✕

૧૩,૮૫૬ કરોડ રૂ‌પિયાની મેટ્રો 12Aને મંજૂરી મળી

28 October, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર કૅબિનેટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિએ મંગળવારે ૧૮.૪૦ કિલોમીટર લાંબી મેટ્રો 12Aને મંજૂરી આપી છે.

ગઈ કાલે મળેલી કૅ‌બિનેટની મી‌ટિંગ.

મહારાષ્ટ્ર કૅબિનેટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિએ મંગળવારે ૧૮.૪૦ કિલોમીટર લાંબી મેટ્રો 12Aને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી થાણે જિલ્લાના કલ્યાણ-ડોમ્બિવલી અને નવી મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે. મંત્રાલય ખાતે યોજાયેલી સમિતિની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ સમિતિના વડા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટને સાડાત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અંદાજે ૧૩,૮૫૬.૩૭ કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ એલિવેટેડ કૉરિડોર કલ્યાણ ફાટા થઈને માનપાડા-કટાઈ નાકાને તળોજા સાથે જોડશે. એમાં ૧૨ એલિવેટેડ સ્ટેશનો અને એક ફ્લાયઓવરનો સમાવેશ થશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના કમિશનર સંજય મુખરજીએ જણાવ્યું હતું કે ‘એક વાર આ કૉરિડોર તૈયાર થઈ જાય પછી રોડ માર્ગે થતી મુસાફરીની સરખામણીમાં મુસાફરીના સમયમાં ૪૦થી ૫૦ ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે.

અન્ય કયા પ્રોજેક્ટ સાથે કનેક્ટ થશે?
આ પ્રોજેક્ટમાં ૬.૯૩ કિલોમીટર લાંબો ૪ લેનનો ફ્લાયઓવર અને ૮.૬૯ કિમી લાંબો ૬ લેનનો ફ્લાયઓવર સામેલ હશે. 
દરરોજ ૪.૭૪ લાખ મુસાફરો આ સેવાનો લાભ લેશે એવો અંદાજ છે. 
 કટાઈ નાકા ખાતે મેટ્રો 12 અને બુલેટ ટ્રેન કનેક્ટર સાથે, કટાઈ નાકા અને કલ્યાણ ફાટા વચ્ચે મેટ્રો 14 સાથે અને અમનદૂત ખાતે નવી મુંબઈ મેટ્રો 1 સાથે ઇન્ટરચેન્જ સુવિધાઓ આપવામાં આવશે. 

mumbai news mumbai mumbai metro kalyan dombivli navi mumbai devendra fadnavis maharashtra government