ઈડી બાદ ક્રાઇમ બ્રાન્ચે કોવિડ સેન્ટરોના મામલે નોટિસ મોકલી

15 January, 2023 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતના પાર્ટનર સુજિત પાટકર અને સહયોગીઓએ બોગસ કંપનીઓ ઊભી કરીને ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ

ઈડી બાદ ક્રાઇમ બ્રાન્ચે કોવિડ સેન્ટરોના મામલે નોટિસ મોકલી

મુંબઈ : કોરોનાકાળમાં મુંબઈમાં ઊભાં કરવામાં આવેલાં કોવિડ સેન્ટરોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કરીને બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)માં ફરિયાદ નોંધાવી હતી. આથી ઈડીએ શુક્રવારે મુંબઈ બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલને સોમવારે કોવિડ સેન્ટર સંબંધી તમામ ડૉક્યુમેન્ટ્સ સાથે હાજર થવાના સમન્સ મોકલ્યા હતા. આ જ મામલે ગઈ કાલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ કોવિડ સેન્ટર ઊભાં કરવાનો કૉન્ટ્રૅક્ટ લેનારી કંપનીઓ અને કેટલાક ડૉક્ટરોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.

કિરીટ સોમૈયાએ આ સંબંધે ગઈ કાલે ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘બીએકસી કોવિડ સેન્ટર ગોટાળામાં કમિશનર ઇકબાલ સિંહ ચહલે પોલીસ, ઇન્કમ ટૅક્સ, ઈડી, કૅગ, કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં આ સંબંધી ડૉક્યુમેન્ટ્સ આપવાની ના પાડી દીધી હતી. આથી હવે ઈડી અને બીજી એજન્સીઓ દ્વારા તપાસ કરાશે એટલે તેમણે હિસાબ આપવો પડશે.’

મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલને ઈડીએ નોટિસ મોકલી હોવા બાબતે કિરીટ સોમૈયાએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘ઈડીએ કમિશનરને સોમવારે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ કરવા માટે ઈડીની ઑફિસમાં બોલાવ્યા છે. કોવિડ સેન્ટર ઊભાં કરવામાં સંજય રાઉતના પાર્ટનર સુજિત પાટકર અને કેટલાક ડૉક્ટરોએ બેનામી કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપીને ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ પોલીસ નહોતી લેતી એટલે કોર્ટના આદેશથી ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પહેલો એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ કમિશનર ઇકબાલ સિંહ ચહલ પાસેથી માગ્યા હતા, પરંતુ તેમણે આપ્યા નહોતા. કૅગની તપાસમાં પણ તેમણે સહયોગ નથી કર્યો. તેમના વર્તન પરથી લાગે છે કે તેઓ મુંબઈ બીએમસીના નહીં પણ માતોશ્રીના કમિશનર છે. તેમણે હિસાબ આપવો જ પડશે.’

બે દિવસ પહેલાં કિરીટ સોમૈયાએ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉતના પાર્ટનર સુજિત પાટકર અને તેમના સહયોગીઓ સામે એફઆઇઆર નોંધાવ્યો હતો, જેમાં તેમણે નોંધ્યું હતું કે કોરોના સમયમાં કોવિડ સેન્ટર ઊભાં કરવામાં ઉદ્ધવ ઠાકરેએ બેનામી કંપનીઓને પાંચ-પાંચ કૉન્ટ્રૅક્ટ આપ્યા હતા. આ કૉન્ટ્રૅક્ટ ૧૦૦ કરોડ રૂપિયાના હતા. કમિશનર ઇકબાલ સિંહ ચહલ આ વિશે તપાસમાં સહયોગ નથી કરી રહ્યા એટલે ઈડી અને ઇન્કમ ટૅક્સ વિભાગ બાદ હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કૉન્ટ્રૅક્ટરો અને ડૉક્ટરોને ડૉક્યુમેન્ટ્સ સાથે હાજર થવાની નોટિસ મોકલી છે.’

mumbai mumbai news ed brihanmumbai municipal corporation kirit somaiya