03 February, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલખાંબ કરી રહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિજેતા ટીમ સાથે પોલીસ-અધિકારીઓ સહિત મહેમાનો.
છેલ્લા કેટલાક સમયથી યુવાઓ નશીલા પદાર્થના અને મોબાઇલના રવાડે ચડ્યા હોવાનું જણાઈ આવે છે. આ વ્યસનને લીધે યુવા પેઢી માનસિક અને શારીરિક રીતે નબળી બની રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિરાર-વેસ્ટમાં આવેલી અર્નાળા પોલીસે ૨૯ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ત્રણ દિવસના ‘જ્યાચે વ્યસનમુક્ત તન-મન, ત્યાસ મીળે આરોગ્યાચે ધન’ અને ‘કશાલા હવી મોબાઇલચી સાથ! ધરુ આપણ મૈદાનાચી વાટ’ સ્લોગન સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું જેમાં ૪૫ સ્કૂલના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમયે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માના કોચ વિજય પાટીલ ખાસ હાજર રહ્યા હતા. અર્નાળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રવીણ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ દિવસના સ્પોર્ટ્સ ડેના આયોજનમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ લેઝીમ અને મલખાંબ પર હાથ અજમાવ્યો હતો. નશીલા પદાર્થ અને મોબાઇલના વ્યસનમાંથી બહાર નીકળીને માનસિક અને શારીરિક રીતે યુવાનો સક્ષમ બને એ માટેનો અમારો આ પ્રયાસ હતો.’