મિલન મસ્ત, અંધેરીથી ત્રસ્ત

10 August, 2022 07:15 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં ગઈ કાલે સવારે પડેલા ભારે વરસાદમાં પણ મિલન સબવે બંધ નહોતો રહ્યો, પણ અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતાં એને બંધ કરવો પડ્યો હતો

પાણી ભરાવાને લીધે અંધેરીનો સબવે બંધ કરી દેવાયો હતો.

મુંબઈ : મહાનગરમાં ગઈ કાલે સવારે પડેલા ભારે વરસાદમાં વેસ્ટર્ન સબર્બ્સના બે મુખ્ય સબવેમાં જુદી-જુદી સ્થિતિ સર્જાઈ હતી. પાણીમાં ગરકાવ થઈ જતા મિલન સબવેમાં પાણી ભરાયાં નહોતાં, જ્યારે અંધેરી સબવેમાં ટ્રાફિક બંધ કરી દેવો પડ્યો હતો. જોકે શહેરમાં ટ્રાફિકની ગતિવિધિ ખાસ પ્રભાવિત થઈ નહોતી.
બન્ને સબવે દરિયાઈ સપાટીથી નીચે છે અને દર વર્ષે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મુંબઈ કૉર્પોરેશને હોલ્ડિંગ પૉન્ડ માટે પમ્પિંગ સ્ટેશન ગોઠવ્યા બાદ મિલન સબવે મેઘરાજાની કસોટીમાં પાર ઊતર્યો છે, પણ અંધેરી સબવેની સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી.
સ્ટૉર્મ વૉટર ડ્રેઇન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ એન્જિનિયર ભગવંત લાટેએ જણાવ્યું હતું કે ‘મિલન સબવેનું હોલ્ડિંગ પૉન્ડ સવારે અડધું ભરાઈ ગયું હતું અને અમે સાથે-સાથે જ પાણી કાઢી રહ્યા હતા. ૩૦ લાખ લિટર પ્રતિ કલાકની ક્ષમતા સાથેના બે પમ્પ વાટે અમે ત્રણ તબક્કામાં ૨.૭૦ કરોડ લિટર પાણી કાઢ્યું હતું. પાણીના સંગ્રહ માટે પહેલી વાર પૉન્ડનો ઉપયોગ થયો છે અને સબવે ભારે વરસાદમાં પણ ખુલ્લો હતો.’ 
બીજી તરફ અંધેરી સબવેનો નિયમિત ઉપયોગ કરનાર સંદીપ કદમે જણાવ્યું હતું કે એક કલાક ભારે વરસાદ પડતાં સબવે જળબંબાકાર થઈ જવો સામાન્ય બાબત થઈ ગઈ છે. 
અંધેરી સબવેની સમસ્યા નિવારવા કૉર્પોરેશને ત્રણ કામ માટે ૧૦૦ કરોડ રૂપિયાનાં ટેન્ડર્સ બહાર પાડ્યાં છે. ટેન્ડર અનુસાર કૉર્પોરેશન એસ. વી. રોડથી વીરા દેસાઈ રોડ સુધીના મોગરા નાળાને ૩૪.૨૨ કરોડ રૂપિયાના ખર્ચે પહોળું કરશે અને જેપી રોડ પર ભરડાવાડી કલવર્ટની દક્ષિણ બાજુએથી ડીએન નગર મેટ્રો સ્ટેશનથી ક્રિસ્ટલ પૉઇન્ટ મૉલ સુધી ૩૩.૩૮ કરોડ રૂપિયાના ખર્ચે મોગરા નાળાને ડાઇવર્ટ કરશે. આ ઉપરાંત વીરા દેસાઈ રોડથી કોર્ટ યાર્ડ જંક્શન, ત્યાંથી આરટીઓ જંક્શનથી સિટી મૉલ સુધી ૩૬.૨૧ કરોડના ખર્ચે નાળાના ડાઇવર્ઝનનું કામ પણ હાથ ધરાશે.
કૉર્પોરેશને ત્રણ કામ માટે ૧૮ મહિનાનો સમય નક્કી કર્યો છે એ જોતાં સમસ્યા હલ થતાં હજી બે વર્ષ લાગશે.
કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આટલું પૂરતું નથી. પ્રસ્તાવિત મોગરા પમ્પિંગ સ્ટેશન ભારે વરસાદમાં પાણીને ખેંચી કાઢવામાં ઉપયોગી નીવડશે. સ્ટેશનનું કન્સ્ટ્રક્શન હજી શરૂ નથી થયું. વળી નાળાનું પૂર્વ બાજુએ ડાઇવર્ઝન હોવું જોઈએ, જેથી અંધેરી સબવેમાં વહેતું પાણી ઓછું થાય.’ 

મિલન સબવેમાં ગઈ કાલે પાણી નહોતાં ભરાયાં.   શાદાબ ખાન


મિલન સબવેમાં કેટલું કામ થયું
બે કરોડ લિટરની ક્ષમતા ધરાવતા હોલ્ડિંગ પૉન્ડનું નિર્માણ
આ પૉન્ડ ગટર છલકાઈ ગઈ હોય એ સમયે ભારે વરસાદની સ્થિતિમાં સબવેમાં ભરાયેલું પાણી સંગ્રહે છે. વરસાદ ધીમો પડે પછી આ પાણીને ગટરમાં છોડી દેવાય છે.

અંધેરી સબવેમાં કેટલું કામ થયું
૬ વૉટર પમ્પ ગોઠવવામાં આવ્યા
ગટરની ક્ષમતા વધારવા ૧૦૦ કરોડનું ટેન્ડર જારી કરાયું છે, પણ આ કામ પૂરું થતાં બીજાં બે વર્ષ નીકળી જશે.

mumbai news andheri mumbai rains