અજિત પવાર કોરોના પૉઝિટિવ થવાથી હોમ ક્વૉરન્ટીન થયા

28 June, 2022 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના ઘરમાં બેસવાથી મહાવિકાસ આઘાડી સરકારને ફટકો પડી શકે : ભુજબળને પણ કોરોનાનું સંક્રમણ

અજિત પવાર

સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવો કરનારા એકનાથ શિંદે જૂથને રાહત આપી છે અને સરકારમાં નવાજૂની થવાની શક્યતા છે ત્યારે જ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર કોરોના પૉઝિટિવ થયા છે. તેઓ હોમ ક્વૉરન્ટીન થયા હોવાનું જાણવા મળ્યું હતું. ટૂંક સમયમાં એકનાથ શિંદે જૂથ સરકારનું સમર્થન પાછું ખેંચવાનો રાજ્યપાલને પત્ર આપવાની સાથે સરકાર બનાવવાની રજૂઆત કરે એવી શક્યતા વચ્ચે અજિત પવારે હોમ ક્વૉરન્ટીન થવું પડ્યું છે. એકનાથ શિંદે જૂથે બળવો કરતાં સરકારે તેમની પાસેથી તમામ વિભાગો લઈ લીધા છે અને અન્ય પ્રધાનોને ફાળવ્યા છે. સાત દિવસથી શિવસેનામાં વર્ચસ મેળવવાની આંતરિક લડાઈ ચાલી રહી છે ત્યારે લોકોનાં કામ અટકે નહીં એ માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને ૧૨ જુલાઈ સુધી રાહત આપી છે અને રાજકીય ઊથલપાથલ થવાની શક્યતા છે ત્યારે જ અજિત પવાર ક્વૉરન્ટીન થયા છે એની અસર મહાવિકાસ આઘાડી સરકાર પર થઈ શકે છે.

દરમ્યાન જાણવા મળ્યું હતું કે છગન ભુજબળને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ‘મારી કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાથી મારી તબિયત ઠીક છે. ડૉક્ટરની સલાહ મુજબ સારવાર ચાલી છે. હું ટૂંક સમયમાં જ ઠીક થઈ જઈશ.’

mumbai mumbai news maharashtra ajit pawar chhagan bhujbal