બોરીવલી સ્ટેશને કૂલીએ કરી દીધા પ્રવાસીના શ્વાસ અધ્ધર

28 July, 2021 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ભૂલથી બીજા કોઈ પ્રવાસીની સોનાના દાગીના સાથેની બૅગ પોતાના સામાન સાથે ઊંચકીને જે મુસાફરની કારમાં મૂકી તે ખાર પહોંચી જતાં પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં કર્યો કેસ સૉલ્વ

નેહા જૈન અને જાગરણ જૈનની બૅગ બોરીવલી સ્ટેશન પર ભૂલથી એક્સચેન્જ થઈ ગઈ હતી એ આરપીએફે તપાસ કરીને તેમને પાછી સોંપી હતી.

બોરીવલી સ્ટેશન પર રવિવારે સવારે એક અજીબ કિસ્સો બન્યો હતો. કૂલીએ એક પૅસેન્જરનો સામાન ઉપાડતી વખતે ભૂલથી બીજા પૅસેન્જરની બેગ ઉપાડી લીધી હતી. જોકે એ પછી જેમની બૅગ એક્સચેન્જ થઈ ગઈ હતી તે મહિલા પૅસેન્જરે આરપીએફમાં આ બાબતે જાણ કરી હતી. તરત જ તપાસનાં ચક્રો ચાલુ કરાયાં અને કસ્તુરબા પોલીસની પણ મદદ લેવાઈ. આખરે એ બૅગ કયા પૅસેન્જરની  હતી એ શોધી કાઢી મૂળ પૅસેન્જરને પાછી સોંપાઈ હતી. મહિલા પૅસેન્જરની એ બૅગમાં ૩.૭૫ લાખ રૂપિયાના સોનાના દાગીના, ૪૦૦૦ રૂપિયાની ઘડિયાળ અને ૫૦૦૦ રૂપિયા કૅશ હતાં. બૅગ પાછી મળતાં મહિલા પૅસેન્જરે આરપીએફ અને મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. 
મૂળ ચેન્નઈની ૨૦ વર્ષની નેહા જૈન તેની દાદી સાથે બીકાનેર–દાદર સ્પેશ્યલ ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી. તે રવિવારે સવારે બોરીવલી સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૭ પર તેની દાદી સાથે ઊતરી હતી. એ વખતે ઘણા પૅસેન્જરો ઊતર્યા હતા. એમાં જાગરણ જૈનનો પણ સમાવેશ હતો. જાગરણ જૈન અને નેહા જૈન બન્નેનો સામાન બાજુ-બાજુમાં હતો. સિનિયર સિટિઝન જાગરણ જૈને તેમનો સામાન ઉપાડવા કૂલી કર્યો હતો. ઉતાવળમા કૂલીએ તેમનો સામાન તો ઊંચક્યો જ હતો, પણ ભૂલમાં તેમની એક બૅગ ન લેતાં બાજુમાં જ પડેલી નેહા જૈનની બૅગ ઉપાડી લીધી હતી. જોકે એ વખતે નેહાને એની જાણ થઈ નહોતી. ત્યાર બાદ થોડી વારે નેહાને જાણ થઈ કે તેની પાસેની બૅગ બીજા કોઈની છે અને તેની બૅગ કોઈ લઈ ગયું છે, એક્સચેન્જ થઈ ગઈ છે. એથી તે ચિંતામાં મુકાઈ ગઈ હતી, કારણ કે તેની બૅગમાં સોનાની બંગડીઓ, નેકલેસ, કૅશ બધું હતું. 
નેહાએ ત્યાર બાદ તરત જ આરપીએફનો સંપર્ક સાધ્યો હતો અને ઘટનાની જાણ કરી હતી. આરપીએફે સ્ટેશન પર લગાડેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં તે કૂલી એ સામાન બોરીવલી (ઈસ્ટ)માં એક કારમાં મૂકતો જણાઈ આવ્યો હતો. એ ફૂટેજમાં કારના માત્ર ચાર જ આંકડા દેખાઈ રહ્યા હતા. આગળના આંકડા દેખાતા નહોતા. બોરીવલી (ઈસ્ટ)માં સ્ટેશન પાસે આવવા માટે એક જ કસ્તુરબા રોડ (મેઇન)નો વન વે છે. એથી કાર એ જ રસ્તા પરથી આવી હોવી જોઈએ એમ વિચારી ત્યાં કૉર્નર પર જ કસ્તુરબા પોલીસ સ્ટેશન છે એની મદદ લેવામાં આવી. અન્ય સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં કારનો નંબર ક્લિયર થઈ ગયો હતો અને ત્યાર બાદ એના માલિકની ડિટેલ આરટીઓમાંથી કઢાવી ખારમાં રહેતાં જાગરણ જૈનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસનો ફોન તેમને ગયો ત્યારે જાગરણ જૈનને જાણ થઈ કે તેમની પાસે અન્ય પૅસેન્જરની બૅગ આવી ગઈ છે. તેમણે તો ઘરે જઈ બધો સામાન એમ ને એમ મૂકી દીધો હતો. આરપીએફનો ફોન ગયા બાદ તેઓ બૅગ લઈને પાછાં બોરીવલી આરપીએફ પોલીસ સ્ટેશન આવ્યાં હતાં અને એ બૅગ આપી હતી. નેહા જૈને બૅગ ચેક કરતાં એ ઇન્ટેક્ટ હતી એવું જણાઈ આવ્યું હતું. જાગરણ જૈનને તેમની બૅગ સોંપાઈ હતી. આમ કૂલીની ઉતાવળે બધાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. નેહા જૈને આરપીએફ, સિટી પોલીસ અને  જાગરણ જૈનનો આભાર માન્યો હતો.  

Mumbai mumbai news borivali