ઇમારતો તૈયાર હોવા છતાં એનું ફાઇનલ ડિસ્પોઝલ ક્લિયરન્સ 3 મહિનાથી અટવાયું

05 July, 2020 08:03 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ઇમારતો તૈયાર હોવા છતાં એનું ફાઇનલ ડિસ્પોઝલ ક્લિયરન્સ 3 મહિનાથી અટવાયું

૧૩૫ બિલ્ડિંગ અને ૫૦૦ કરોડનો ટૅક્સ

મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૧૩૫ જેટલાં નવાં બિલ્ડિંગો બંધાઈને તૈયાર થયાં છે અને ફાઇનલ ડિસ્પોઝલ માટેની ફાઇલો મુંબઈ મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં ત્રણ મહિનાથી ધૂળ ખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ફાઇલ ક્લિયર ન કરાતાં ફ્લૅટ-દુકાનો બુક કરાવનારા અને બિલ્ડરોને મોટું નુકસાન થવાની સાથોસાથ પાલિકાને મળનારા ૫૦૦ કરોડ રૂપિયાના ટૅક્સ અટકી પડ્યા છે.
ઉત્તર મુંબઈના બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલને ૨૨ જૂને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાલિકાના બાંધકામ વિભાગમાં ત્રણ મહિનાથી ૧૩૫ બિલ્ડિંગ પ્રપોઝલ ફાઇલ ફાઇનલ ડિસ્પોઝલ માટે પડી છે. કેટલાંક નાનાં ટેક્નિકલ કારણે પાલિકાના અધિકારીઓ ફાઇલ ક્લિયર કરવાને બદલે કમિશનરને મોકલી આપે છે. સામાન્ય રીતે આ ફાઇલો એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂર કરી શકે છે, પરંતુ અત્યારની સ્થિતિમાં તેમણે આમ કરવાને બદલે કમિશનર પાસે ક્લિયરન્સ માટે મોકલી દીધી છે. આ ફાઇલ અટકી જવાથી પાલિકાની ૫૦૦ કરોડ રૂપિયાની ટૅક્સની આવક અટકવાની સાથે સામાન્ય લોકો અને ડેવલપરોને મોટું નુકસાન જઈ રહ્યું છે.
સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મુંબઈમાં કોરોનાનું સંકટ છે એ કબૂલ, પરંતુ ફાઇનલ ડિસ્પોઝલ માટેની ૧૩૫ ફાઇલ સામાન્ય સંજોગોમાં બેથી પાંચ દિવસમાં ક્લિયર થઈ જવી જોઈએ, જે માર્ચ મહિનાથી પડી છે. પાલિકા જો બાંધકામ વિભાગને કામ કરવા ન દેવા માગતી હોય તો પરવાનગી આપવાનું બંધ કરી દે. મુંબઈમાં કમિશનરો અને પોલીસ અધિકારીઓ સહિતની બદલીનું કામ ચાલી રહ્યું છે. અચાનક બદલીથી આમ પણ કોરોનાને લીધે કામ અટકી ગયું છે અને એ વધુ સ્લો થઈ ગયું છે. ડેવલપરો પાલિકાને ચૂકવવાના કરોડો રૂપિયા લઈને ઊભા હોવા છતાં તેમને મહત્ત્વ નથી અપાતું.’
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈમાં કોરાના સામે યુદ્ધના ધોરણે લડત ચાલી રહી હોવાથી બધાં જ કામ અટકાવી દઈને માત્ર ને માત્ર કોવિડ પર જ કામ ચાલી રહ્યું છે. જોકે ૧ જુલાઈથી બિલ્ડિંગ પ્રપોઝલની ફાઇલો ક્લિયર કરવાનું કામ હાથમાં લેવાયું છે. ચાર દિવસમાં આવી ૪૦ ફાઇલો ક્લિયર થઈ છે અને ટૂંક સમયમાં આવી બધી ફાઇલો ક્લિયર કરી દેવામાં આવશે.’‍

૧ જુલાઈથી બિલ્ડિંગ પ્રપોઝલની ફાઇલો ક્લિયર કરવાનું કામ હાથમાં લેવાયું છે. ચાર દિવસમાં આવી ૪૦ ફાઇલો ક્લિયર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આવી બધી ફાઇલો ક્લિયર કરી દેવામાં આવશે.- ઇકબાલ સિંહ ચહલ, બીએમસી કમિશનર

prakash bambhrolia mumbai mumbai news