શરીરનાં અંગો ભરેલી બીજી સૂટકેસ મળી, હત્યાનો હેતુ સ્પષ્ટ થયો નથી

11 December, 2019 01:30 PM IST  |  Mumbai | Faizan Khan

શરીરનાં અંગો ભરેલી બીજી સૂટકેસ મળી, હત્યાનો હેતુ સ્પષ્ટ થયો નથી

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કાલિનાના મ્યુઝિશ્યન બેનેટ રિબેલોનાં મનાતાં અંગો ભરેલી વધુ એક સૂટકેસ ગઈ કાલે મીઠી નદીમાંથી મળી આવી હતી. પોલીસને મદદ કરતા શાહનવાઝ અન્સારી ઉર્ફે કલ્લુ ઍમ્બ્યુલન્સે બીજી સૂટકેસ મેળવીને તપાસ અધિકારીઓને આપી હતી. શાહનવાઝ બે દાયકાથી પ્રદૂષિત મીઠી નદીમાંથી મૃતદેહ શોધવામાં પોલીસને મદદ કરે છે. રિબેલોના શરીરના ટુકડા ભરેલી વધુ બે બૅગ શોધખોળ ચાલી રહી છે.

ગઈ કાલે સવારે આઠ વાગ્યે મીઠી નદીમાં રિબેલોનાં કપાયેલાં અંગો ભરેલી સૂટકેસની શોધ શરૂ કરવામાં આવી હતી અને સાંજે સાડાપાંચ વાગ્યે અમેરિકન સ્કૂલની પાછળના ભાગમાં જાંબુડી રંગની અમેરિકન ટૂરિસ્ટર બૅગ શાહનવાઝને મળી હતી. એ બૅગમાં રિબેલોનો જમણો હાથ અને ડાબો પગ કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યા હતા. બીજી ડિસેમ્બરે માહિમમાં બીચ પર તણાઈ આવેલી પહેલી બૅગમાં હતાં એ પ્રકારનાં બે કપડાં પણ પોલીસને મળ્યાં છે. બીજી ડિસેમ્બરે મળેલી બૅગમાં કપાયેલાં માનવઅંગો મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. એ બૅગમાં મળેલાં કપડાં પરના ટૅગને આધારે કુર્લાના એક દરજી પાસે પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને એ દરજી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે રિબેલોની ઓળખ મેળવવા ઉપરાંત તેની હત્યા દત્તક લીધેલી દીકરી આરાધ્યા પાટીલે કરી હોવાનું પોલીસે જાણ્યું હતું. આરાધ્યા પાટીલ પોલીસ-કસ્ટડીમાં છે અને તેના સગીર વયના બૉયફ્રેન્ડને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે.

આરાધ્યા પાટીલને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે મૅજિસ્ટ્રેટે તેને ૧૬ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરાધ્યા મૃતદેહના નિકાલ સંબંધી બયાન વારંવાર બદલે છે. રિબેલોના શરીરની કાપકૂપ માટે વપરાયેલા ચાર છરામાંથી એક છરો પોલીસે મેળવ્યો છે અને અન્ય હથિયારની શોધખોળ ચાલી રહી છે. હત્યાનો હેતુ પણ હજી સ્પષ્ટ થયો ન હોવાથી એને માટે પણ પૂછપરછ અને તપાસનો સિલસિલો ચાલે છે. કોર્ટે આરાધ્યાને તેના તરફથી દલીલ કરનાર કોઈ વકીલ છે કે નહીં એવું પૂછ્યું ત્યારે તેણે ના પાડી દીધી હતી. આરાધ્યાના અસલ પરિવારના એક પણ સભ્ય અદાલતમાં હાજર નહોતા.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

શાહનવાઝ અન્સારી કોણ છે?
શાહનવાઝ અન્સારી રંગારાનું કામ કરે છે. અન્સારીએ છેલ્લાં ૧૦ વર્ષમાં પોલીસને જુદા-જુદા કેસની તપાસ માટે મીઠી નદીમાંથી ૭૮ મૃતદેહ કાઢી આપ્યા છે. અન્સારીને તરતાં આવડતું ન હોવા છતાં તે કાંઈ પણ વિચાર્યા વગર મીઠી નદીના ગંદા પાણીમાં ડૂબકી મારીને મૃતદેહ શોધી આપે છે.

mumbai news Crime News