પિક્ચર અભી બાકી હૈ...

12 June, 2022 10:31 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠક પર વિજય મેળવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં નવાજૂની કરવાનો સંકેત આપીને કર્યો હુંકાર

રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના ત્રણ ઉમેદવારો જીત્યા એ પછી ખુશી વ્યક્ત કરી રહેલા કેન્દ્રીય પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બીજેપીના રાજ્યના પ્રેસિડન્ટ ચંદ્રકાંત પાટીલ તેમ જ બીજેપીના વિજેતા ઉમેદવાર ધનંજય મહાડિક અને ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટક (તસવીર : પીટીઆઇ)

રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠક પર વિજય મેળવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં નવાજૂની કરવાનો સંકેત આપીને કર્યો હુંકાર : મહાવિકાસ આઘાડી પાસે પૂરતી સંખ્યા હોવા છતાં નારાજ ચાલી રહેલા નાના પક્ષો અને અપક્ષોની મદદથી બીજેપીએ ત્રીજી બેઠક મેળવી અને શિવસેનાના ઉમેદવારને હાર જોવી પડી : આઘાડીને અપક્ષોને અવગણવાનું ભારે પડ્યું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસની પૂર્ણ બહુમતીની સરકાર છે. ૨૦૧૯માં આ સરકારની સ્થાપના થઈ ત્યારે નાના પક્ષો અને અપક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. જોકે અઢી વર્ષના સમયમાં ત્રણેય પક્ષના પ્રધાનો કે વરિષ્ઠ નેતાઓએ નાના પક્ષ અને અપક્ષોને અવગણ્યા હોવાથી તેઓ સરકારથી નારાજ હોવાથી બીજેપીએ તેમને સાધીને વિરોધ પક્ષ હોવા છતાં સત્તાધારી પક્ષોને રાજ્યસભાની આ ચૂંટણીમાં ધૂળ ચટાડી છે. વિધાનસભાની છ બેઠકમાંથી સત્તાધારી ત્રણેય પક્ષોએ એક-એક તો બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી. મહાવિકાસ આઘાડીના નેતાઓ છેલ્લે સુધી આ પક્ષો પોતાની સાથે રહેશે એવા વિશ્વાસમાં રહ્યા હતા અને બાજી ગુમાવી હતી. રાજ્યસભાની ચૂંટણી તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી હોવાનું કહીને દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં નવાજૂની થવાના સંકેત આપ્યા છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હોવા છતાં એણે રાજ્યસભાની ચૂંટણીમાં એક બેઠક પર વિરોધ પક્ષ બીજેપીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી બેઠકમાં વિજય મેળવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજ્યસભાની ચૂંટણી તો ટ્રેલર છે, થોડો સમય રાહ જુઓ અમે શું કરીએ છીએ. ચૂંટણીના રિઝલ્ટ બાદ લોકો કહેશે કે શિવસેનાના એક વિધાનસભ્યનો મત રદ થવાની સાથે નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં હતા એટલે બીજેપીનો વિજય થયો છે. જોકે તેઓ મતદાન કરત તો પણ બીજેપીનો વિજય નક્કી હતો. અમારી પાસે સંખ્યા હતી એટલે અમને કોઈ ચિંતા નહોતી.’

કોને કેટલા મત મળ્યા?
મહારાષ્ટ્રના ૨૮૫ વિધાનસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંદેનો મત રદ થયો હતો. આથી બાકીના ૨૮૪ મતમાંથી બીજેપીના પીયૂષ ગોયલ અને અનિલ બોંડેને સૌથી વધુ ૪૮, કૉન્ગ્રેસના ઇમરાન પ્રતાપગઢીને ૪૩, એનસીપીના પ્રફુલ પટેલને ૪૩, બીજેપીના ધનંજય મહાડિકને ૪૧.૫૮ અને શિવસેનાના સંજય રાઉતને સૌથી ઓછા ૪૧ મત મળ્યા હતા. શિવસેનાના બીજા ઉમેદવાર સંજય પવારને વિજય મેળવવા માટે જરૂરી ૪૧ મતમાંથી ૩૯.૨૬ મત મળવાથી તેમનો પરાજય થયો હતો.

વિધાન પરિષદમાં સીક્રેટ વોટિંગથી આઘાડી ચિંતિત
રાજ્યસભાની છ બેઠક માટે બધા રાજકીય પક્ષોએ વ્હીપ જારી કર્યો હતો એટલે વિધાનસભ્યોએ કોને મત આપ્યો છે એ બતાવવું પડે છે. આથી ખ્યાલ આવી જાય છે કે કોણે કોને મત આપ્યો. ૨૦ જૂને વિધાન પરિષદની ખાલી પડેલી ૧૦ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં સીક્રેટ વોટિંગ થશે. નાના પક્ષો અને અપક્ષોએ રાજ્યસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ બીજેપીને સમર્થન કર્યું હતું એવી રીતે સરકારથી નારાજ ત્રણેય પક્ષના વિધાનસભ્યો આ વખતે અપક્ષોની સાથે બીજેપીના ઉમેદવારને મદદ કરશે તો મુશ્કેલી થશે એવી ચિંતા મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષોને અત્યારથી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે કરેલો ચમત્કાર સ્વીકારવો રહ્યો : શરદ પવાર
જોડતોડની રાજનીતિમાં માહેર એનસીપીના ચીફ શરદ પવારે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘તેમણે કરેલો ચમત્કાર સ્વીકારવો જ પડે. મહાવિકાસ આઘાડી સરકાર પાસે બહુમત હોવા છતાં તેમની ચાલ સામે સફળતા નથી મળી. જોકે આ રિઝલ્ટથી મહાવિકાસ આઘાડી સરકારને કોઈ જોખમ નથી. છઠ્ઠી બેઠક પર શિવસેનાએ ઉમેદવારી નોંધાવી હતી. મત ઓછા હોવા છતાં હિંમત કરેલી. બીજેપી પાસે અપક્ષોની સંખ્યા વધુ હતી એટલે એને યશ મળ્યો છે.’

વચન આપીને દગાબાજી કરી : રાઉત
છઠ્ઠી બેઠકમાં પરાજિત થયા બાદ શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાની આ ચૂંટણીમાં ચોથી વખત ચૂંટાઈ આવેલા સંજય રાઉતે કહ્યું હતું કે ‘વચન આપીને દગાબાજી થવાથી આ રિઝલ્ટ આવ્યું છે. અમારી પાસે તેમનાં નામ છે. બહુજન વિકાસ આઘાડીના ૩, કરમાળાના વિધાનસભ્ય સંજય મામા શિંદે, લોહ્યાના વિધાનસભ્ય શામશુંદર શિંદે, સ્વાભિમાન પક્ષના વિધાનસભ્ય દેવેન્દ્ર ભુયારે બીજેપીને સાથ આપતાં અમારા બીજા ઉમેદવાર સંજય પવાર પરાજિત થયા. ચૂંટણી પંચમાં અમે બીજેપીના સુધીર મુનગંટીવારે નિયમનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કરી હોવા છતાં પંચે માત્ર અમારા વિધાનસભ્ય સુહાસ કાંદેનો મત રિજેક્ટ કર્યો હતો. અપક્ષ વિધાનસભ્ય રવિ રાણા સામેની ફરિયાદ પણ પંચે કાને નહોતી ધરી. વિરોધ પક્ષે ઘોડાબજારી કરતાં અપક્ષો તેમની સાથે ગયા હતા. એટલું જ નહીં, કેન્દ્રીય તપાસ એજન્સીનો ડર બતાવીને પણ કેટલાક અપક્ષ ઉમેદવારોનું બીજેપીએ સમર્થન મેળવ્યું હોવાનો આરોપ સંજય રાઉતે કર્યો હતો.

શિવસેના મહાવિકાસ આઘાડીની ‘ઢ’ ટીમ : એમએનએસ
રાજ્યસભામાં બીજી બેઠક શિવસેનાએ ગુમાવ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ શિવસેનાને નિશાના પર લીધી હતી. એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘શિવસેના મહાવિકાસ આઘાડી સરકારની ‘ઢ’ ટીમ છે. શિવસેનાએ વિરોધ પક્ષો એમઆઇએમ અને સમાજવાદી પક્ષનો સાથ લીધા બાદ પણ વિજયી નથી થઈ.’

વાઘનું ચામડું પહેરવાથી વાઘ નથી થવાતું : સંભાજીરાજે છત્રપતિ
રાજ્યસભાની છઠ્ઠી બેઠકમાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને શિવસેના અને એનસીપીએ સમર્થન આપવાની ના પાડ્યા બાદ ઉમેદવારી પાછી ખેંચનારા સંભાજીરાજે છત્રપતિએ ગઈ કાલે શિવસેના પર પ્રહાર કરતી ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘વાઘનું ચામડું પહેરવાથી વાઘ નથી થઈ જવાતું.’ રાજ્યસભાની ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચતી વખતે સંભાજીરાજેએ કહ્યું હતું કે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આપેલું વચન પાળ્યું નથી. 

રાજ્યસભાની ચૂંટણીનો ઘટનાક્રમ

૧૦ જૂન 
*    સવારે ૯ વાગ્યે મતદાન શરૂ થયું.
*    બપોરે ૧૨ વાગ્યે બીજેપીએ જિતેન્દ્ર આવ્હાડ, યશોમતી ઠાકુર અને સુહાસ કાંદેના મતદાન સામે વાંધો લીધો.
*    બપોરે ૧ વાગ્યે ચૂંટણી પંચે બીજેપીના વાંધાને ફગાવ્યો.
*    બપોરે ૩ વાગ્યે કૉન્ગ્રેસે સુધીર મુનગંટીવારના મતદાન સામે વાંધો લીધો.
*    બપોરે ૩.૩૦ વાગ્યે રાજ્યના ચૂંટણી પંચે તમામ વાંધા ફગાવ્યા.
*    સાંજે ૫.૩૦ વાગ્યે બીજેપીએ કેન્દ્રીય ચૂંટણી પંચમાં વાંધા બાબતે પત્ર લખ્યો.
*    સાંજે ૭ વાગ્યે શિવસેનાએ વાંધા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો.
*    રાત્રે ૯ વાગ્યે મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્યના ચૂંટણી અધિકારી વચ્ચે ઑનલાઇન બેઠક થઈ.
*    રાત્રે ૧૦ વાગ્યે કૉન્ગ્રેસે પણ વાંધા બાબતે ચૂંટણી પંચને પત્ર લખ્યો.
*    રાત્રે ૧૦.૧૫ વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક પૂરી થઈ.
૧૧ જૂન
*    રાત્રે ૧૨.૧૫ વાગ્યે સંજય રાઉત ચૂંટણી અધિકારીને પૂછપરછ કરવા ગયા.
*    રાત્રે ૧ વાગ્યે ચૂંટણી પંચે શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંદેના મતને અયોગ્ય ઠેરવ્યો.
*    રાત્રે ૧.૧૫ વાગ્યે વિધાન ભવનની બહાર પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો.
*    રાત્રે ૧.૫૦ વાગ્યે રાજ્યસભાની છ બેઠક પર થયેલા મતદાનની ગણતરી શરૂ કરાઈ.
*    રાત્રે ૩.૦૭ વાગ્યે પીયૂષ ગોયલ, અનિલ બોંડે, ઇમરાન પ્રતાપગઢી, પ્રફુલ પટેલ અને સંજય રાઉતને વિજયી જાહેર કરાયા.
*    રાત્રે ૩.૪૫ વાગ્યે બીજેપીના ધનંજય મહાડિકનો વિજય થયો. 

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party prakash bambhrolia