મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનાં ઘર બૉમ્બબ્લાસ્ટથી ઉડાવી દઈશું

02 March, 2023 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫ જેટલા હુમલાખોરો શસ્ત્રો સાથે મુંબઈમાં એન્ટર થઈ ગયા છે અને નળબજાર, ભીંડીબજાર અને જે. જે. હૉસ્પિટલ એરિયામાં પણ બ્લાસ્ટ કરવાના છે એવી ધમકી આપનારને દહાણુમાંથી ઝડપી લેવાયો

મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનાં ઘર બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાવી દેવાશે. આ ઉપરાંત નળબજાર, ભીંડીબજાર અને જે. જે. હૉસ્પિટલ વિસ્તારમાં પણ બ્લાસ્ટ કરાશે એવી માહિતી આપતો ફોન નાગપુર પોલીસ કન્ટ્રોલને શુક્રવારે બપોરે ૧.૩૫ વાગ્યે આવ્યો હતો. એની જાણ મુંબઈ પોલીસ કન્ટ્રોલને કરાઈ હતી અને તરત જ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. જોકે એ તપાસમાં કશું પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. એટલું જ નહીં એ હોક્સ કૉલ કરનારને દહાણુમાંથી ઝડપી પણ લેવાયો છે.

નાગપુર પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને ધમકી આપનારે કહ્યું હતું કે ‘મુંબઈ બંદર પર મેફેડ્રોન અને એક્સપ્લોઝિવ ઊતરી ગયાં છે અને ૨૫ જેટલા હુમલાખોરો શસ્ત્રો સાથે મુંબઈમાં એન્ટર થઈ ગયા છે. એ લોકો મુંબઈમાં બૉમ્બબ્લાસ્ટ કરવાના છે. એટલું જ નહીં, એ લોકો મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયા સહિત અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનાં ઘર પણ ઉડાવી દેશે તથા અન્ય જગ્યાએ પણ બૉમ્બબ્લાસ્ટ કરશે. એથી આ બાબતની માહિતી નાગપુર પોલીસે તરત જ મુંબઈ પોલીસ સાથે શૅર કરી હતી.  

મુંબઈ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઈને બંદોબસ્ત વધારી દીધો હતો અને બંદરો સહિત ઉપરોક્ત સ્થળોએ ઝીણવટભરી તપાસ પણ શરૂ કરી દીધી હતી. જોકે એ તપાસમાં  કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. એ દરમિયાન એ ફોનકૉલ ક્યાંથી કરવામાં આવ્યો હતો એની પણ સમાંતર તપાસ ચાલુ કરાઈ હતી. એમાં એવું જણાઈ આવ્યું કે એ કૉલ દહાણુથી કરાયો હતો. એથી તરત જ મુંબઈ પોલીસે પાલઘર પોલીસનો સંપર્ક કરીને વિગતો આપી હતી. એના આધારે તપાસ કરીને પોતાને નાગપુરનો રહેવાસી જણાવનાર અશ્વિન ભરત મ્હૈસકરને દહાણુમાંથી ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે અશ્વિન ડ્રાઇવરનું કામ કરે છે અને થોડા સમયથી બેકાર છે.

mumbai mumbai news jj hospital amitabh bachchan mukesh ambani dharmendra dahanu mumbai police