ઑનલાઇન શૉપિંગમાં અંધેરીની યુવતીનું બૅન્ક-અકાઉન્ટ થઈ ગયું સફાચટ

29 September, 2019 11:05 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

ઑનલાઇન શૉપિંગમાં અંધેરીની યુવતીનું બૅન્ક-અકાઉન્ટ થઈ ગયું સફાચટ

સૈયદ ફરાહ

ઑનલાઇન શૉપિંગ કરતી વખતે ફુલ પેમેન્ટ થયા પછી કોઈ કુરિયર કંપની દ્વારા તમને ફરી પેમેન્ટ કરવાનું કહે તો સાવધાન. તમારું બૅન્ક-અકાઉન્ટ સફાચટ થઈ શકે છે. અંધેરીમાં રહેતી એક યુવતીને આવો જ કડવો અનુભવ થયો છે. લખનઉથી સાડાપાંચ હજારની કુર્તીનો ઑર્ડર આપ્યા બાદ ૪ દિવસ સુધી ડિલિવરી ન મળતાં તેણે કુરિયર કંપનીના મોબાઇલ-નંબર પર સંપર્ક કરતાં તેને ૧ રૂપિયા સરચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. યુવતીએ આ રકમ ટ્રાન્સફર કરવાની સાથે જ તેના અકાઉન્ટમાંથી ૧૫,૦૦૦ રૂપિયા વિધડ્રૉ થયા હોવાના મેસેજ તેના મોબાઇલ પર આવ્યા હતા. આ મામલે યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
અંધેરી-ઈસ્ટના સાકીનાકાના આશા ક્રિષ્ના બિલ્ડિંગમાં સૈયદ ફરાહ તેના પરિવાર સાથે રહે છે. તેણે ૨૦ સપ્ટેમ્બરે એક ઑનલાઇન શૉપિંગ ઍપથી લખનઉની ૫૫૦૦ રૂપિયાની કિંમતની કુર્તીનો ઑર્ડર આપ્યો હતો. સામાન્ય રીતે બે દિવસમાં ડિલિવરી મળી જાય છે, પણ ઑનલાઇન કંપની કે કુરિયર કંપનીમાંથી કોઈ મેસેજ ન મળતાં ફરિયાદી ફરાહે ૨૨ સપ્ટેમ્બરે પાર્સલ ટ્રેસ કરવા માટે ગૂગલમાં ડીટીડીસી કુરિયર કંપનીની વેબસાઇટ પર તપાસ કરવા માટે ફોન કર્યો હતો.

સૈયદ ફરાહે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૨ સપ્ટેમ્બરે ડીટીડીસી કુરિયર કંપનીના ફોન-નંબર પર સંપર્ક ન થતાં કંપનીના બીજા નંબર પર ફોન કર્યો હતો. એ સમયે ફોન રિસીવ કરનારાએ તેને થોડા સમયમાં પાર્સલ મળી જશે એવું કહ્યું હતું. જોકે પાર્સલ મેળવવા માટે તેણે ૧ રૂપિયો સરચાર્જ ઑનલાઇન ભરવાનું કહ્યું હતું. મોબાઇલ બૅન્કિંગથી ૧ રૂપિયો ભર્યા બાદ તરત જ તેના અકાઉન્ટમાંથી ૧૦ હજાર અને પાંચ હજાર એમ બે વખત કોઈકના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ફરાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો કુરિયર કંપનીના સ્ટાફ સાથે ફોન ચાલુ હતો ત્યારે જ મારા બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. થોડા સમય બાદ કુર્તીનું પાર્સલ આપવા ડીટીટીસી કંપનીનો ડિલિવરીબૉય આવ્યો હતો. તેને આ વિશે કહેતાં તેણે કંપનીમાં તમારો કોઈ ફોન આવ્યો જ ન હોવાનું કહ્યું હતું એથી મેં કુરિયર કંપનીમાં ફ્રૉડ નંબર વાપરવાની સાથે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી છે.’સાકીનાકાના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે સૈયદ ફરાહની ચીટિંગની ફરિયાદ નોંધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.

mumbai mumbai news