અંધેરીના સિનિયર સિટિઝન્સની કમાલ

19 June, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેર-એ-પંજાબ કૉલોનીની આસપાસ ફુટપાથ પરથી કચરો-કાટમાળ, ફેરિયા અને ગેરકાયદે પાર્ક કરેલાં વાહનો હટાવીને રસ્તો ખુલ્લો કર્યો : બાકીનું કામ ચોમાસા પછી પાર પાડવામાં આવશે

શેર-એ-પંજાબ કૉલોનીની ખુલ્લી અને ચોખ્ખી ફુટપાથો. અહીં આવેલા રસ્તાની બન્ને બાજુ વૃક્ષો રોપવામાં આવ્યાં છે અને સ્ટ્રીટલાઇટ્સનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે (તસવીરઃ પ્રદીપ ધિવાર)

મુંબઈમાં ફુટપાથો પર ગેરકાયદે પાર્કિંગ, ફેરિયા અને કચરો-કાટમાળ ઠાલવવાનાં  દૂષણોની ફરિયાદો દાયકાઓથી અનેક ઠેકાણેથી કરવામાં આવે છે, પરંતુ એ ફરિયાદોના નિવારણ માટે  મહાનગરપાલિકા પર દોષારોપણ કરવાથી વધારે કોઈ કંઈ કરતા નથી.  સ્થાનિક લોકોના પ્રયાસો, ફોલોઅપ અને ખડેપગે ઊભા રહીને કામ કરાવવાનું ખંત અને પરિશ્રમ ભાગ્યે જ જોવા મળે છે. અંધેરી (પૂર્વ)ની શેર-એ-પંજાબ કૉલોની અને આસપાસના ઇલાકામાં ફુટપાથોને રાહદારીઓ માટે ખુલ્લી કરવાના ઉપાયો સહિત વિવિધ પ્રકારનાં કામ સિનિયર સિટિઝન્સે છ મહિનાની મહેનત પછી પાર પાડ્યા છે. બાકી રહેલું કામ ચોમાસા પછી પૂરું કરવામાં આવશે.

અંધેરી (પૂર્વ)ના એ વિસ્તારના સિનિયર સિટિઝન્સે કૅર ફાઉન્ડેશનના ઉપક્રમે મહત્ત્વનો કમ્યુનિટી પ્રોજેક્ટ હાથ ધરીને ફેરિયા, ગેરકાયદે પાર્કિંગ અને કચરો-કાટમાળ હટાવીને વૃક્ષારોપણ કરવા સાથે વધુ સ્ટ્રીટલાઇટ્સ પણ સ્થાપી છે. 

કૅર ફાઉન્ડેશનના અગ્રણી સંજય ભટે ઉક્ત કમ્યુનિટી પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે ‘આ કામ ધાર્યા પ્રમાણે સરળ નહોતું. અવારનવાર સંબંધિત તમામ પક્ષોની મીટિંગ્સ યોજીને નિર્ણયો લેવા ઉપરાંત સંબંધિત સત્તાતંત્રો અને વિભાગોના અમલદારો-અધિકારીઓ સાથે ફોલોઅપ કરવાની અને કામ ચાલતું હોય ત્યારે ખડેપગે નિગરાણી-નિરીક્ષણ રાખવાની જરૂર રહેતી હતી. આ કામોમાં છ મહિના લાગ્યા. હવે ચોખ્ખી ફુટપાથો પર રેલિંગ્સ લગાવવા જેવી કેટલીક કામગીરીઓ ચોમાસા પછી પૂરી કરવામાં આવશે.’

૬૯ વર્ષના શૈલેષ મહાબળે જણાવ્યું હતું કે ‘એકાદ વર્ષ પહેલાં રસ્તા અને ફુટપાથોની એવી હાલત હતી કે મારી પત્ની અને બાળકો કામકાજ માટે ઘરની બહાર નીકળતાં પહેલાં બળાપો કાઢતાં હતાં. આ પરિસ્થિતિમાં સુધારા માટે ભેખધારી સક્રિયતા દાખવવાની કોઈની તૈયારી નહોતી. અમે કૅર ફાઉન્ડેશનના સિનિયર સિટિઝન્સે એ કમ્યુનિટી પ્રોજેક્ટ પાર પાડ્યો. તેમાં ડૉ. મિની પનિક્કર સહિત અનેક કાર્યકરોએ સતત મહેનત કરી છે.’

સ્થાનિક નગરસેવક સદાનંદ પરબે જણાવ્યું હતું કે ‘વિજય રાઉત માર્ગ તથા અન્ય ભાગોમાં ફુટપાથોનું કામ કેટલાક મહિનાથી ચાલતું હતું. સ્થાનિક રહેવાસીઓનાં સંગઠનોએ આ વિસ્તારમાં સુધારા-સફાઈ માટે ઘણી મહેનત કરી છે. ફુટપાથો પર રેલિંગ્સ બાંધવાનું કામ આવતા ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવશે.’

mumbai mumbai news andheri