સોમવારથી એપીએમસી માર્કેટ ખૂલવાની શક્યતા

16 May, 2020 09:02 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

સોમવારથી એપીએમસી માર્કેટ ખૂલવાની શક્યતા

ફાઇલ ફોટો

નવી મુંબઈની એપીએસી માર્કેટ સોમવારથી ફરી એક વાર ખૂલે અને ધંધા ચાલુ થયા એ માટે વેપારીઓ આશાવાદી છે. એક આખું અઠવાડિયું માર્કેટ બંધ રાખી ગલી, ગાળા સહિત બધું જ સૅનિટાઇઝ કરાવાયું છે. આજે વેપારીઓ અને એપીએમસીના પદાધિકારીઓની રિવ્યુ મીટિંગનું આયોજન કરાયું જેમાં સોમવારથી માર્કેટ ખોલવા બાબતનો નિર્ણય લેવાશે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ એપીએમસીને સાવચેતીનાં જરૂરી પગલાં લઈ ધંધો કરવાની છૂટ આપી છે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પણ ખેડૂતો અને કૃષ‌િ પદેશોને માટે અનેક સવલતો અને સુવિધા અપાવાની સાથે ઘણા નિયમો હળવા કરાયા છે ત્યારે વહેલી તકે આર્થિક ગાડી પાટે ચડે એવી ધારણા એપીએમસીના વેપારીઓ રાખી રહ્યા છે.
એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારથી માર્કેટો ખૂલે એ માટે અમે આશાવાદી છીએ. માર્કેટની ગલીઓ અને ગાળાઓનું સૅનિટાઇઝેશન કરાવી લીધું છે. મૂળ મુદ્દો ક્રાઉડ કન્ટ્રોલનો છે. જે રીતે અન્યત્ર નિયમો પળાય છે એમ અહીં પણ કાળજી લેવાય એ માટે અમે પૂરતા પ્રયાસો કરીશું. જેમ કે દરેક માટે માસ્ક ફરજિયાત, ગલીની બહાર જ સૅનિટાઇઝર રાખી દરેકે હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું એ બધું જરૂરી છે એનું પાલન થાય એ માટે અમે વધુ સાવચેત રહીશું.’
આજે એપીએમસીની પદાધિકારીઓ, કોંકણ વિભાગના કોવ‌િડ-૧૯ના સ્પેશ્યલ અધિકારી શિવાજી દોંડ, રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી અનુપકુમાર, એનએમએમસીના કમિશનર અને પોલીસ-કમિશનર સાથે વેપારીઓની આજે રિવ્યુ મીટિંગ રખાઈ છે. સરકારી અધિકારીઓ પણ પૉઝિટિવ છે. તેમનું પણ કહેવું છે કે માર્કેટો ખૂલવી જોઈએ. આપણે સરકારી ગાઇડલાઇન્સ મુજબ સાવચેતીનાં પગલાં લીધાં છે. એમાં જો ખામી હશે તો એ સુધારી લઈશું એ સિવાય પણ જો કોઈ સરકારી મદદની જરૂર હોય તો પૂરતી મદદ કરવાની ખાતરી ખાતરી તેમણે આપી હોવાનું કહેવાય છે. એ ઉપરાંત સરકારી આદેશનો પણ આ મીટિંગમાં ચર્ચા થશે.

માલ લોડિંગ-અનલોડિંગની મુશ્કેલી
કોરોનાના કારણે લાંબા સમયથી એક જ જગ્યાએ અટકી પડેલા અનેક મજૂરો તેમના વતન ચાલ્યા ગયા છે. માથાડી કામગારોનું પણ એવું જ છે. એથી હાલ માર્કેટ શરૂ પણ કરાય તો પણ માલ લોડિંગ-અનલોડિંગ કરવામાં મુશ્કેલી આવવાની શક્યતા નીલેશ વીરાએ વ્યક્ત કરી હતી. આ સમસ્યાનો નિવેડો લાવવા પ્રયાસ કરાશે.

apmc market mumbai mumbai news