સંઘસ્થવિર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ૧૦૨મા જન્મદિવસ પર વિવિધ પદવીઓ ન્યોછાવર

25 September, 2022 11:19 AM IST  |  Mumbai | Rohit Parikh

આ પદવીઓ જૈનાચાર્યને વિવિધ સંઘો અને સંસ્થાઓ તરફથી ગઈ કાલે વિલે પાર્લેમાં યોજાયેલા પંચદિવસીય ‘સંઘસ્થવિર મહોત્સવ’ પ્રસંગે આપવામાં આવી

ગઈ કાલે શ્રી વિલે પાર્લે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઍન્ડ ચૅરિટીઝ દ્વારા શ્રી અહિંસા સંઘ-મુંબઈના સહયોગથી યોજવામાં આવેલા ‘સંઘસ્થવિર મહોત્સવ’માં પધારેલા જૈનાચાર્યો અને સાધુભગવંતો.

વિલે પાર્લે-વેસ્ટના ધનજી ગ્રાઉન્ડમાં ગઈ કાલે શ્રી વિલે પાર્લે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઍૅન્ડ ચૅરિટીઝ દ્વારા શ્રી અહિંસા સંઘ - મુંબઈના સહયોગથી ૩૦૦ સાધુ-સાધ્વીજીઓ અને હજારો શ્રાવકો-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં પૂજ્યપાદ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની ૬૨મી પુણ્યતિથિ તથા પૂજ્યપાદ સંઘસ્થવિર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાના ૧૦૨મા જન્મદિવસના ઉપલક્ષમાં પંચદિવસીય ‘સંઘસ્થવિર મહોત્સવ’ પ્રસંગે સમસ્ત વિમલગચ્છ તરફથી પૂજ્યશ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજાને ‘કલિકાલના કોહિનૂર’, સમસ્ત પાયચંદગચ્છ તરફથી પૂજ્યશ્રીને ‘શ્રામણ્ય શિખર’, સમસ્ત ખરતરગચ્છ તરફથી સાહેબને ‘પરમ અપ્રમત્તયોગી’, સમસ્ત અચલગચ્છ તરફથી પૂજ્યશ્રીને ‘આગમ વાચસ્પતિ’, સમસ્ત ત્રિસ્તુતિક સંઘ તરફથી ‘નિર્ગ્રંથ શિરોમણિ’, ભારત જૈન મહામંડળ તરફથી પૂજ્યશ્રીને ‘યુગપુરુષ’ અને શ્રી અહિંસા વિશ્વ ભારતી દિલ્હી દ્વારા ‘વિશ્વ પ્રતિબોધક’ એમ વિવિધ પદવીઓથી નવાજવામાં આવ્યા હતા. 

વર્તમાન સંઘસ્થવિર પૂજ્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજા એટલે વયપર્યાયની પરાકાષ્ઠા, શ્રુતપર્યાયની પરાકાષ્ઠા, સંયમપર્યાયની પરાકાષ્ઠા, અનુભવપર્યાયની પરાકાષ્ઠા, ગુણપર્યાયની પરાકાષ્ઠા. પૂજ્યશ્રી પટેલ કુળમાં જન્મ ધારણ કરી વૈરાજ્ઞવાસિત બની સાગરજી મહારાજાના હસ્તે દીક્ષા ગ્રહણ કરી વર્તમાનમાં સર્વાધિક ૮૪ વર્ષના દીક્ષા પર્યાયધારક છે. ૪૫-૪૫ આગમોના જ્ઞાતા પૂજ્યશ્રી ૯-૯ આગમ મંદિરોના સર્જક અને ૩૫-૩૫ બારસા સૂત્ર મંદિરોના પ્રેરક છે. ૫૫થી વધુ જિનાલયોના પ્રતિષ્ઠાચાર્ય, ૬,૭૫,૦૦૦ સાધિક શ્લોકપ્રમાણ પંચાંગી આગમનું સર્વાધિક અધ્યયન કરનાર પૂજ્યશ્રીએ કલિકાલમાં ૧૧૯ કલ્યાણક ભૂમિઓની પગપાળા વિહાર દ્વારા યાત્રા કરી  ધર્મપ્રભાવના કરી છે. તપોગચ્છીય પ્રવર સમિતિના વરિષ્ઠતમ સભ્ય પૂજ્યશ્રી ૧૦૦૦થી વધુ શ્રમણ- શ્રમણી ગણના અધિનાયક છે.

આ પ્રસંગમાં તપોગચ્છીય પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા, બૃહદ્ મુંબઈ મધ્યે બિરાજમાન ૫૦થી વધુ આચાર્ય ભગવંતો, ૩૬થી વધુ પદસ્થો, ત્રણશતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોનું સંઘોપકારી સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. સંઘસ્થવિર ઉત્સવના પ્રેરણાદાતા ભક્તિયોગાચાર્ય પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા, શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજા હતા. આખા કાર્યક્રમનું સફળ સંચાલન પૂજ્ય મુનિશ્રી વિનમ્રસાગરજી મહારાજસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મુંબઈ અને ભારતભરના તમામ જૈન સંઘોએ પૂજ્યશ્રીના દીર્ઘાયુષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોએ પૂજ્યશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

mumbai mumbai news vile parle rohit parikh