અર્બન કો-ઑપરેટિવ બૅન્કોએ સ્પર્ધામાં ટકી રહેવા માટે શું કરવું?

09 August, 2026 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની આશરે ૧૪૦૦ શહેરી સહકારી બૅન્કોમાંથી લગભગ ૬૯૦ બૅન્કો આ સંસ્થામાં જોડાઈ ચૂકી છે

ફોર્ટમાં ગઈ કાલે નૅશનલ અર્બન કો-ઑપરેટિવ ફાઇનૅન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડની નવી ઑફિસના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.

દેશની અર્બન કો-ઑપરેટિવ બૅન્કોએ બજારની હરીફાઈમાં મજબૂતીથી ટકી રહેવા માટે આધુનિક ટેક્નૉલૉજી અપનાવવાનું, કામગીરીમાં પારદર્શિતા લાવવાનું અને ગ્રાહક સેવાઓનું આધુનિકીકરણ કરવાનું અત્યંત જરૂરી છે એવું આહ્‍‍‍‍વાન કેન્દ્રીય ગૃહપ્રધાન અને કૉ-ઑપરેશન મિનિસ્ટર અમિત શાહે શનિવારે કર્યું હતું. મુંબઈમાં નૅશનલ અર્બન કો-ઑપરેટિવ ફાઇનૅન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (NUCFDC)ના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાને દેશની તમામ અર્બન કો-ઑપરેટિવ બૅન્કોને એક વર્ષની અંદર આ અગ્રણી સંસ્થા સાથે જોડાઈ જવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે NUCFDC એ ભારતમાં શહેરી સહકારી બૅન્કો માટે અમ્બ્રેલા ઑર્ગેનાઇઝેશન અને 
સેલ્ફ-રેગ્યુલેટરી બૉડી તરીકે કામ કરે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની મંજૂરી મેળવનાર અને મુંબઈમાં વડું મથક ધરાવતી આ સંસ્થા સહકારી બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા માટે મૂડી, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લિક્વિડિટી પૂરી પાડે છે.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની આશરે ૧૪૦૦ શહેરી સહકારી બૅન્કોમાંથી લગભગ ૬૯૦ બૅન્કો આ સંસ્થામાં જોડાઈ ચૂકી છે અને બાકીની બૅન્કો પણ એક વર્ષમાં જોડાઈ જશે.

mumbai news mumbai amit shah reserve bank of india eknath shinde devendra fadnavis