મેં છેલ્લા પાંચ દાયકામાં કોઈ પણ હયાત બાબાની મુલાકાત લીધી નથી

31 March, 2026 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમાતા બ્રિગેડનાં તૃપ્તિ દેસાઈએ લગાવેલા આરોપો સામે નીલમ ગોર્હેએ કર્યો ખુલાસો

નીલમ ગોર્હે

એક મહિલા વિધાનસભ્ય પ્રધાનપદ મેળવવા માટે અશોક ખરાતના કાર્યાલયમાં જઈ રહ્યાં હતાં એવો આક્ષેપ ભૂમાતા બ્રિગેડનાં તૃપ્તિ દેસાઈએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નીલમ ગોર્હે છેલ્લાં પાંચ-છ વર્ષથી અશોક ખરાત પાસે જઈ રહ્યાં છે. આ અંગે નીલમ ગોર્હેએ પોતાનો બચાવ કર્યો છે. નીલમ ગોર્હેએ ઉદ્ધવ ઠાકરે પર આંગળી ચીંધતાં કહ્યું કે આ આરોપો એટલા માટે લગાડવામાં આવી રહ્યા છે કારણ કે મેં સત્રના છેલ્લા ભાષણમાં જેમની (ઉદ્ધવ ઠાકરેની) ટીકા કરી હતી તેમને દુઃખ થયું હશે.

તૃપ્તિ દેસાઈ દ્વારા લગાડવામાં આવેલા આરોપો બાબતે નીલમ ગોર્હેએ સ્પષ્ટતાં આપતાં કહ્યું છે કે ‘મેં છેલ્લા પાંચ દાયકામાં કોઈ પણ હયાત બાબાની મુલાકાત લીધી નથી. મેં મહિલાઓની પ્રગતિ અને સામાજિક ન્યાય પર કામ કર્યું છે. તેથી હું સ્પષ્ટપણે એ સમાચારને નકારી કાઢું છું કે હું નાશિકની એક હોટેલમાં ખરાત નામની વ્યક્તિને મળી હતી.’

નીલમ ગોર્હેએ વધુમાં કહ્યું હતું કે ‘સત્ર દરમ્યાન મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનોએ મારાં વખાણ કર્યાં ત્યારે કેટલાક લોકોને એ ગમ્યું નહીં, તેથી જ હવે મારા પર આરોપ લગાડવામાં આવી રહ્યા છે. બધે CCTV કૅમેરા છે, લોકો ઘણી જગ્યાએ મારી સાથે ફોટો પડાવે છે. જો એ સમયે ભીડમાં કોઈ મને મળ્યું હોય તો મને એના વિશે ખબર નથી.’ 

nashik ashok kharat case maharashtra government maharashtra news maharashtra Crime News political news