્યા મુજબ બે દિવસ પહેલાં સવારે દસ વાગ્યે આયુર્વેદ ડૉક્ટર દીપક વાનખેડેને સાંડુ લહાને નામના વ્યક્તિએ કૉલ કરીને કહ્યું હતું કે દરદીની તબિયત ખરાબ છે અને તે ચાલી શકે એવી સ્થિતિમાં નથી એટલે તમે ઘરે આવીને તપાસી જાઓ. આથી ડૉક્ટર દીપક વાનખેડે સાંડુ લહાનેના ઘરે પહોંચ્યા હતા. દરદી બેડરૂમમાં હોવાનું કહ્યા બાદ ડૉક્ટર બેડરૂમમાં ગયા હતા ત્યારે બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. બેડરૂમમાં એ સમયે સાંડુ લહાનેની પત્ની શકુંતલા હાજર હતી. શકુંતલાએ ડૉક્ટર દીપક વાનખેડેનું શર્ટ ફાડી નાખ્યું હતું અને બૂમાબૂમ કરી હતી કે ડૉક્ટર પોતાની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે. બૂમ સાંભળીને શકુંતલાનો પતિ સાંડુ લહાને બેડરૂમમાં ગયો હતો અને મોબાઇલથી વિડિયો-રેકૉર્ડિંગ કરવા લાગ્યો હતો. ડૉક્ટરે ગભરાઈ જઈને રેકૉર્ડિંગ ન કરવાની વિનંતી કરી હતી. વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને બદનામી કરવાની ધમકી આપીને ડૉક્ટર પાસેથી પાંચ લાખ રૂપિયાની માગણી સાંડુ અને શકુંતલાએ કરી હતી. આ દરમ્યાન બેડરૂમમાં સાંડુનો પુત્ર, પુત્રી અને જમાઈ પણ પહોંચી ગયાં હતાં. બધાએ ડૉક્ટર દીપક વાનખેડે પાસેની બૅગ આંચકી લીધી હતી અને તેમની પાસેના ૭૮ હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. એટલું જ નહીં, મોબાઇલ ઍપની મદદથી તેમણે વધુ રૂપિયા પણ પડાવ્યા હતા. બાકીના રૂપિયા એક દિવસમાં આપીશ એમ કહીને ડૉક્ટર દીપક વાનખેડે સાંડુ લહાનેના ઘરમાંથી જેમતેમ નીકળ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસનું કહેવું છે કે અમે સાંડુ લહાને, તેની પત્ની શકુંતલા, પુત્ર સ્વપ્નિલ ઉપરાંત તેની પુત્રી અને જમાઈ સામે ડૉક્ટરને લૂંટવાનો મામલો નોંધીને તપાસ હાથ ધરી છે. તમામ આરોપીઓ પલાયન થઈ ગયા હોવાથી તેમને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ayurveda mumbai crime news crime news Chhatrapati Sambhaji Nagar maharahstra maharashtra news news mumbai police mumbai mumbai news blackmail