હૃદયની જન્મજાત ખામીઓ ધરાવતા ઇથિયોપિયાના બે નવજાત બાળકોની ભારતમાં સફળતાપૂર્વક સારવાર

23 September, 2021 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડના પડકારો વચ્ચે કોકિલાબેન હૉસ્પિટલે સફળતાપૂર્વક સારવાર કરી

એલ્ડોરા ડેનેક્યુ વાસી તેના માતાપિતા સાથે

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરે આજે બે નવજાત બાળકો પર સફળતાપૂર્વક કાર્ડિયાક સર્જરી કરી છે. આ બે બાળકોમાં એક બે મહિનાનો છોકરો અને એક પાંચ મહિનાની છોકરી હતી, જેમને ઇથિયોપિયાના એડિસ અબાબાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ હૃદયમાં જટિલ જન્મજાત ખામીઓ ધરાવતા હતા.

બાળકો અને તેમના માતાપિતાઓએ બે પ્રકારના પડકારના સામનો કર્યો હતો – એક, કોવિડ મહામારી અને બે, ઇથિયોપિયાની સ્થાનિક સ્થિતિ, જેના કારણે સચોટ નિદાન માટે ઇકોકાર્ડિયોગ્રામ મેળવવામાં મુશ્કેલી પડી હતી. જોકે ઓથોરિટીઝના સાથસહકાર સાથે બન્ને બાળકો મુંબઈ આવી ગયા હતા અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન બાળકો કોવિડનો ભોગ ન બને એ માટે તમામ કાળજીઓ રાખવામાં આવી હતી.

હૉસ્પિટલના ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના ડાયરેક્ટર તથા કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક એન્ડ કન્જેનિટલ હાર્ટ સર્જન ડૉ. સુરેશ રાવે જણાવ્યું કે, ‘આ નવજાત બાળકોને સામાન્ય જીવન જીવવાની તક આપવી ખરેખર આનંદદાયક બાબત છે. તેમના વડીલોએ હૉસ્પિટલ અને ડૉક્ટરની ટીમમાં વિશ્વાસ મૂક્યો હતો. માતાપિતાઓએ કોવિડના પડકારજનક ગાળામાં બાળકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે એ માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. અમને ખુશી છે કે અમે મહામારીના સમય દરમિયાન તેમનેને સાથસહકાર આપી શક્યાં છીએ અને તેમના બાળકોને નવજીવન આપ્યું છે.’

હૉસ્પિટલના કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તનુજા કરાન્દેએ જણાવ્યું કે, કોકિલાબેન હૉસ્પિટલના ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરમાં નવજાત બાળકો અને બાળકોને હૃદયની તમામ પ્રકારની બિમારીઓ માટે સંપૂર્ણ સારવાર પ્રદાન કરવા આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવે છે. સર્જરી કરવામાં આવેલ બે મહિનાના છોકરાનું વજન ૪ કિલોગ્રામ હતું. જેના હૃદયની સ્થિતિ બહુ જટિલ હતી. તેના હૃદયમાં ફક્ત એક ચેમ્બર પમ્પિંગ કરતી હતી, હૃદયમાંથી મોટી રક્તવાહિનીની તરફ અસાધારણ પોઝિશન અને મોટું છિદ્ર હતું તેને લીધે પગલે ફેંફસામાં રક્તપ્રવાહ ઝડપથી થતો હતો. બાળક પર જટિલ ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવી હતી, જેમાં મોટી રક્તવાહિનીને સુધારવામાં આવી હતી અને હૃદયમાં લોહીનું પર્યાપ્ત મિશ્રણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફેંફસા તરફના પ્રવાહને અસરકારક બનાવવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ સ્થિર અને સારી હતી. તેને સર્જરીના પખવાડિયા પછી રજા આપવામાં આવી હતી.

બેનાયસ વુલેટીબ ફિલિપોસ માતાપિતા સાથે

જ્યારે બીજું નવજાત બાળક પાંચ મહિનાની બાળકી હતી. તે ડાઉન્સ સિન્ડ્રોમથી પીડિત હતી અને જટિલ કાર્ડિયાક ખામી ધરાવતી હતી. જેને તબીબી ભાષામાં ‘કમ્પ્લેટ એટ્રિઓવેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ’ કહેવાય છે. તેના હૃદયમાં ચારને બદલે ત્રણ વાલ્વ અને બે છિદ્ર હતા. શરૂઆતમાં કાઉન્સેલિંગ અને તૈયારી કર્યા પછી નવજાત બાળકી પર સફળતાપૂર્વક સર્જરી થઈ હતી. સર્જિકલ રિપેરમાં એક કોમન સિંગલ વાલ્વમાંથી બે વાલ્વ ઊભા કરવામાં આવ્યાં હતાં અને હૃદયમાં છીદ્રો બંધ કરવામાં આવ્યાં હતાં. નવજાત બાળકીની સ્થિતિ સારી છે અને ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશે.

હૉસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ડૉ. સંતોષ શેટ્ટીએ જણાવ્યું કે, ‘બે નવજાત બાળકોના પરિવારો તેમના બાળકોના હૃદયની સમસ્યાઓનું સમાધાન કરીને ઘરે પરત ફરી શકે એ કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે આફ્રિકા, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના દેશોમાંથી બાળકો ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરમાં વિશેષ પીડિયાટ્રિક કાર્ડિયાક કેર મેળવવા ભારતનો અવારનવાર પ્રવાસ્ કરે છે, ત્યારે સામાન્ય સ્થિતિસંજોગોમાં આ પ્રકારની ઘટના ધ્યાનમાં ન આવી હોત. જોકે મહામારી અને એના પરિણામોને કારણે વિદેશમાં તબીબી સારવાર મેળવવા માટેના પ્રવાસની આ નિયમિત પ્રેક્ટિસે અલગ સ્તરનો પડકાર ઊભો કર્યો હતો. અમારા ઇન્ટરનેશનલ ડેસ્કના કર્મચારીઓ અમારા વિદેશી દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે, જેથી તેઓ નવા વાતાવરણ, આહાર અને સંસ્કૃતિનો સરળતાથી સ્વીકારી શકે. અમારા હેલ્થકેર કર્મચારીઓ સર્જરી અગાઉ, દરમિયાન અને પછી શક્ય તમામ સારવાર અને સાથસહકાર આપે છે. હૉસ્પિટલના અમે બધા લોકો ઇથિયોપિયામાંથી આવેલા આ બન્ને નવજાત પરિવારોનો આભાર માનીએ છીએ. તેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો અને અમને તેમના બાળકોની સારવાર કરવાની તક આપી હતી’.

mumbai mumbai news kokilaben dhirubhai ambani hospital