ચોરની ગાંધીગીરી : દાગીના ભરેલી બૅગ ચોર્યા બાદ ઘરના છાપરા પર મૂકીને માફી માગતો પત્ર લખ્યો

11 January, 2022 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિક રોડ પોલીસે જણાવ્યા મુજબ જેલ રોડ પરના વિઠ્ઠલનગર ખાતેની સોસાયટીમાં રહેતા શરદ સાળવેના બંધ ઘરમાં શનિવારે ચોરી થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

નાશિકમાં એક ચોરે કરેલી ગાંધીગીરીએ ભારે ચર્ચા જગાવી છે. નાશિકના જેલ રોડ પરિસરમાં જે ઘરમાં તેણે ચોરી કરી હતી એ ઘરના માલિકને પત્ર લખીને ચોરેલી રકમ અને દાગીના સાથેની બૅગ તેમના ઘરના છાપરા પર મૂકી હોવાની જાણ ચોરે કરી હતી. નાશિક રોડ પોલીસે જણાવ્યા મુજબ જેલ રોડ પરના વિઠ્ઠલનગર ખાતેની સોસાયટીમાં રહેતા શરદ સાળવેના બંધ ઘરમાં શનિવારે ચોરી થઈ હતી. રવિવારે તેઓ ઘરે પાછા આવ્યા હતા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નાશિક રોડ પોલીસની ટીમ શરદ સાળવેના ઘરે પહોંચી હતી ત્યારે ઘરમાંથી એને એક પત્ર હાથ લાગ્યો હતો.
જ્યાં ચોરી કરી હતી એને સંબોધીને ચોરે લખ્યું હતું કે ‘હું તમારી ગલીમાં જ રહેતી એક વ્યક્તિ છું. મેં તમારા ઘરમાંથી કૅશ અને દાગીના સાથેની બૅગ ચોરી હતી, જે તમારા ઘરના છાપરા પર ફેંકી છે. મને રૂપિયાની ખૂબ જરૂર હતી, પણ મેં લીધા નથી. સૉરી મને માફ કરજો.’
આશ્ચર્યજનક મામલો
નાશિક રોડ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ચોરીના અસંખ્ય મામલા અમે જોયા છે, પરંતુ ચોરી કરીને અફસોસ થયા બાદ ચોરી કરવા બદલ માફી માગીને ચોરીનો માલ ક્યાં છે એવી જાણ કરતો પત્ર લખનારો ચોર અમે પહેલી વાર જોયો છે. બૅગમાં સોનાનો નેકલેસ, મંગળસૂત્ર અને થોડી રોકડ રકમ હતી. ચોરે આમાંથી એકેય વસ્તુ લીધા વિના જે ઘરમાંથી ચોરી કરી હતી એના છાપરા પર બૅગ મૂકી દીધી હતી. અમને લાગે છે કે કપરી પરિસ્થિતિ કોઈને પણ આવું કરવા મજબૂર કરી શકે. રૂપિયા વિના કામ થતું નથી એટલે ભાવનામાં ખેંચાઈને કોઈક આવું 
પગલું ભરે છે, પરંતુ તરત જ પોતે ખોટું કર્યું હોવાનો અહેસાસ થવાથી માફી માગી લે છે. અમે આ વ્યક્તિને શોધી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news nashik maharashtra