નવી મુંબઈના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરની પોલીસ-સ્ટેશનમાં જ આત્મહત્યા

15 February, 2021 11:54 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરની પોલીસ-સ્ટેશનમાં જ આત્મહત્યા

ભૂષણ પવારે

એપીએમસી પોલીસ-સ્ટેશનમાં કાર્યરત અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ પવારે ગઈ કાલે સવારે તેમની સર્વિસ રિવૉલ્વરથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. ભૂષણ પવારે પોતાને પોલીસ-સ્ટેશનના રેસ્ટરૂમમાં જ છાતીમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. ભૂષણ પવારને તાત્કાલિક એમજીએમ હૉસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. કૌટુંબિક કારણસર તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૧થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે નવી મુંબઈના એપીએમસી પોલીસ-સ્ટેશનમાં કાર્યરત ભૂષણ પવારે સરકારી બંદૂકથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પવાર એપીએમસી પોલીસ-સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત હતા.’

ડીસીપી શિવરાજ પાટીલે કહ્યું હતું કે ‘તેમને છાતીમાં દુખાવો થતો હોવાથી તે થોડા વખતથી સીક લીવ પર હતા. ગઈ કાલે જ તે પાછા ફર્યા હતા. તેમણે રેસ્ટરૂમમાં જઈને તેમની પુણેમાં રહેતી પત્ની સાથે પહેલાં ફોન પર વાત કરી હતી અને ત્યાર બાદ છાતીમાં ગોળી મારીને જીવનનો અંત આણ્યો હતો. ગોળીનો અવાજ સાંભળીને તરત જ પોલીસ-કર્મચારીઓ રેસ્ટરૂમ તરફ દોડ્યા હતા અને ભૂષણ પવારને લોહીલુહાણ હાલતમાં એમજીએમ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.  તેમની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. પ્રાથમિક માહિતી મુજબ કૌટુંબિક કારણસર તેમણે અંતિમ પગલું ભર્યું હોવું જોઈએ. અમે તેમના પરિવારના સભ્યોનાં સ્ટેટમેન્ટ નોંધીશું અને તેમણે આ પગલું ચોક્કસ ક્યા કારણસર લીધું એ જાણવાનો પ્રયાસ કરીશું.’

mumbai mumbai news navi mumbai