06 August, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમૃતા ફડણવીસ
ફ્રેન્ડશિપ ડે પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે તેમના પેટ પૅરટ સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ પોસ્ટને લીધે અમૃતા ફડણવીસ સાથે દેવેન્દ્ર ફડણવીસ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોએ કોલ્હાપુરની હાથણીને પરત લાવવાના વિવાદ સાથે આ વાતને જોડીને અમૃતા ફડણવીસને ટ્રોલ કર્યાં હતાં.
અમૃતા ફડણવીસે ઇન્સ્ટાગ્રામ પર ઘણાં વર્ષોથી તેમની સાથે રહેતા ટાઇગર નામના મકાઉ પૅરટ સાથેનો વિડિયો શૅર કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું હતું, ‘ફ્રેન્ડશિપનો કોઈ આકાર, કદ કે ભાષા હોતી નથી, એ કોઈ પણ પ્રજાતિ વચ્ચે હોઈ શકે છે. ફ્રેન્ડશિપ આ બધાથી પર છે.’
સાઉથ અમેરિકન ઍમૅઝૉનમાં મળી આવતા દુર્લભ પ્રજાતિના મકાઉ પૅરટ સાથે હળવી ક્ષણો માણતાં અમૃતાનો વિડિયો જોઈને અમુક લોકોએ કમેન્ટ કરી હતી કે ‘પૅરટને ઘરમાં કેમ રાખ્યો છે? વનતારા મોકલી દો.’ તો કોઈએ પ્રાણીપ્રેમી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ફૉર ઍનિમલ્સ (PETA)ને ટૅગ કરીને કહ્યું હતું કે ‘કોલ્હાપુરની હાથણીને લઈ ગયા, હિંમત હોય તો આ બર્ડને ચાર દીવાલમાંથી બહાર કાઢીને બતાવો.’ તો વનતારાને ટૅગ કરીને પણ કમેન્ટ કરવામાં આવી હતી કે તમને આ દેખાતું નથી?