આયુર્વેદના પ્રસારને ફરી માન્યતા મળી રહી છે : મોહન ભાગવત

13 November, 2022 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદ ‘આયુર્વેદ પર્વ’માં બોલતાં મોહન ભાગવતે આ વાત કહી હતી

ફાઇલ તસવીર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વિદેશી આક્રમણકારોને કારણે અગાઉ આયુર્વેદનો પ્રચાર અટકી ગયો હતો, પરંતુ હવે આ પ્રાચીન ચિકિત્સાપદ્ધતિને ફરી માન્યતા મળી રહી છે. જોકે આયુર્વેદને વૈશ્વિક માન્યતા મળે એ માટે પગલાં લેવાની આવશ્યકતા છે.’  

આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદ ‘આયુર્વેદ પર્વ’માં બોલતાં મોહન ભાગવતે આ વાત કહી હતી. આ પરિષદમાં કેન્દ્રીય આયુષપ્રધાન સરબનંદ સોનોવાલ અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત હતા. આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી મળીને આયુષ થાય છે.

આયુર્વેદને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ? એવા પોતે  રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે દરેકને સસ્તી અને સરળ તબીબી સારવાર મળવી જોઈએ અને આ માટે આયુર્વેદથી સારો કોઈ વિકલ્પ નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આયુર્વેદની એના શુદ્ધ સ્વરૂપમાં પ્રૅક્ટિસ થવી જોઈએ, જેથી એને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી શકે.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષપ્રધાન સરબનંદ સોનોવાલે કહ્યું હતું કે છેલ્લાં સાત વર્ષથી આયુર્વેદને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી રહી છે. આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયુષ મંત્રાલય બનાવવા માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સારવારની આ પદ્ધતિની અગાઉ અવગણના કરવામાં આવી હતી. 

mumbai mumbai news narendra modi bharatiya janata party