જીવલેણ બન્યો બે દિવસ વધારે રોકાઈ જવાનો મોહ

05 January, 2022 11:00 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુલુંડના ‘સોચ બદલો, મુલુંડ બદલેગા’ના ઍક્ટિવ સોશ્યલ વર્કરનું લાકડાં ભરેલી ટ્રૅક્ટર ટ્રૉલી સાથેના અકસ્માતમાં મૃત્યુ

કોરોના વખતે લોકોને ભોજન આપવું, કિટ આપવી, દવા પહોંચાડવી જેવી મદદ કરી રહેલા શ્યામ સોની

મુલુંડમા રહેતા અને મુલુંડની સમસ્યાઓ બાબતે આગળ પડતો ભાગ લઈને ‘સોચ બદલો, મુલુંડ બદલેગા’ના ઍક્ટિવ મેમ્બર શ્યામ સોની અને તેમના મિત્રો ફૅમિલી સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. કેટલાક મિત્રો પહેલી તારીખે પાછા આવી ગયા હતા, પણ શ્યામ સોનીને બે-ચાર દિવસ વધુ રોકાવાનો મોહ ભારે પડ્યો હતો. સોમવારે રાતે ગોઝારો અકસ્માત થતાં તેમનું અને તેમના મિત્ર અશોક દાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે શ્યામ સોનીના ૧૫ વર્ષના દીકરા સાહિલને ગંભીર ઈજા થતાં હાલ બાંગડની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 
મુલુંડના કસ્તુરબા માર્ગ પર આવેલા સાગર બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતા શ્યામ સોની મુલુંડની નાની-મોટી સિવિક સમસ્યાઓ માટે હંમેશાં પાલિકાને કોસવાને બદલે આપણે એનો ઉકેલ લાવવા શું કરી શકીએ એવા પૉઝિટિવ અભિગમ સાથે કામ કરતા હતા. ‘સોચ બદલો, મુલુંડ બદલેગા’ સાથે નાના-મોટા ઉપક્રમ હાથમાં લઈને ખરેખર તેમણે સ્વચ્છતા, ખાડા, પાર્કિંગ અને અન્ય મુદ્દાઓ હાથ ધર્યા હતા અને એમનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યા હતા. કોરોનાકાળમાં તેઓ અનેક લોકોને ભોજન આપવું, કિટ આપવી, લોકોને દવા પહોંચાડવી, પોલીસોનું સન્માન કરીને તેમનું મૉરલ વધારવું જેવા ઉપક્રમ કરવા માંડ્યા હતા. થોડા જ વખતમાં તેમનું ગ્રુપ મુંલુડકરોમાં જાણીતું થઈ ગયું હતું. 
તેમને નડેલા જીવલેણ અકસ્માત વિશે માહિતી આપતાં તેમના મિત્ર અને ‘સોચ બદલો, મુલુંડ બદલેગા’ના ફાઉન્ડર સુલભ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૬ ડિસેમ્બરે તેમના મિત્રોનું ગ્રુપ ફૅમિલી સાથે રાજસ્થાન ફરવા ગયું હતું. ચાર-પાંચ કાર હતી. શ્યામ સોનીનું મુલુંડ માર્કેટમાં ગોલ્ડના દાગીના બનાવવાનું કારખાનું હતું અને તેઓ ઑર્ડર લઈને સપ્લાય કરતા હતા. શ્યામ સોનાની ફૅમિલિમાં તેમની પત્ની, બે બાળકો અને તેમના પાળેલા ડૉગનો સમાવેશ થતો હતો. રાજસ્થાન જતી વખતે તેમના ખાસ મિત્ર અને કારીગર અશોક દાસની ફૅમિલી પણ તેમની સાથે હતી. તેમના કેટલાક મિત્રો પરિવાર સાથે પહેલી તારીખે પાછા મુંબઈ આવી ગયા હતા, પણ શ્યામ અને અશોકે બે-ત્રણ દિવસ વધુ રોકાવાનો નિર્ણય લીધો હતો અને આ ગોઝારી ઘટના બની હતી.’ 
સુલભ જૈને વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘સોમવારે રાતે તેઓ અલ્ટો કારમાં મારવાડ જંક્શનથી જાડન જઈ રહ્યા હતા. અલ્ટો શ્યામ સોની જ ચલાવી રહ્યા હતા. સાથે અશોક અને તેમનો દીકરો સાહિલ પણ હતા. રાતે ૧૦.૩૦ વાગ્યે ખારડી ગામ પાસે તેમની કારની આગળ લાકડાં ભરીને ટ્રૅક્ટર ટ્રૉલી સાથે જઈ રહ્યું હતું. શ્યામ સોનીની અલ્ટો એ ટ્રૉલીની નીચે પૂરઝડપે ઘૂસી જતાં અકસ્માત થયો હતો. ઘટનાની જાણ સ્થાનિક શિવપુરા પોલીસ સ્ટેશનને કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે આવ્યા ત્યારે ગંભીર ઈજાને કારણે શ્યામ સોની અને અશોક મૃત્યુ પામ્યા હતા, જ્યારે સાહિલ ગંભીર રીતે ઘાયલ હતો. તરત જ તેમને ત્રણેને બાંગડની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સાહિલને સારવાર અપાઈ રહી છે. ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતાં પરિવારમાં તો શોકની લાગણી છવાઇ ગઈ છે. શ્યામ સોનીના અંતિમ સંસ્કાર ગામમાં જ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે અશોક દાસના ભાઈઓ તેમના મૃતદેહને મુલુંડ લાવવાના છે. તેઓ રાજ્સ્થાન જવા નીકળી ગયા છે.’

mumbai mumbai news mulund bakulesh trivedi