પ્રશાંત કિશોરે સંન્યાસ લઈ લીધો હોવાથી પવારસાહેબ સાથેની તેમની બેઠક રાજકીય નહોતી: અજિત પવાર

12 June, 2021 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને વચ્ચે લાંબી કહી શકાય એવી ત્રણ કલાક વાતચીત થવાથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે

શરદ પવાર, પ્રશાંત કિશોર

તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બીજેપીના રથને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના પ્રણેતા તેમ જ એનસીપીના સુપ્રીમો શરદ પવાર વચ્ચે તેમના નિવાસસ્થાને મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે લાંબી કહી શકાય એવી ત્રણ કલાક વાતચીત થવાથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. જોકે બન્ને વચ્ચે શું વાત થઈ એ વિશે જાણવા નહોતું મળ્યું.

મુંબઈના સિલ્વર ઓક ખાતેના નિવાસસ્થાને શરદ પવારે પ્રશાંત કિશોરને લંચ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાંત કિશોર શરદ પવારના ઘરે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા અને બપોરે ૨ વાગ્યે બન્ને વચ્ચેની મુલાકાત પૂરી થઈ હતી. એનસીપીનાં સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવારે પ્રશાંત કિશોરને લંચ કરવા માટે આમંત્રિત કર્યા હતા.

તાજેતરમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં ડીએમકે અને ટીએમસી માટે ચૂંટણીની રણનીતિ પ્રશાંત કિશોરે બનાવી હતી. આ બન્ને રાજ્યોમાં વિજય મેળવ્યા બાદ ગઈ કાલે શરદ પવાર અને પ્રશાંત કિશોર પહેલી વખત મળ્યા હતા. પ્રશાંત કિશોરે આ બન્ને વિધાનસભાની ચૂંટણીઓ બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

પ્રશાંત કિશોરે જો ખરેખર સંન્યાસ લીધો હોય તો શરદ પવાર તેમને શા માટે બોલાવે અને ત્રણ કલાક સુધી વાતચીત કરે એવો સવાલ બધાના મનમાં ફરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું હતું કે આ બેઠક રાજકીય નહોતી, કારણ કે પ્રશાંત કિશોરે આ ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ લીધો છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે આ મુલાકાત વિશે કહ્યું હતું કે પ્રશાંત કિશોરને અનેક નેતાઓ મળતા હોય છે, જ્યારે એનસીપીના છગન ભુજબળે કહ્યું હતું કે ‘મીટિંગના એજન્ડા વિશે તેમને ખ્યાલ નથી. પ્રશાંત કિશોર સફળ રાજકીય વ્યૂહરચનાકાર છે એટલે શક્ય છે કે શરદ પવારે તેમની પાસેથી સૂચનો મેળવવા મુલાકાત ગોઠવી હોય.’

ઉલ્લેખનીય છે કે બીજેપી પશ્ચિમ બંગાળમાં ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનો દાવો કરી રહી હતી ત્યારે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે બીજેપી ૧૦૦નો આંકડો પણ નહીં મેળવે અને જો બીજેપીને ૧૦૦થી વધુ બેઠક મળશે તો પોતે સંન્યાસ લઈ લેશે. પશ્ચિમ બંગાળમાં બીજેપીએ ૨૦૦ કે ૧૦૦ નહીં પણ માત્ર ૭૭ બેઠક મેળવી હતી. આમ છતાં પ્રશાંત કિશોરે ચૂંટણીનાં પરિણામો બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

mumbai mumbai news sharad pawar indian politics