✕

છઠ પૂજાની ઉજવણીમાં ખોવાયેલા લોકોને શોધવા પોલીસે લીધી AIની મદદ

18 November, 2026 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુ બીચ પર ખોવાઈ ગયેલાં બાળકો સહિત ૧૪૫ લોકોનું કરાવ્યું પરિવાર સાથે મિલન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના દરિયાકિનારે છઠ પૂજાની ઉજવણી કરવા ગયેલા અને પરિવારથી વિખૂટા પડી ગયેલા ૧૪૫ જણ જેમાં મોટા પ્રમાણમાં બાળકો હતાં તેમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ કૅમેરાની મદદથી શોધી કાઢવામાં  આવ્યાં હતાં અને પરિવાર  સાથે તેમનો મેળાપ પણ કરાવાયો હતો. રવિવારથી સોમવાર સવાર સુધીમાં આ તમામ લોકોને તેમના પરિવારજનો સાથે ફરીથી મિલાવી દેવામાં આવ્યા હતા.
પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ ‘જુહુ બીચ અને એની આસપાસના દરિયાકિનારાના વિસ્તારમાં લગભગ ૮ ટીમો તહેનાત કરી હતી. મોટા ભાગના કિસ્સાઓમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તેમને શોધી કાઢ્યા હતા. જોકે જે કિસ્સાઓમાં વધુ સમય લાગ્યો ત્યાં અમે ટેક્નિકલ સહાય, AI અને કન્ટ્રોલ રૂમની મદદ લીધી હતી.’
મુંબઈ પોલીસે દરિયાકિનારા, બીચ પર પ્રવેશવાનાં સ્થળો અને આસપાસના રસ્તાઓ પર નજર રાખવા માટે AI-સંચાલિત ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) નેટવર્ક અને ચહેરાની ઓળખ કરી શકે એવા ફેશ્યલ રેકગ્નિશન કૅમેરા લગાડ્યા હતા. આ સિસ્ટમે ૭૦થી ૮૦ કૅમેરામાંથી મળેલા લાઇવ અને રેકૉર્ડ કરેલાં ફુટેજનું વિશ્લેષણ કર્યું હતું. 

mumbai police mumbai mumbai news juhu beach festivals ai artificial intelligence