જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા

06 January, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા

ફાઈલ તસવીર

ગુજરાતીઓ બીજેપીની મજબૂત વોટબૅન્ક ગણાય છે. મુંબઈ મહાનગરપાલિકાની આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં બીજેપી શિવસેનાને જોરદાર ટક્કર આપે એવી શક્યતા જોતાં શિવસેનાએ ગુજરાતીઓને પોતાની પડખે લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. ૧૦ જાન્યુઆરીએ જોગેશ્વરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા ગુજરાતી ભવનમાં શિવસેનાના રાષ્ટ્રીય સંઘટક હેમરાજ શાહે મુંબઈમાં રહેતા ગુજરાતીઓની એક બેઠક બોલાવી છે, જેની ટૅગલાઇન છે ‘મુંબઈમાં જલેબી અને ફાફડ, ઉદ્ધવ ઠાકરે આપણા’.

શિવસેનાના રાષ્ટ્રીય સંઘટક હેમરાજ શાહે રવિવાર, ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ની સવારે ૧૦ વાગ્યે જોગેશ્વરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા ગુજરાતી સમાજ ભવનના પહેલા માળે મુંબઈના ગુજરાતીઓની સમસ્યાને વાચા આપવા માટે એક બેઠકનું આયોજન કરાયું છે, જેમાં કોવિડના નિયમ મુજબ માત્ર ૧૦૦ લોકોને જ પ્રવેશ અપાશે.

હેમરાજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતીઓ બીજેપીની નીતિથી પરેશાન થઈ ગયા છે. નોટબંધી, જીએસટી સહિતના અનેક નિર્ણયથી વેપારીઓ નારાજ છે. મુંબઈમાં શિવસેના જ એકમાત્ર એવો પક્ષ છે જે તમામ લોકોને ન્યાય આપી શકે છે. મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતીઓ શિવસેનાની સાથે રહે એ માટેની ચર્ચા કરવા માટે મેળાવડાનું આયોજન કરાયું છે. જલેબી-ફાફડા ખાઈને અમે મુંબઈના વેપારીઓને પરેશાન કરી રહેલી સમસ્યાની ચર્ચા કરીશું.’

શિવસેના મરાઠી સિવાયના લોકોને બહારના ગણતી આવી છે એટલે ગુજરાતીઓ કે બીજા કોઈ રાજ્યના બહુ ઓછા લોકો આ પક્ષ સાથે જાય છે. જોકે અત્યારે શિવસેનાની આગેવાનીની સરકાર છે અને પાલિકામાં પણ શિવસેનાની લાંબા સમયથી સત્તા છે એટલે કેટલીક સમસ્યાઓથી છૂટકારો મળવાની આશામાં ગુજરાતીઓ આ પ્રકારના આયોજનમાં રસ લે એવી શક્યતા છે.

mumbai mumbai news shiv sena brihanmumbai municipal corporation municipal elections uddhav thackeray