અજિત પવારના મૃત્યુ પછી NCPનું ભવિષ્ય દાવ પર

29 January, 2026 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે નેતૃત્વ કોણ કરશે એ સવાલ, શરદ પવારની NCPમાં વિલીન થઈ જશે?

અજિત પવારનું ૬૬ વર્ષની વયે પ્લેન અકસ્માતમાં નિધન

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના બુધવારે વિમાન-દુર્ઘટનામાં થયેલા દુ:ખદ અને અકાળ અવસાને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની રાજ્યની મહાયુતિની ગઠબંધન સરકારમાં ખાલીપો જ ઊભો નથી કર્યો, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ભવિષ્ય પર પણ સવાલ ઊભો કર્યો છે. રાજકીય નિરીક્ષકો કહે છે કે અજિત પવારના મૃત્યુ પછી NCP લીડરશિપ ક્રાઇસિસનો સામનો કરે એવી શક્યતા છે, કારણ કે કોઈ સ્પષ્ટ સેકન્ડ-ઇન-કમાન્ડ નથી.

NCPએ શિરમોર નેતા ગુમાવ્યો હોવાથી પાર્ટીના અસ્તિત્વ અને સ્થાપક શરદ પવાર સાથેના એના ભાવિ સમીકરણ પર પ્રશ્નો ઊભા થયા છે. શરદ પવારનો રાજ્યસભાનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં સમાપ્ત થાય છે. હાલમાં બન્ને જૂથો વચ્ચેના સંબંધો નરમ પડ્યા હોવાથી શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) સાથે NCP ફરી એક થઈ શકે છે કે કેમ એ વિશે અટકળો ચાલી રહી છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી કરવી પડશે કે અજિત પવાર સાથે જોડાયેલા ૪૧ વિધાનસભ્યો શરદ પવાર તરફ પાછા ન વળે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાનાં સભ્ય છે અને રાજકીય રીતે સક્રિય છે. જોકે તેમને વહીવટી અનુભવનો અભાવ છે. NCP પાસે એક લોકસભાના સભ્ય સુનીલ તટકરે અને બે રાજ્યસભાનાં સંસદસભ્યો પ્રફુલ પટેલ અને સુનેત્રા પવાર છે.

NCPના સ્થાપક શરદ પવાર તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમ્યાન જાહેર સભાઓથી દૂર રહેતા હોવાથી તેમની પુત્રી અને NCP (SP)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.

અજિત પવારના નેતૃત્વ હેઠળ NCP (SP)ના NCP સાથે સંભવિત વિલીનીકરણની અટકળોથી રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. જોકે વિમાન-દુર્ઘટનામાં તેમના અકાળ મૃત્યુથી તેમના જૂથના ભવિષ્ય પર અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે.

NCPના રાજ્યસભાના પ્રમુખ સુનીલ તટકરે અને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ સિવાય પાર્ટી પાસે અજિત પવારના અનુગામી બનવા માટે સક્ષમ એવા વરિષ્ઠ નેતાનો અભાવ છે. એકમાત્ર અન્ય લોકનેતા છગન ભુજબળ છે જે તાજેતરમાં મની-લૉન્ડરિંગના કેસમાં નિર્દોષ જાહેર થયા છે. હાલમાં તેઓ બીમાર પણ છે. પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે મુખ્ય નેતા બાકી રહ્યા છે, પરંતુ તેમની પાસે રાજ્યવ્યાપી પાયાના સ્તરના જોડાણનો અભાવ છે જે અજિત પવારે સુપેરે સંભાળ્યું હતું.

૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવનાર મહાયુતિમાં BJP પાસે ૧૩૨ વિધાનસભ્યો છે. ત્યાર બાદ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાસે ૫૭ અને અજિત પવારની NCP પાસે ૪૧ વિધાનસભ્યો છે.

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલકરે જણાવ્યું હતું કે ‘NCPનાં બન્ને જૂથો પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી ઘડિયાળ પ્રતીક પર સાથે લડી રહ્યાં છે જે અસરકારક રીતે બિનસત્તાવાર વિલીનીકરણનો સંકેત આપે છે. હવે પ્રશ્ન એ નથી કે કોણ કોની સાથે ભળી જાય છે. ફક્ત બે વિપક્ષી પક્ષો કૉન્ગ્રેસ અને શિવસેના (UBT) બાકી હોવાથી કૉન્ગ્રેસ પોતાને પુનર્જીવિત કરી શકશે કે નહીં એ જોવાનું બાકી છે.’

મહારાષ્ટ્રમાં તાજેતરમાં પૂરી થયેલી નાગરિક ચૂંટણીઓમાં મહાયુતિના સાથી પક્ષોથી અલગ રીતે ચૂંટણી લડનાર NCPને ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં ૧૬૭ બેઠકો મળી હતી અને BJPએ એના હોમગ્રાઉન્ડ પુણે અને પિંપરી-ચિંચવડમાં એનો પરાજય કર્યો હતો, જ્યાં એણે શરદ પવારની NCP (SP) સાથે જોડાણ કર્યું હતું જેણે રાજ્યભરમાં ફક્ત ૩૬ બેઠકો જીતી હતી.

૧૬૫ સભ્યોના પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં NCPને ફક્ત ૨૭ બેઠકો અને NCP (SP)ને ૩ બેઠકો મળી હતી, જ્યારે BJPની કુલ સંખ્યા ૧૧૯ હતી. ૧૦૨ સભ્યોના પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અજિત પવારની પાર્ટીને ૩૭ બેઠક મળી હતી અને શરદ પવારના જૂથને એક પણ બેઠક મળી નહોતી, જ્યારે BJPને ૮૪ બેઠકો મળી હતી.

ગયા મહિને ૨૪૬ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ૪૨ નગરપંચાયતોના મતદાનમાં NCPને કુલ ૬૮૫૧ બેઠકોમાંથી ૯૬૬ અને NCP (SP)ને ૨૫૬ બેઠકો મળી હતી.

ajit pawar celebrity death plane crash nationalist congress party sharad pawar political news indian politics maharashtra political crisis maharashtra news maharashtra baramati mumbai mumbai news