માનવતા મરી પરવારી નથી

23 November, 2022 09:35 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

‘મિડ-ડે’ના અહેવાલનો પડ્યો પડઘો : વસઈના ગુજરાતી સિનિયર સિટિઝન દંપતીની મદદે અનેક લોકો આવ્યા: નિ:શુલ્ક મોતિયાનું ઑપરેશન કરાવી આપશે અને અન્ય મદદ પણ કરશે

‘મિડ-ડે’માં ગઈ કાલે પ્રસિદ્વ થયેલો છેતરપિંડીનો અહેવાલ અને વસઈનું ગુજરાતી દંપતી

વસઈ-વેસ્ટના દીવાનમાનમાં આવેલા અશ્વિનનગરમાં રહેતા ૭૦ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન સુરેશ પારેખ અને તેમનાં પત્ની ગીતા પારેખ સાથે અનોખી રીતે છેતરપિંડી થઈ હતી. એને કારણે તેમને માનસિક આઘાત લાગ્યો હતો. તેમણે મોતિયાના ઑપરેશન માટે જમા કરેલા પૈસા પણ ગાઠિયો તેમને મૂરખ બનાવીને લઈ ગયો હતો. આ વિશે ‘મિડ-ડે’માં ગઈ કાલે સવિસ્તર અહેવાલ આવ્યો હતો. ‘મિડ-ડે’નો આ અહેવાલ વાંચીને અનેક લોકો આ દંપતીની મદદે આગળ આવી રહ્યા છે. એમાંથી એક સંસ્થા નિ:શુલ્ક ઑપરેશન કરાવી આપવાની છે અને ઘણા લોકો અન્ય પ્રકારની મદદ કરવા માટે આગળ આવ્યા છે.

મલાડના શ્રી મહાવીર ક્લિનિકના ટ્રસ્ટી ભાવેશ દોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘‘મિડ-ડે’માં આવેલો અહેવાલ વાંચ્યા બાદ ભાવુક થઈ જવાયું હતું અને ખૂબ દુ:ખ થયું હતું. આ દંપતીએ મોતિયાના ઑપરેશન માટે રાખેલી રકમ ગાઠિયા દ્વારા લૂંટી લેવામાં આવી હોવાથી તેમને ઑપરેશન કરવામાં મુશ્કેલી પડે એમ છે. એથી તરત જ શ્રી મહાવીર ક્લિનિકના ટ્રસ્ટીઓએ તત્કાલિક મીટિંગ બોલાવીને ચર્ચા કરી હતી અને નક્કી કર્યું કે ‘મિડ-ડે’ના માધ્યમથી તેમનું મોતિયાનું ઑપરેશન નિ:શુલ્ક કરી દેવામાં આવે. તેમને ઑપરેશન કરાવવાની સાથે લાગતો અન્ય કોઈ ખર્ચો હશે તો એ પણ ટ્રસ્ટીગણ કરવા તૈયાર છે.’

આ પણ વાંચો : મદદ પડી માથે

અન્ય અનેક વાચકો પણ ‘મિડ-ડે’ને ઈ-મેઇલ કરીને પારેખ દંપતીને મદદ કરવા આગળ આવ્યા હતા તેમ જ તેમને મદદ પહોંચાડવા માટે વિનંતી પણ કરી હતી.

વાચક ચિરંત જોશીએ ઈ-મેઇલ કરીને જાણ કરી હતી કે ‘પારેખ દંપતી વિશે વાંચતાં ખૂબ દુઃખ થયું હતું એટલે તેમને મારાથી થતી બધી મદદ કરવા હું તૈયાર છું. તેમને મદદ કરીને મને ખુશી થશે.’
ભાઇંદર રહેતા અને જૈન જાગૃતિ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશ શાહે કહ્યું કે આ કપલ્સને જોઈતી દરેક મદદ કરવાની મારી તૈયારી છે. પોતાના પૈસા આ રીતે ગુમાવતાં તેઓ કેવો અનુભવ કરતાં હશે એ સમજી શકાય છે.’

બીજા એક વાચક જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ દંપતીને ફોન કરીને ઑપરેશન કે અન્ય કંઈ મદદ જોઈતી હોય તો અમે કરીશું. આ ઉંમરે ૧૦૦ રૂપિયા પણ મહત્ત્વના હોય છે.’

તેમને મદદ કરવા માટે લોકો આગળ આવી રહ્યા હોવાથી ભાવુક થઈને સુરેશ પારેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે વૃદ્ધ છીએ. અમારી સાથે આવો બનાવ બનતાં અમે માનસિક રીતે તૂટી પડ્યાં હતાં, પરંતુ ‘મિડ-ડે’એ અમને લડવાની અને સ્ટ્રૉન્ગ બનવાની હિંમત આપી હતી. અમારો અહેવાલ આવતાંની સાથે જ અનેક લોકોએ સંપર્ક કરીને મદદ માટે હાથ લંબાવ્યો હતો અને ઑપરેશન કરાવી આપવાની તૈયારી પણ બતાવી હતી. આ જોઈને એવું લાગે છે કે હજી પણ માનવતા છલકાઈ રહી છે. ‘મિડ-ડે’ની મદદથી અમે ફરી માનવતાનાં દર્શન કરી શક્યા છીએ.’

mumbai mumbai news vasai gujarati mid-day preeti khuman-thakur