22 July, 2026 12:57 PM IST | Mumbai | Varsha Chitaliya
૭૨ ફુટ ઊંચા શ્રીખંડ મહાદેવનાં દર્શન કરતાં દક્ષા પોકાર, બરફાચ્છાદિત પહાડ પર દોરડાની સહાયથી ઉપર ચડતી વખતે અને શ્રીખંડ મહાદેવની યાત્રાના રૂટમાં પ્રકૃતિનો આનંદ માણતાં દક્ષાબહેન.
આવું કહેવું છે ૧૮,૫૭૦ ફુટની ઊંચાઈએ આવેલા ૭૨ ફુટ ઊંચા શ્રીખંડ મહાદેવનાં દર્શન કરી આવેલાં થાણેનાં શિવભક્ત ગૃહિણીનું. પ્રોફેશનલ ટ્રેઇનિંગ વગર પોતાની શ્રદ્ધાના બળથી માત્ર ૩ મહિના બૅકપૅકમાં ૬ લીટર પાણી ભરીને ૧૨ કિલોમીટર ચાલવાની તેમ જ એ જ બૅકપૅક સાથે ૧૭ માળના દાદર ચડવાની પ્રૅક્ટિસ કરીને ૫૧ વર્ષનાં દક્ષા પોકાર હિમાલયની સૌથી દુર્ગમ અને જોખમી ધાર્મિક યાત્રા કરી આવ્યાં
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં સમુદ્રની સપાટીથી ૧૮,૫૭૦ ફુટની ઊંચાઈ પર આવેલા શ્રીખંડ મહાદેવની યાત્રા કૈલાસ માનસરોવર અને અમરનાથ કરતાં પણ અઘરી માનવામાં આવે છે. હિમાલયની સૌથી દુર્ગમ અને જોખમી ધાર્મિક યાત્રાઓમાં એની ગણના થાય છે. ત્યાં જવા ટ્રેકર્સ પણ મહિનાઓ અગાઉથી પ્લાનિંગ કરે છે. આવી કઠિન યાત્રા એક સીધીસાદી ગૃહિણી કરી શકે એ વાત ચમત્કારથી કમ નથી. કોઈ પણ પ્રોફેશનલ ટ્રેઇનિંગ વિના પોતાની રીતે ૩ મહિના પ્રૅક્ટિસ કરીને થાણેનાં ૫૧ વર્ષનાં દક્ષા પોકાર ૭૨ ફુટ ઊંચા શ્રીખંડ મહાદેવનાં દર્શન કરી આવ્યાં.
મહાદેવને મળવાની હઠ
ગયા વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગઈ ત્યારે ચમત્કારિક અનુભવ થયો હતો એમ જણાવતાં દક્ષાબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘ઘરેથી નીકળી ત્યારથી મનોમન વિચારતી હતી કે માનસરોવરમાં હંસની જોડી દેખાશે, હંસલા મોતી ચણતાં હશે, મહાદેવના સાંનિધ્યમાં શાંતિનો અનુભવ થશે. જોકે પરિક્રમા દરમ્યાન સ્નોફૉલ થવાથી યાત્રા અટકી ગઈ અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરવા પડ્યા. આંખમાં આંસુ સાથે મહાદેવજીને ફરિયાદ કરી કે હું તારી પરમ ભક્ત છું, મળવા કેમ ન બોલાવી? માનસરોવરના જળ અને ત્યાંની માટીને માથે અડાડીને હાથમાં જોયું તો મોતી હતું જે અમારા ઘરના મંદિરમાં રાખ્યું છે. એ વખતે નક્કી કર્યું કે મહાદેવજીના આખા પરિવારને મળીને જ જંપીશ. શ્રીખંડ કૈલાસ પર ભગવાન શિવનો આખો પરિવાર બિરાજમાન હોવાની માન્યતા છે. અહીં આશરે ૭૨ ફુટ ઊંચું શિવલિંગ છે. મુખ્ય શિવલિંગથી લગભગ ૫૦ મીટર પહેલાં માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ પણ છે. યાત્રાએ કઈ રીતે જવાય એની તપાસ કરી. ઇન્ટરનેટ પર વિડિયો જોયા. હિમાચલમાં શ્રીખંડ મહાદેવની યાત્રાના બેઝ-કૅમ્પ જાંવમાં આવેલું ઍલ્ટિટ્યુડ ક્લાઇમ્બર નામનું ઑર્ગેનાઇઝેશન સાહસિક અને કઠિન યાત્રાઓનું આયોજન કરે છે. તેમની પાસે સ્થાનિક ટીમ છે જે યાત્રાળુઓને રેસ્ક્યુ કરવામાં પણ મદદ કરે છે. ૭ જૂને મુંબઈથી ફ્લાઇટમાં ચંડીગઢ અને ત્યાંથી શિમલા, નિર્મંડ, રામપુર, બુશહર થઈને ૧૨ કલાકે બેઝ-કૅમ્પ જાંવ પહોંચી. અહીંથી સાહસિક અને ચમત્કારિક યાત્રાનો પ્રારંભ થયો.’
સાહસનો પ્રારંભ
જાંવ બેઝ-કૅમ્પ પહોંચતાં રાત પડી ગઈ. બીજા દિવસે દક્ષાબહેન નારુ કાકુભાનાં મંદિરો, ઝરણાંઓ, સફરજનના બગીચાઓમાં લટાર મારી આવ્યાં જેથી અહીંના વાતાવરણમાં શરીર સેટ થઈ જાય. તેમના ગ્રુપમાં ૪૦ ભાવિકો હતા. આખા ગ્રુપમાં તેઓ સૌથી મોટી વયનાં હતાં. સાંજના યાત્રીઓની ઓળખાણવિધિ બાદ ગ્રુપ-લીડર અને રેસ્ક્યુ-ઇન્સ્ટ્રક્ટર બાલકૃષ્ણ ઠાકુરે ૧૮,૫૫૮ ફુટ હાઈ ઍલ્ટિટ્યુડ પર કેવા શારીરિક અને માનસિક પડકારો હશે એ સમજાવ્યું. સવારે ૬.૩૦ વાગ્યે જાંવથી હરહર મદાહેવના નાદ સાથે યાત્રા શરૂ થઈ.
દક્ષાબહેન કહે છે, ‘શ્રીખંડ મહાદેવની યાત્રા ૩૫ કિલોમીટરની છે જેમાં બે રાત બેઝ-કૅમ્પમાં વિતાવવી પડે. મહાદેવને મળવાની ઉત્કંઠા અને નાની-નાની કેડીઓ પર ચાલવાનો આનંદ અનેરો હતો. જાંવથી એક કિલોમીટર ચાલીને નદી ક્રૉસ કર્યા પછી યાત્રાનો માર્ગ શરૂ થાય. પહેલા દિવસે જ શારીરિક ફિટનેસ પણ મપાઈ ગઈ. એકદમ ખડી ચડાઈ એટલે કે દાંડીધાર ચડાઈ ચાલુ થઈ ગઈ. રસ્તામાં બરાટીનાલા ઝરણું આવે છે. ૨૦૨૪માં રસ્તો તૂટી ગયો હતો જે હજી પણ રિપેર થયો નથી. રસ્સી વડે ડુંગર ઊતરીને ઝરણું ક્રૉસ કરીને સામેના ડુંગર પર રસ્સી પકડીને ચડ્યા. દેવદારનાં જંગલોનું સૌંદર્ય નિહાળતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં અચાનક મેઘગર્જના અને પવન સાથે ટપોટપ કરા પડવાના ચાલુ થઈ ગયા. કીચડને કારણે ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ૧૨ કલાકમાં ૧૬ કિલોમીટર ચાલીને થાચડુ બેઝ-કૅમ્પ પહોંચ્યા. જેમ-જેમ ઉપર ચડતા જઈએ એમ આપણી જરૂરિયાતો અને સ્વાદ ઓછાં થતાં જાય. પહેલી કસોટીમાં સમજાઈ ગયું કે શરીર ખંડ-ખંડ નહીં થાય ત્યાં સુધી મહાદેવજીનાં દર્શન દુર્લભ છે. થાચડુથી વહેલી સવારે ભીમદ્વારી માટે પ્રયાણ કર્યું. ૪૦ ડિગ્રી સ્ટીપ ચડાઈ કરીને અમે કાલીટોપ પહોંચ્યા. કહેવાય છે કે કાલીમાતાનાં દર્શન કરીને તેમની અનુમતિ લીધા પછી જ યાત્રા આગળ વધે. અહીંથી મહાદેવની નગરીનાં દર્શન થાય છે. સૂરજનાં કિરણોથી બરફાચ્છાદિત પર્વતો સોને મઢેલા હોય એવો નઝારો છે. વાદળાંની ઉપર ઊભા રહેવાનો આનંદ શબ્દોમાં વ્યક્ત ન થાય. કાલીમાતાથી ભીમદ્વારી તરફ જવાય છે જ્યાં અમારો બીજો પડાવ હતો. એક ડુંગરો ઊતરો ને બીજો ચડો. કેટલાંય ઝરણાંઓ પાર કરીને ભીમદ્વારી પહોંચ્યા.’
શ્રીખંડ મહાદેવનાં દર્શન
અંતિમ ચડાઈ જીવસટોસટની હતી. ભલભલા હિંમત હારી જાય. એ પળને યાદ કરતાં દક્ષાબહેન કહે છે, ‘અહીંથી મગજનો ખેલ શરૂ થયો. મહાદેવ સુધી પહોંચવાના રસ્તા આસાન ન હોય. બે દિવસની ચડાઈમાં અતિશય થાકી ગઈ હતી. થાચડુથી રાત્રે બે વાગ્યે ટૉર્ચની મદદથી માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં પાર્વતીબાગ પહોંચવાનું હતું. ૬ કિલોમીટરનો રસ્તો માત્ર ગ્લેશિયર હતો. હાઈ ઍલ્ટિટ્યુડને કારણે મારું ઑક્સિજન-લેવલ ૬૫ થઈ ગયું હતું. જીભનો સ્વાદ ચાલ્યો ગયો હતો. ઘરની સુખડી પણ ધૂળ જેવી લાગતી હતી. ખિસ્સામાં ડ્રાયફ્રૂટ્સ અને ચૉકલેટ હોવા છતાં ખાવાનું મન નહોતું થતું. શરીરને હાઇડ્રેટ રાખવા થોડી-થોડી વારે ઘૂંટડો પાણી પીવું અને ખાવું જરૂરી હતું. મારી પાસે પાણી ખલાસ થઈ ગયું. શેરપાએ પહેલેથી કહી રાખ્યું હતું કે પાણી વગર આગળ નહીં જવા દે. હિંમત તૂટી ગઈ અને પગ થંભી ગયા. રસ્સી પકડીને ૧૦ ડગલાં ચાલુ ત્યાં થાકી જાઉં. આંખો બંધ કરીને હનુમાનચાલીસા શરૂ કરી. શરીરમાં અદૃશ્ય શક્તિનો સંચાર થયો. અન્ય ભાવિક પાસેથી અડધો લીટર પાણીની વ્યવસ્થા થઈ ગઈ. ગ્લેશિયર પાર કરીને પાર્વતીબાગ પહોંચી. આ બાગમાંથી ફૂલો તોડીને શ્રીખંડ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. આગળ જતાં નયન સરોવર આવે છે. પૌરાણિક કથાનુસાર મહાદેવના વિરહમાં માતા પાર્વતીનાં નયનોનાં અશ્રુબિંદુ પડ્યાં હતાં ત્યાં સરોવરની રચના થઈ છે. કઠિન યાત્રા પૂરી કરવાનું બળ આપનાર પરમ તત્ત્વનાં દર્શન થતાં જ આંસુઓની ધારાઓ વહેવા માંડી. નિ:શબ્દ થઈ ગઈ. ભોળાની નગરીમાં ઠાઠમાઠ છે. વાદળાં વાંસળી વગાડતાં હોય અને પવન સૂર રેલાવતા હોય એવી અનુભૂતિ સાથે અદ્ભુત દર્શન થયાં.’
શ્રદ્ધાના બળે થઈ યાત્રા
મૂળ કચ્છના દરસડી ગામના કચ્છી કડવા પટેલ સમાજનાં દક્ષાબહેન ગૃહિણી છે. યાત્રા સિવાય તેમણે કોઈ ટ્રેક્સ કર્યા નથી. આવું સાહસ ખેડવા કેવી તૈયારી કરી હતી એવા પ્રશ્નનો હસતાં-હસતાં જવાબ આપતાં તેઓ કહે છે, ‘હું નથી ટ્રેકર કે નથી કોઈ પ્રોફેશનલ તાલીમ લીધી. ઘરનાં કામકાજ કરવાં એ જ મારો વ્યાયામ છે. હું એક સાધારણ ગૃહિણી છું જેના મનમાં શિવ વસે છે. માનસરોવરની યાત્રા અધૂરી રહી ગઈ ત્યારે મહાદેવની સાચી ભક્ત તરીકે તેમને મળવાની હઠ પકડી હતી. શ્રદ્ધાના બળે જાતે તૈયારી કરી હતી. ૩ મહિના પહેલાંથી પ્રૅક્ટિસ શરૂ કરી. મારું ઘર સત્તરમા માળે છે અને બીજા માળે રૅમ્પ (પાર્કિંગ એરિયા) છે. સવારે પાંચ વાગ્યે બૅકપૅકમાં ૬ લીટર પાણી ભરીને દરરોજ ૧૨ કિલોમીટર રૅમ્પ પર ચડ-ઊતર કરતી અને ત્યાર બાદ સીધી સત્તરમા માળે ચડી જતી. પહેલા મહિને રૅમ્પ પર એક કિલોમીટર ચાલવામાં ૧૧ મિનિટ અને સત્તરમા માળ સુધી ચડતાં ૭ મિનિટ લાગતી. ધીમે-ધીમે સ્પીડ વધારતી ગઈ. છેલ્લા મહિનામાં ૮ મિનિટમાં રૅમ્પ પર એક કિલોમીટર ચાલવાનો અને પાંચ મિનિટ ૩ સેકન્ડમાં સત્તરમા માળ સુધીનો ટાર્ગેટ અચીવ થઈ ગયો. પ્રૅક્ટિસ દરમ્યાન મારી આસપાસ નેગેટિવ ઑરા બનવા નહોતી દીધી એ સૌથી મોટી જીત હતી.’
દક્ષાબહેનના હસબન્ડ કેતનભાઈનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. પરિવારમાં સાસુ, દીકરો-વહુ અને દીકરી-જમાઈ છે. યાત્રાએ જવાનાં હતાં ત્યારે પરિવારને ચિંતા થતી હતી કે જે ગૃહિણી ડબ્બાનું ઢાંકણું ખોલવા માટે મદદ માગે છે તે આવી સાહસિક યાત્રા કઈ રીતે કરશે? જોકે દક્ષાબહેનની શ્રદ્ધા અને હાર્ડ વર્ક જોઈને તેમણે હા પાડી. શ્રીખંડ મહાદેવની યાત્રા કરીને ૧૬ જૂને પાછાં મુંબઈ આવેલાં દક્ષાબહેનના પગની આંગળીઓમાં ફ્રોસ્ટબાઇટ થઈ ગયું છે, નખનો રંગ બદલાઈ ગયો છે, રસ્સીની પકડ અને ઠંડીને લીધે હાથ-પગ સૂન થઈ ગયા હોવા છતાં તેમનું મનોબળ અતૂટ છે. હવે તેમને હિમાચલ પ્રદેશમાં કિન્નૌર કૈલાસની યાત્રાએ જવું છે.