30 January, 2026 11:05 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારને અંતિમ વિદાય આપવા ભેગી થયેલી મેદની.
બારામતીમાં દાદા (મોટા ભાઈ) તરીકે જાણીતા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના ગઈ કાલે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન કૉલેજ ગ્રાઉન્ડમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કૉલેજની સ્થાપના પવાર પરિવાર દ્વારા કરવામાં આવી છે.
હજારો લોકો અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા હતા. અજિત પવારના પુત્રો પાર્થ અને જય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, BJPના પ્રમુખ નીતિન નબીન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. અજિત પવારના કાકા શરદ પવાર ગમગીની સાથે શાંતિથી બેઠા હતા.
અજિત પવારના પાર્થિવ શરીરને રાષ્ટ્રધ્વજમાં લપેટીને તેમના ગામ કાટેવાડીથી બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં એકઠા થયેલા હજારો શોકગ્રસ્તોએ ‘અજિતદાદા અમર રહે’ના નારા લગાવ્યા હતા.
અજિત પવારનાં પિતરાઈ બહેન અને બારામતીનાં NCP (SP)નાં લોકસભાનાં સભ્ય સુપ્રિયા સુળે અને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર સાથે ઊભાં હતાં. સુનેત્રા પવારે સ્વર્ગસ્થ પતિને શ્રદ્ધાંજલિ આપી ત્યારે સુપ્રિયા સુળેએ તેમને સાંત્વન આપ્યું હતું.
NCPના કાર્યકારી પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ પણ હાજર હતા. લાઉડસ્પીકરો પર જાહેરાતોમાં લોકોને મૌન અને શિસ્ત જાળવવાની અને શિસ્તની કડક ભાવના માટે જાણીતા અજિત પવારને તેમની બેઠક પરથી શ્રદ્ધાંજલિ આપવાની વિનંતી કરવામાં આવી હતી. એને અજિત પવાર માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ ગણાવી હતી.
અમિત શાહ, નીતિન ગડકરી, નીતિન નબીન, દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત, મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદે અને આંધ્ર પ્રદેશના પ્રધાન નારા લોકેશે અજિત પવારના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવાર, બહેનો અને પિતરાઈ ભાઈ અભિજિત પવાર સહિત પરિવારના અન્ય સભ્યોએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ, પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાળ, પાર્ટીના નેતા માણિકરાવ ઠાકરે અને અભિનેતા રિતેશ દેશમુખે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ પહેલાં શિવસેના (UBT)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને MNSના વડા રાજ ઠાકરેએ કાટેવાડીમાં અજિત પવારના નિવાસસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુરુવારે સવારે અજિત પવારના પાર્થિવ દેહને બારામતીની પુણ્યશ્લોક અહિલ્યાદેવી હૉસ્પિટલમાંથી તેમના ગામ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને રાતે રાખવામાં આવ્યા હતા.
દુર્ઘટના-સ્થળનાં દર્શને કાર્યકરો પહોંચ્યા
બારામતી ઍરપોર્ટ રનવેથી ૨૦૦ મીટર દૂર આવેલું દુર્ઘટના-સ્થળ હજારો સમર્થકો માટે અજિતદાદાના સ્મૃતિધામ જેવું બની ગયું હતું. ગુરુવારે બારામતી ઍરસ્ટ્રિપ નજીકના રસ્તે મોટી સંખ્યામાં અજિત પવારના સમર્થકો ઊમટી પડ્યા હતા. પોલીસ-અધિકારી સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે ‘આજુબાજુનાં ગામડાંઓમાંથી ઘણા લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવ્યા હતા અને એમાંથી ઘણા લોકો બારામતી ઍરપોર્ટ પર ઊમટી પડ્યા હતા. આ અપેક્ષિત હોવાને કારણે અમે ઍરસ્ટ્રિપ પર વધારાનો પોલીસ-બંદોબસ્ત રાખ્યો હતો. વિમાનનો કાટમાળ તપાસ માટે મહત્ત્વપૂર્ણ છે અને સ્થળ સાથે છેડછાડ ન થાય એની ખાતરી કરવા માટે પૂરતા પોલીસ-બંદોબસ્ત સાથે આ વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો હતો.’
વતન કાટેવાડી ખાતે આવેલા ઘરે શોકાતુર લોકો શ્રદ્ધાંજલિ આપવા ઊમટી પડ્યા
પુણે જિલ્લાના બારામતી પાસે આવેલા અજિત પવારના વતનના ગામ કાટેવાડીના અને નજીકનાં ગામોના સેંકડો શોકગ્રસ્ત લોકો NCPના કાર્યકરો સાથે અંતિમયાત્રામાં જોડાયા હતા. તેમના નિવાસસ્થાનના દરવાજાની બહાર એક લાઇન બનાવીને તેમણે ‘અજિતદાદા અમર રહે’ અને ‘અજિતદાદા પરત યા’ જેવા નારા લગાવ્યા હતા. ઘણા શોકાતુર લોકોએ આ પ્રદેશના વિકાસમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમના જેવો નેતા ફરી જન્મશે નહીં.
પુણેથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર બારામતી ઍરપોર્ટના રનવે પાસે બુધવારે સવારે ચાર્ટર્ડ લિયરજેટ ક્રૅશ થતાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બે પાઇલટ, એક ફ્લાઇટ-અટેન્ડન્ટ અને એક સુરક્ષા-અધિકારીનાં પણ મૃત્યુ થયાં હતાં. ગુરુવારે સવારે અજિત પવારના પાર્થિવ દેહને બારામતીની પુણ્યશ્લોક અહિલ્યાદેવી હૉસ્પિટલથી બારામતી નજીકના તેમના વતનના કાટેવાડી ગામમાં લાવવામાં આવ્યો હતો.
કાટેવાડીના ૬૫ વર્ષના રહેવાસી ગણપત ઠોમ્બરેએ આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે ‘આપણા નેતાને લઈ જનારી દુ:ખદ ઘટનાને ૨૪ કલાક થઈ ગયા છે. હું હજી પણ એ હકીકત સાથે સંમત થઈ શકતો નથી કે દાદા હવે નથી. તેમના જેવા નેતા ફરી જન્મશે નહીં. તેઓ નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં તેમણે કાટેવાડી, ખતલપટ્ટા, સોંગેન અને નજીકનાં અન્ય ગામોના મુદ્દાઓ પર ખૂબ ધ્યાન આપ્યું હતું. હું અજિત પવારને વ્યક્તિગત રીતે ઓળખતો હતો, કારણ કે મારી પૌત્રીને મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવામાં તેમણે મદદ કરી હતી. તેઓ સારા રસ્તા અને શાળાઓ બનાવડાવીને આ પ્રદેશમાં પરિવર્તન લાવ્યા હતા. તેમના જેવા નેતા ફરી ક્યારેય નહીં આવે.’
જે પરિસરમાં અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં તેમનાં પત્ની અને રાજ્યસભાનાં સંસદસભ્ય સુનેત્રા પવાર, તેમના પુત્રો પાર્થ અને જય અને તેમના નાના ભાઈ શ્રીનિવાસ પવારે હાથ જોડીને લોકો પાસેથી શ્રદ્ધાંજલિ સ્વીકારી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે, તેમનાં પત્ની અને પુત્ર અમિત, અભિનેતા રિતેશ દેશમુખ અને અન્ય ઘણા મહાનુભાવોએ કાટેવાડીસ્થિત તેમના નિવાસસ્થાને અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. નિવાસસ્થાને અંતિમ દર્શન કર્યા પછી તેમના પાર્થિવ દેહને બારામતીસ્થિત વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સંપૂર્ણ રાજ્ય-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.