બે કાકાની સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ જોવાની અધૂરી ઇચ્છા પૂરી કરવા અમેરિકન ગુજરાતી દુબઈ પહોંચ્યો

24 October, 2021 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના બે કાકા વર્ષો પહેલાં સ્ટેડિયમમાં કોઈ લાઇવ ક્રિકેટ જોઈ નહોતા શક્યા એટલે તેમની ઇચ્છા પૂરી કરવા માટે અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યમાં રહેતા આ ગુજરાતી ભત્રીજા મહત્ત્વની મૅચો જોવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમને સપોર્ટ કરવા એનું જર્સી પહેરીને સ્ટેડિયમમાં આવેલા ગુજરાતી બિઝનેસમૅન વિપુલ પટેલ. આજે તેઓ ભારતીય ટીમનું જર્સી પહેરશે.

આજે દુબઈમાં ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ-મૅચ ક્રિકેટ વર્લ્ડમાં સૌથી લોકપ્રિય ગણાય છે. આ મૅચ જોવા માટે મુંબઈ, ગુજરાત કે ભારતમાંથી જ નહીં, છેક અમેરિકા અને યુરોપથી મોટી સંખ્યામાં ભારતીયો દુબઈ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. દુબઈમાં માત્ર ભારત અને પાકિસ્તાનની જ નહીં, આખા ટી૨૦ વર્લ્ડ કપની તમામ મૅચ જોવા માટે અમેરિકાથી એક ગુજરાતી ફૅન ગઈ કાલે દુબઈ પહોંચ્યો છે. પોતાના બે કાકા વર્ષો પહેલાં સ્ટેડિયમમાં કોઈ લાઇવ ક્રિકેટ જોઈ નહોતા શક્યા એટલે તેમની ઇચ્છા પૂરી કરવા માટે અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યમાં રહેતા આ ગુજરાતી ભત્રીજા મહત્ત્વની મૅચો જોવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે.

ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત ગઈ કાલથી થઈ હતી અને પહેલીથી કપની ફાઇનલ સુધીની તમામ મૅચ જોવા માટે અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં આવેલા ટોકોઆ શહેરમાં રહેતા ૪૮ વર્ષના ગુજરાતી બિઝનેસમૅન વિપુલ પટેલ દુબઈ પહોંચી ગયા છે. ટી૨૦ વર્લ્ડ કપની મૅચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો દુબઈ આવ્યા છે અને મોટા ભાગની મૅચની ટિકિટો વેચાઈ ગઈ છે. તમે કેવી રીતે બધી મૅચ જોઈ શકશો?

આવા સવાલના જવાબમાં વિપુલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પહેલેથી જ બધી મૅચની ટિકિટ ઑનલાઇન ખરીદી લીધી હતી. ક્રિકેટની દરેક મહત્ત્વની ટુર્નામેન્ટનું શેડ્યુલ મારી પાસે હોય છે. મને ખબર હતી કે દુબઈની તમામ મૅચની ટિકિટો વેચાઈ જવાની છે એટલે પહેલેથી પ્લાનિંગ કરી લીધું હતું.’

વર્ષોથી સ્ટેડિયમમાં ક્રિકેટ-મૅચ જોવાના શોખ વિશે વિપુલ પટેલે કહ્યું હતું કે ‘અમારું મૂળ વતન સુરત પાસેનું બારડોલી. ત્રણેક જનરેશન પહેલાં અમારો પરિવાર આફ્રિકાના તાન્ઝાનિયામાં સ્થાયી થયો હતો. મારા કાકા અવિનાશ પટેલ અને શશી પટેલને ક્રિકેટનો જબરો ક્રેઝ હતો. એ જમાનામાં તેઓ ઍર ઇન્ડિયા રેડિયોમાં ક્રિકેટ-મૅચની કૉમેન્ટરી સાંભળીને એન્જૉય કરતા. ત્રીસેક વર્ષ પહેલાં તેમની ઇચ્છા સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ જોવાની સાથે ક્રિકેટ રમતા દરેક દેશના ક્રિકેટરોને જોવાની હતી. જોકે એ પહેલાં જ તેમની આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ.’

બંને કાકાની ઇચ્છા પૂરી કરવા બિઝનેસ છોડીને ક્રિકેટ-મૅચ જોવા સ્ટેડિયમમાં પહોંચવા વિશે વિપુલ પટેલે કહ્યું હતું કે ‘હું જ્યારે સ્ટેડિયમમાં ક્રિકેટ-મૅચ જોવા પહોંચું છું ત્યારે ઉપર આકાશમાં મારા બંને કાકાઓ પણ મારી સાથે હોવાનું મને સતત લાગ્યા કરે છે. તેમણે જ મને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો હતો. તેઓ લાઇવ મૅચ જોઈ નહોતા શક્યા, પરંતુ હું બિઝનેસમાંથી સમય કાઢીને તેમની ઇચ્છા પૂરી કરવા સ્ટેડિયમમાં પહોંચી જાઉં છું.’

mumbai mumbai news india pakistan wt20 world t20